Charchapatra

ગૌરવશાળી ગુજરાત

વિરોધપક્ષોના કાયમનાં ધતિંગ થઈ ગયાં છે.ચૂંટણી આવી નથી કે ગુજરાતને બદનામ કરવાનું શરૂ કરી દેવાનું.નથી તો તેમણે લોકોનાં કામ કરવાં કે નથી તો યોગ્ય રીતે પ્રજાના પશ્નો ઉઠાવવા.ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સફળ છે કારણ કે ભાજપ પાસે એવા નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ છે.ભાજપ માત્ર ઈલેક્શન સમયે જ નહીં, સમગ્ર વર્ષ દરમ્યાન ૩૬૫ દિવસ કોઈ ને કોઈ કાર્યક્રમ દ્વારા પ્રજાની વચ્ચે જ રહે છે.ભાજપનાં ૨૭ વર્ષના શાસનમાં ગુજરાત રોડ,રસ્તા દેશનાં અન્ય રાજયોની સરખામણીમાં ઘણા સારા બન્યા.ગુજરાતની એસ.ટી. બસો અને બસ સ્ટેશન આધુનિક બન્યા.મહાનગરોમાં હજારો ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને ઘરનાં ઘર મળ્યાં.અમદાવાદ ને રિવરફ્રન્ટ તો કેવડિયા ને સ્ટેચ્યુ ઓફ યુનિટી મળ્યાં.સરદાર સરોવરમાંથી નીકળતી એક નદી કરતાં પણ વિશાળ મુખ્ય નહેરનાં નીર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યા.સુરત શહેર સાચા અર્થમાં સોનાની મૂરત બન્યું.ગિરનાર હોય કે સોમનાથ,પાવાગઢ હોય કે અંબાજી કે પછી ચોટીલા, દરેક યાત્રાધામોની સુવિધાઓ વધી.ડાંગથી લઇને કચ્છ સુધી દરેક જગ્યાએ વિકાસની વણજાર પહોંચી.છેલ્લાં ૨૭ વર્ષમાં હજારો યુવાનોને સરકારી નોકરી મળી, પણ અને કેટલાય કાયમી પણ થઈ ગયા.

ઉચ્ચ શિક્ષણ માટે વિધ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ,વિધ્યાર્થિનીઓ માટે મફત બસ સેવા તેમજ સમરસ હોસ્ટેલની સુવિધાઓ.લોકોને એક જ જગ્યાએ સરકારી સેવાના લાભો મળે તે હેતુથી સેવાસેતુનું આયોજન.૨૭ વર્ષના શાસનમાં સરકાર દ્વારા લોકહિતના અને લોકકલ્યાણનાં અનેક કાર્ય કરવામાં આવ્યાં છે.આ કાર્યોનુ જ પરિણામ છે કે જનતા સતતપણે ભાજપને મત આપતી આવી છે. હા, આજે ઘણી સમસ્યાઓ છે એની ના નથી પરંતુ સાચું કહીએ તો શું આ સમસ્યા માટે ફક્ત સરકાર એકલી જ જવાબદાર છે?શું પ્રજા તરીકે આપણો સહેજે વાંક નથી? આજે જે લોકો વિરોધપક્ષ બનીને સરકારનો વિરોધ કરવા નીકળ્યા છે તે બધા શું દૂધે ધોયેલા છે? વિરોધ પક્ષ ભ્રષ્ટાચારની વાત કરે છે પણ તેમની રેલીઓ કે રોડ શો માટે જે રૂપિયા આવે છે તે બધા જ ઈમાનદારી કે મહેનતની કમાણીના જ છે? રાજકારણ માટે ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. ગુજરાત સુખી,સમૃદ્ધ અને ભારતની નવી રાજનીતિનું કેન્દ્ર છે. હા, ભાજપના નેતાઓને પણ એક સૂચન છે કે હવે પક્ષમાં યુવાન, શિક્ષિત અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના કાર્યકરને વધુ મહત્ત્વ આપે તો પક્ષમાં સોનામાં સુંગધ ભળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.
          – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top