સુરત: (Surat) ભારતમાં વિમાનની (Plane) જેમ બુલેટ ટ્રેન (Bullet Trian) ચાલશે. બુલેટ ટ્રેનની આમ તો સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાકની રહેશે પરંતુ ભારતમાં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન 350 કિ.મી. પ્રતિ કલાકનો રહેશે. પહેલી ટ્રાયલ સને 2026માં સુરતથી બીલીમોરા વચ્ચેની રહેશે.
- બુલેટ ટ્રેન 320 કિ.મી.ની ઝડપે દોડશે, ટ્રાયલ રન 350 કિ.મી.ની ઝડપનો થશે
- બુલેટ ટ્રેનનું ભાડું વિમાનના ઈકોનોમી ક્લાસના ભાડા જેટલું હશે, વિમાન કરતાં વધુ લગેજ બુલેટ ટ્રેનમાં લઈ જઈ શકાશે
- અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ગુજરાતના આઠ અને મહારાષ્ટ્રના ચાર સ્ટેશન પરથી પસાર થશે
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના (NHRCL) બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એમડી સતિષ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન એક ગેમચેન્જર બની રહેશે. બુલેટ ટ્રેન વિમાની સેવાને પણ ચેલેન્જ આપશે. બુલેટ ટ્રેન સ્પેશિયલ ટ્રેક (Track) પર દોડશે. જેને સ્લેબ ટ્રેક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવશે. આ ટ્રેક એવા હશે કે જેની પર બુલેટ ટ્રેનને 350 કિ.મી.ની ઝડપે દોડાવી શકાશે. બુલેટ ટ્રેનનું ભાડું વિમાનના ઈકોનોમી ક્લાસ (Economy Class) જેટલું હશે અને વિમાન કરતા વધુ લગેજ બુલેટ ટ્રેનમાં લઈ જઈ શકાશે. હાલમાં બુલેટ ટ્રેન માટે ફુલ સ્પાન લોચિંગ મેથડ દ્વારા દર મહિને 200થી 250 પિલર તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે નર્મદા નદી પર 1.260 કિ.મી. લાંબો બ્રિજ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે 2024 સુધીમાં તૈયાર થઈ જશે.
બુલેટ ટ્રેનના રૂટ ઉપર હાલ પીલર અને ગર્ડર મૂકવાની કામગીરી તેમજ અમદાવાદથી લઇ વાપી સુધી આવતી નદીઓ ઉપર વેલ ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે. સુરત-બીલીમોરા બાદ બુલેટ ટ્રેન રૂટના અન્ય સેકશનમાં ટ્રાયલ લેવાશે. હાલ વાપીથી સાબરમતી સુધીના તમામ આઠ હાઇ-સ્પીડ રેલ સ્ટેશનોનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે. જેમાં સાબરમતી ખાતે પેસેન્જર ટર્મિનલ હબ બનાવવામાં આવશે. જેમાં બુલેટ ટ્રેનની સાથે મેટ્રો, બીઆરટીએસ અને બે ભારતીય રેલના સ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વર્ષના ઓગષ્ટ માસ સુધીમાં તે તૈયાર થઈ જશે. પ્રોજેક્ટ સાકાર થયા બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચેની મુસાફરી ત્રણ કલાકની થઇ જવાનો અંદાજ છે. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે 508 કિ.મી.માં દોડશે અને ગુજરાતમાં આઠ અને મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશનો પરથી પસાર થશે.
જાપાનમાં જે ઈ-5 સિરીઝના કોચ વપરાય છે તેવા જ કોચ હિટાચી અને કાવાસાકી કંપની ભારત માટે બનાવશે
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પો.લી.ના મેનેજિંગ ડાયરેકટર સતિષ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, 2027માં સુરતથી બીલીમોરાનો બુલેટ ટ્રેનનો 48 કિ.મી.નો રૂટ તૈયાર થઈ જશે. જોકે, તેના એક વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવશે. હાલમાં મહારાષ્ટ્રમાં (Maharashtra) જમીન સંપાદનની (Land Acquisition ) સમસ્યાને કારણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ત્યાં અટકી ગયો છે. જાપાનમાં જે ઈ-5 સિરીઝના બુલેટ ટ્રેનના કોચ વપરાય છે તેવા કોચ જ ભારતમાં પણ વાપરવામાં આવશે પરંતુ તેમાં ભારતના વાતાવરણને અનુરૂપ ફેરફારો કરવામાં આવશે. આ કોચ હિટાચી અને કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ જે કોચ તૈયાર કરવામાં આવશે તે 3.35 મીટર જેટલા પહોળા હશે અને 320 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આટલા પહોળા કોચની બુલેટ ટ્રેન ફ્રાન્સ તેમજ જર્મનીમાં દોડે છે. હાલમાં પ્રારંભિક તબક્કે છ બુલેટ ટ્રેન ભારત મોકલવામાં આવશે. જે ભારતીય વાતાવરણ પ્રમાણે હશે. જ્યારે અન્ય કોચને ભારતમાં લાવીને ટ્રેન તૈયાર કરવામાં આવશે.
ગુજરાત અને દાદરા નગર હવેલી માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયા
બુલેટ ટ્રેન માટે ગુજરાત અને દાદરા નગર હવેલીના 352 કિ.મી.ના રૂટ પર સિવિલ કોન્ટ્રાક્ટના 100 ટકાના કામો આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં 237 કિ.મી.ના ટ્રેક વર્ક માટે એવોર્ડ પણ આપી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં બાકીના 115 કિ.મી. માટેના એવોર્ડ પણ ચૂકવી દેવામાં આવશે. ભારત અને જાપાનના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના રૂટ ઉપર પેર વર્ક્સ અને સ્પાનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરત સ્ટેશન હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ પૈકીનું એક મોટું સ્ટેશન છે. જેને 48, 234 સ્ક્વેર મીટર એરિયામાં તેને બિલ્ટ અપ કરવામાં આવશે. હાલ નવસારી કાસ્ટિંગ યાર્ડ કે જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર, ગર્ડરનું કન્સ્ટ્રકશન કરીને સ્ટ્રેડલ કેરીયર દ્વારા ગર્ડરને ઉંચકીને પિલર ઉપર મુકવાની કામગીરી ચાલી રહી છે. સુરત બુલેટ ટ્રેન રૂટ ઉપર 128 ફાઉન્ડેશન પૈકી 118 ફાઉન્ડેશન પુર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાપી નદી ઉપર કુલ 13 વેલ ફાઉન્ડેશન પૈકી 6 વેલ ફાઉન્ડેશન પુરા કરી દેવાયા છે. સાતોષી સુઝૂકી અને હાઇસ્પીડ રેલના મેનેજિંગ ડિરેકટર ડીરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ સુરત તેમજ નવસારી અને વાપીમાં ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઇ પ્રોજેક્ટમાં જોડાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓની કામગીરીથી સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.