સુરત(Surat) : લિંબાયત ઝોનના (Limbayat Zone) દબાણખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ માર્શલો અને એસઆરપીની (SRP) ટુકડી સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા. કામગીરી દરમિયાન દબાણકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું પરંતુ આ ઘર્ષણ બાદ સુરત મહાનગર પાલિકાના દબાણ ખાતાનો સ્ટાફ અને સાથે માર્શલો ખુલ્લેઆમ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. મનપાના સ્ટાફે દબાણકર્તાઓને પકડી પકડીને મારતા મારતા પોલીસની ગાડીમાં બેસાડ્યા હતા. વેપારીઓને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ડિંડોલીમાં ડીડોલી ખરવાસા રોડ પર દબાણ ખાતાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. આ સમયે દબાણકર્તા વેપારીઓ અને સ્ટાફ વચ્ચે ચકમક થઈ ગઈ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા સ્ટાફે લારી-ગલ્લા અને પાથરણાં વાળાઓને માર મારવાનું શરુ કરી દીધું હતું. વેપારીઓને પકડી પકડીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જેથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દરમિયાન આ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ દાખલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મેટ્રો અને ડ્રીમ સિટીમાં કપાતમાં જતી જમીન મુદ્દે ખેડૂતો અને કમિશનર વચ્ચે મીટિંગ
સુરત: ખજોદ ગામના મેટ્રો રેલમાં કપાતમાં જતી જમીનના ખેડૂતો અને સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બંછાનિધિ પાની, ડ્રીમ સિટી તેમજ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત ડાયમંડ બુર્સમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ખજોદ ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મેટ્રો રેલના અધિકારીઓએ ખેતરમાં ડિમાર્કેશન ખૂંટ મારી દીધી છે, તેમાં કોઈપણ પ્રકારની જાણ કે પરવાનગી વિના કામ કરવામાં આવ્યું છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે. જે જમીન ડ્રીમ સિટી માટે ખેડૂતો પાસેથી લઈ લેવાશે તેના બદલામાં ખેડૂતોને મીંઢોળા નદીની આસપાસ જે જમીન આપવામાં આપવાની જાહેરાત ડ્રીમ સિટીના કાર્યપાલક ઇજનેર ધર્મેશ મિસ્ત્રીએ કરી છે, તે જમીન બિનઉપજાઉ હોવાથી ખેતીલાયક નથી. આથી આ જમીન બાબતે ખેડૂતો અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટરે સખત વિરોધ કર્યો હતો.