આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે રામ નવમીના શુભ દિને અભિજિત મુર્હૂતમાં રૂપિયા દોઢ સો કરોડના ખર્ચે નિર્માણ પામનારા દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ – અક્ષરભુવનનો શિલાન્યાસ વિધિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ટ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિવિધ ધામમાંથી પધારેલા 108 સંતો તથા 108 હરિભક્તોએ શિલાનું પૂજન કર્યું હતું. આ દર્શનનો હજારો સંતો તથા હરિભક્તો એ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી હરિએ જ્યાં જ્યાં વિચરણ કર્યું હતું અને જે વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો તેવી પ્રસાદીની વસ્તુઓ નંદ સંતો તથા હરિભક્તોએ પોતાની નવી પેઢી માટે સંગ્રહિત કરી હતી.
આ પ્રસાદીની વસ્તુઓના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે આચાર્ય લક્ષ્મી પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મંદિર પરિસરમાં આવેલા અક્ષરભુવનનું ખાત મુહૂર્ત કર્યું હતું. જ્યાં પ્રસાદીની ચીજ વસ્તુઓ મુકવામાં આવી છે, આ પ્રસાદીની વસ્તુઓના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે ગોમતી કિનારે રૂપિયા દોઢ સો કરોડના ખર્ચે ગુલાબી પથ્થરમાંથી દિવ્ય અને ભવ્ય વર્લ્ડ ક્લાસ નૂતન અક્ષરભુવનની ખાતમુહૂર્ત વિધિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો તથા હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી . આચાર્ય મહારાજ તથા સંતો દ્વારા શિલાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં મહારાજ તથા સંતો દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધામ ધામથી સંતો દ્વારા લાવવામાં આવેલી ઇંટો તથા વિવિધ નદીઓના પવિત્ર જળથી શિલાઓનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે સંપ્રદાયના જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા એ અક્ષરભુવનનો મહિમા વર્ણવ્યો હતો. શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી એ પોતાની પરંપરામાં મળેલા ભગવાન શ્રી હરિનું પ્રસાદીનું પીતાંબર નૂતન અક્ષરભુવનમાં દર્શનાર્થીઓના માટે આચાર્યને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંપ્રદાયના વડીલ સંતો એ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પૂજ્ય લાલજી સૌરભપ્રસાદજીએ જણાવ્યું હતું કે, વડતાલ ધામમાં તૈયાર થનારા નૂતન અક્ષરભુવન વિશ્વનું નજરાણા રૂપ મ્યુઝિયમ બનશે. જેમાં ભગવાન શ્રી હરિની પ્રસાદીની વસ્તુઓ 2000 વર્ષ સુધી આપણી આગામી પેઢીઓ દર્શન કરી ધન્યતા અનુભવશે. આ પ્રસંગે આચાર્ય મહારાજે આશીર્વચન પાઠવતા જણાવેલું કે, ભગવાનનો મહિમા સમજાય તો ક્યારે અભાવ આવે નહિ. સંતો એ સંપ્રદાયનું ચાલક બળ છે, ભગવાન શ્રીહરિ કહેતા કે જે મનુષ્ય અહંકાર કરે તે ક્યારેય ગમતું નથી. જે હરિભક્તોએ આ નૂતન અક્ષરભુવનના નિર્માણમાં નાની મોટી સેવા કરી છે. તેનું શ્રી હરિ મંગળ વિસ્તારે તેવા આશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા નાર ગુરુકુળના શ્રી હરીકૃષ્ણ સ્વામી. અને પ્રિયદર્શન સ્વામી પીજ વાળાએ સંભાળ્યું હતું.