SURAT

સુરતના સારોલીની રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં 3.92 કરોડમાં ઉઠમણું કરનાર સુત્રધાર પંકજ ગોવાથી ઝડપાયો

સુરત (Surat) : સારોલી (Saroli) ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં (Textile Market) વેપારી સાથે 3.92 કરોડની છેતરપિંડી (Cheating) કરનાર આરોપીને ઇકો સેલે (Eco Cell) ગોવાથી (Goa) ઝડપી પાડ્યો હતો. આરોપી પંકજ ગોવામાં પણજી ખાતે જેક ડેલટીન કસીનોમાં વીઆઈપી મેમ્બર હતો. અને દર પંદર દિવસે ત્યાં જઈને છેતરપિંડીના કરોડો રૂપિયાનો જુગાર રમી હારી જતો હતો.

પીપલોદ ખાતે જીમખાના ક્લબ પાસે ચેવલી બંગ્લોમાં રહેતા સરીન અરવિંદલાલ ચેવલી કાપડ દલાલ છે. વર્ષ 2019 માં કૌશલ બ્રિજ મોહન રાઠી સાથે પરીચય કર્યો હતો. પંકજ રમેશચંન્દ્ર સચદેવા સારોલી ગામમાં રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં ધંધો કરતો હતો. કૌશલ સાથે પરીચય કરી પંકજ સાથે વેપાર ધંધો શરૂ કરાવ્યો હતો. આરોપીઓએ વેપારીઓનો વિશ્વાસ કેળવી તેમની પાસેથી માલ ખરીદી કર્યો હતો. સનરાઈઝ ક્રીએટીવ ફેશન પ્રા.લિ. ના કેતન નવીનચંન્દ્ર બંધારાએ 1.13 કરોડનો, એસ.આર રામ સન્સ પ્રા.લિ. ના ગૌતમ રામપ્રસાદ શેઠે 1.06 કરોડ આ સિવાય અન્ય વેપારીઓ પાસે મળીને કુલ 3.92 કરોડમો માલ ખરીદી કર્યો હતો. બાદમાં તેનુ પેમેન્ટ નહીં ચુકવી આરોપી પંકજ સચદેવા પોતાની પેઢી બંધ કરી ઉઠમણું કર્યું હતું. તેના બે બાળકોના ચાલુ અભ્યાસે લિવિંગ સર્ટિફિકેટો મેળવ્યા વગર પોતાનો ફ્લેટ વેચી પરીવાર સાથે નાસી ગયો હતો.

ઇકો સેલ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આરોપી દલાલ સરીન ચેવલીની ગત 6 માર્ચ 2022 ના રોજ ધરપકડ કરી હતી. આ ગુનામાં મુખ્ય સુત્રધાર પંકજ સચદેવા પોતાના પરીવાર સાથે સુરત શહેર ખાતે આવેલા પાલ આર.ટી.ઓ.ની સામે આવેલા રાજહંસ કેમ્પસ વિનસ બિલ્ડીંગ ફ્લેટ નંબર-૪૦૩ નુ મકાન ખાલી કરી નાસી ગયો હતો. અને બાદમાં મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ઇકો સેલને આરોપી પંકજ સચદેવા ફરીદાબાદમાં સંતાયેલો હોવાની બાતમી મળી હતી. તેને પકડવા માટે વોચ ગોઠવી હતી. ત્યારે પંકજ સચદેવા અવારનવાર ગોવા ખાતે જતો હોવાનું માલમ પડ્યું હતું. અને હાલમાં ગોવા ગયો હતો. જેથી પંકજ સચદેવા પણજીના જેક ડેલટીન કસીનોમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને કસીનોમાંથી દબોચી લીધો હતો. આરોપીની ધરપકડ કરી ટ્રાંજીટ રીમાન્ડ મેળવી સુરત લવાયો હતો.

મૃત માતાના નામે ખોટી સહી વાળા ચેક આપતો હતો
આરોપી પંકજ સચદેવાની પુછપરછમાં રાકેશ આહુજા જે પણ અગાઉ રાજહંસ કેમ્પસ વિનસ બિલ્ડીંગમાં રહેતો હતો. અને કાપડનો ધંધો કરતો હતો. તેની સાથે મુલાકાત થતા તેણે દલાલ સરીન ચેવલી મુલાકાત કરાવી ત્રણેય જણાએ સાથે મળી વેપારીઓ પાસેથી માલ લઇ નાણા ચુકવ્યા વગર નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી પંકજ સચદેવાની માતાના નામે ગ્લોબલ સીલ્ક મીલ્સની ફર્મ બનાવી હતી. અને તેની માતા 30 એપ્રિલ 2021 માં મરણ ગયેલા હોવા છતા તેની માતાની પેઢીના નામે ખોટી સહીઓ વાળા ચેકો વેપારીઓને આપતો હતો.

જુગાર રમવા દર પંદર દિવસે ગોવા ફ્લાઈટમાં જતો હતો
આરોપી પંકજ સચદેવાની પુછપરછમાં તેને જુગાર રમવાની ટેવ હોવાનું કહ્યું હતું. તે જેક ડેલટીન કસીનો માં વી.આઇ.પી મેમ્બર છે. તે જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઇટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો. ગોવામાં ચાર-પાંચ દિવસ રોકાઇ જુગાર રમતો હતો. તે છેતરપિંડીથી મેળવેલા પૈસા જુગારમાં હારી ગયો હતો.

કોની કોની સાથે કેટલાની છેતરપિંડી કરી

  • કેતન નવીનચંન્દ્ર બંધારા (સનરાઈઝ ક્રીએટીવ ફેશન પ્રા.લી) 1.13 કરોડ
  • ગૌતમ રામપ્રસાદ શેઠ (એસ.આર રામ સન્સ પ્રા.લી) 1.06 કરોડ
  • નિતિન દિનેશચંન્દ્ર નવાબ (વૃંદાવન ટેક્ષટાઇલ) ૬,૨૯,૩૩૨
  • આકાશ વસ્તુપાલ શાહ (કર્મી ટ્રેન્ડાઝ પ્રા.લી) ૮,૪૬,૩૧૧
  • રજનીકાંત લાલવાલા (ગોલ્ડ વન સીનથેટીક્સ) ૯,૯૪,૭૪૮
  • મિતુલ શૈલેષભાઇ મહેતા (અર્ચના ડાઇંગ) ૧૫,૧૧,૨૯૨

Most Popular

To Top