આણંદ : ખંભાતના યુવક સહિત અનેક રોજગાર વાંચ્છુઓને ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પેનલ્ટી અને કોર્ટના નામે ધમકાવી ઓનલાઇન પૈસા પડાવતી ભેજાબાજ ગેંગના ચાર સભ્યોને સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ સાયબર ક્રાઇમને કોર્ટ દ્વારા અગાઉ કોર્ટના નામે છેતરપિંડી થતી હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ પોલીસને ઇ-મેઇલથી તથા રૂબરૂ ભોગ બનનારા માણસોની ફરિયાદો આવી હોય જેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં અરજદાર મિહિરકુમાર મહેશભાઈ સુંદરકર (રહે.કંસારી, ખંભાત)ને ઘરે બેઠાં ડેટા એન્ટ્રી કરી પૈસા કમાવો જે વેબસાઇટની જાહેરાત પરથી ઇમેઇલ મોકલ્યો હતો.
જેના યુઝર અને પાસવર્ડ મોકલી આપી પાંચ દિવસમાં 500 જેટલા ફોર્મ ભરવાની શરતે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ કરાવી મીહીરને મોબાઇલ તથા હેલ્પ લાઇન નંબરથી ફોન કરી ફોર્મમાં ખામી દર્શાવી પેનલ્ટીના રૂ.4000ની માંગણી કરી હતી. જેથી મિહિરે કામ નહીં કરવાનું જણાવતા દિલ્હી ત્રીસ હજારી કોર્ટ તથા અન્ય કોર્ટના નામથી લીગલ પ્રોસીઝરની ધમકીઓ આપી કુલ રૂ.44,100 ભરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટાનો ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવ્યો હતો. આ ગેંગ દ્વારા હજારો બેરોજગાર યુવાનોને નોકરી, વર્ક આપવાના બહાને ઓનલાઇન છેતરપિંડી કરાયાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી, પોલીસે બાતમી આધારે વિકી જયેશ શાહ (રહે.રાજહંસ એપલ, સુરત), અશોક ભગવાન વિસાવે (રહે.દત્રાતેયનગર સુરત), જયેશ શામ પાટીલ (રહે.સાંઈ પુજન સોસાયટી, સુરત) અને આકાશ બાબુ બેડસે (રહે.આંબેડકરનગર, સુરત)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઇલ, ઇન્ટરનેટ રાઉટર મળી કુલ રૂ.1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોશિયલ મીડિયા પરથી બેરોજગાર યુવાનોના ડેટા એકત્ર કરાય છે
ખંભાતના યુવક સાથે છેતરપિંડ કરવાના કેસમાં પકડાયેલા ચારેય શખસ અલગ અલગ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ કરી કંપનીઓ તથા કોર્ટના ફેક ઇ-મેઇલ એડ્રેસ બનાવી લોકોને ધમકીઓ આપી પૈસા પડાવવાની ટેવવાળા છે. તેઓ સૌ પ્રથમ સોશ્યલ મિડિયા પરથી નોકરી વાંચ્છુક ઉમેદવારોને ઓનલાઇન મુકેલા બાયોડેટામાંથી તેઓના મોબાઇલ નંબરો ઓનલાઇન ખરીદ કરી સૌ પ્રથમ યુવાનોને મોબાઇલ ઉપર સંપર્ક કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ઘરે બેઠા કરવા માટેના કામની, નોકરીની ઓફર કરી યુવાનો પૈકી ેજ કામ કરવા ઇચ્છા ધરાવતા હોય તેઓનું ઇ-મેઇલ આઈડી મેળવી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તેઓને એગ્રીમેન્ટની નકલ, ઇમેઇલ ઉપર મોકલાવી કન્ફર્મેશન કરવામાં આવતું ત્યાર બાદ તેઓને યુઝર આઈડી અને પાસવર્ડ આપી ફેક વેબસાઇટ પર પાંચ દિવસ માટે ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવતું જે ફેક હોય ખરેખ એવું કોઇ કામ થતું ન હોય જેથી તેઓની પાંચ દિવસ બાદ ભૂલો કાઢી પેનલ્ટીના નામે પૈસા પડાવવામાં આવતાં હતાં. કોઇ પેનલ્ટી ભરવા તૈયાર ન થાય તો તેને ત્રીસ હજારી કોર્ટ તથા અન્ય કોર્ટના નામે ઇમેઇલ ઉપર ખોટી નોટીસ મોકલી ભય પેદા કરી લાખો રૂપિયા પડાવતા હતાં. આ ચીટીંગમાં તેઓ ઓનલાઇન પૈસા અલગ અલગ વોલેટ દ્વારા ડમી એકાઉન્ટમાં પાંચથી દસ જગ્યાઓમાં ટ્રાન્સફર કરી પૈસા ઉપાડી લેતા હતાં.