ભગવાન વ્યાસે આ મહાન ગ્રંથ મહાભારતની રચના કરી અને હવે ગણેશજી દ્વારા તે લિપિબદ્ધ થયો. ભગવાન વ્યાસે આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવજીને અને પોતાના શિષ્યો, વૈશંપાયનાદિને ભણાવ્યો. હવે આપણે આ ગ્રંથ મહાભારતની કથાનો ઉપક્રમ જોઈએ. મહારાજ પરીક્ષિતને શૃંગી ઋષિના શાપ પ્રમાણે તક્ષક નામના સર્પે દંશ દીધો અને પરિણામે પરીક્ષિતનું અવસાન થયું. આ ઘટના જાણીને મહારાજ પરીક્ષિતના પુત્ર જનમેજયને અતિશય દુ:ખ થયું. એટલું જ નહીં પરંતુ તક્ષક નાગ અને સમગ્ર નાગજાતિ પ્રત્યે તેમના મનમાં રોષ અને દ્વેષ ઉત્પન્ન થયા. મહારાજ જનમેજયના તક્ષક અને સમગ્ર નાગજાતિ પ્રત્યેના આ રોષ અને દ્વેષને ‘ઉત્તંક’ નામના એક પુરુષે ખૂબ પ્રજવલિત કર્યા અને પરિણામે મહારાજ જનમેજય સમગ્ર સર્પજાતિના નિકંદન માટે સર્પયજ્ઞ કરવા માટે તત્પર થયા.
કોણ છે, આ ઉત્તંક અને ઉત્તંકે મહારાજ જનમેજયને શા માટે સર્પયજ્ઞ માટે ઉત્તેજિત કર્યા? વેદ નામના એક ઋષિ હતા. તેમનો ઉત્તંક નામનો એક શિષ્ય હતા. ઉત્તંક બુદ્ધિમાન, વિદ્યાવ્યાસંગી અને કાર્યકુશળ હતો. ગુરુ મહારાજને બહાર જવાનું બને ત્યારે ઉત્તંક જ આશ્રમની વ્યવસ્થા સંભાળતો. ઉત્તંકે 12 વર્ષ સુધી ગુરુદેવ વેદના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કર્યો. હવે તે પોતાના પિતૃગૃહે જવા તૈયાર થયો. ગુરુમહારાજે તેનો સમાવર્તન સંસ્કાર કર્યો. | પિતૃગૃહે જતાં પહેલાં ઉત્તંક પોતાના ગુરુ મહારાજ પાસે જાય છે અને ખૂબ નમ્રતાપૂર્વક ગુરુમહારાજને ગુરુ દક્ષિણા માગી લેવા માટે પ્રાર્થના કરે છે. ગુરુમહારાજ કહે છે,“બેટા, ઉત્તંક ! મારે તો કોઈ ગુરુદક્ષિણાની આવશ્યકતા નથી, આમ છતાં તારાં ગુરુમાતાને પૂછ અને તેમને કાંઈ જરૂર હોય તો તેમને ગુરુદક્ષિણા આપ.” ઉત્તંક ગુરુમાતા પાસે જાય છે અને ગુરુમાતાને ગુરુદક્ષિણા માગવા માટે પ્રાર્થના. કરે છે. ગુરુમાતા કહે છે,‘‘બેટા ! તું પૌષ્યરાજા પાસે જા અને તેમની રાણીના કુંડળ માગી લાવ. મારે તે કુંડળ જોઈએ છે.”
ગુરુમાતાની માગણી સાંભળીને ઉત્તંક પૌષ્યની રાજધાની તરફ ચાલવા માંડચો. ઉત્તંકે પૌષ્યની પાસે પહોંચીને તેમની પાસે રાણીના કુંડળની માગણી કરી. પૌષ્ય રાજા સર્વદાતા હતો અને સૌને કાંઈ ને કાંઈ આપતો. તેણે ઉત્તંકને રાણી પાસે જઈને તેની પાસે કુંડળ માગી લેવા કહ્યું. ઉત્તંક રાણી પાસે જઈને કહે છે, ‘‘મારા ગુરુમાતાને મારે આપના કુંડળ ગુરુદક્ષિણા રૂપે આપવા છે. આપ કૃપા કરીને મને આપના કુંડળ આપો.” રાણીએ ખુશીથી પોતાના કુંડળ કાઢીને ઉત્તંકને આપ્યા. આપતી વખતે ઉત્તંકને સાવધાન કરતા કહ્યું, ‘‘આ કુંડળ પ૨ તક્ષક નામના નાગની નજર છે. કદાચ તે આ કુંડળ તમારી પાસેથી આંચકીને લઈ જશે. સાવધાન રહેજો.’’ ઉત્તંક કુંડળ લઈને આગળ ચાલ્યો. રસ્તામાં ઉત્તંકે જોયું કે તેની પાછળ એક ક્ષપણક સાધુ ચાલતો હતો. રસ્તામાં એક નદી આવી. ઉત્તંક વસ્ત્રો અને કુંડળ નદીને કિનારે મૂકીને નદીમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરીને ઉત્તંક પાછો આવે છે. આવીને જુએ છે તો કુંડળ ગાયબ થયા છે. ઉત્તંક સમજી ગયો કે કુંડળ પેલો ક્ષપણક જ લઈ ગયો છે. ઉત્તંક ક્ષપણકની પાછળ દોડે છે. તેને પકડે છે અને તેની પાસેથી કુંડળ પાછા મેળવી લે છે. વસ્તુતઃ ઓ ક્ષપણક નાગરાજ તક્ષક જ હતો. ઉત્તંક ગુરુજીના આશ્રમે ગયો અને તેણે ગુરુમાતાને કુંડળ આપ્યા. ગુરુમાતા પ્રસન્ન થયા. ગુરુદેવ અને ગુરુમાતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઉત્તંક આગળ ચાલ્યો. તે હસ્તિનાપુર પહોંચ્યો અને મહારાજ જનમેજયને મળ્યો. જનમેજય અર્જુનના પ્રપૌત્ર, અભિમન્યુના પૌત્ર અને પરીક્ષિતના પુત્ર છે. ઉત્તંકે જનમેજય રાજા પાસે તક્ષક નાગ વિરુદ્ધ ફરિયાદ કરી. ઉત્તંક જાણતો હતો કે જનમેજયના પિતા પરીક્ષિતનું મૃત્યુ તક્ષક દ્વારા થયું હતું. જનમેજયના મનમાં તક્ષક પ્રત્યે દ્વેષ અને રોષ હતા જ. ઉત્તંક તક્ષક વિરુદ્ધ જનમેજય રાજાને ઉત્તેજિત કરે છે. અગ્નિમાં ઘીની આહુતિ આપવામાં આવે ને અગ્નિ જેમ પ્રજ્વલિત થઈ ઊઠે, તેમ ઉત્તંકની ઉશ્કેરણીથી મહારાજ જનમેજયનો તક્ષક પ્રત્યેનો વેરભાવ પ્રજ્વલિત થઈ ઊઠ્યો.
હવે પ્રશ્ન એ હતો કે તક્ષકને પકડવો કેવી રીતે ? તક્ષક સરળતાથી હાથમાં આવે તેવો ન હતો. તે પાતાળમાં પણ સંતાઈ જતો. અંતે ઉત્તંકે જનમેજયને સર્પસત્ર અર્થાત સર્પયજ્ઞ કરવાની સલાહ આપી. સર્પયજ્ઞમાં ઘી, તલ, જવ આદિની નહીં પરંતુ સર્પની આહુતિ આપવાની હતી. આ સર્પયજ્ઞમાં પૃથ્વી પરના બધા સર્પોને લાવી લાવીને યજ્ઞના અગ્નિમાં હોમી દેવાના છે, જેમાં તક્ષક પણ હોમાઈ જશે. મહારાજ જનમેજયને ઉત્તંકની સલાહ ગમી અને તેઓ સર્પયજ્ઞ કરવા માટે તૈયાર થઈ ગયા. જનમેજય કોઈ પણ રીતે તક્ષકનો નાશ કરવા ઇચ્છતા હતા. પુરોહિતોએ સર્પયજ્ઞ શરૂ કરી દીધો. ચારેય દિશાઓમાંથી સર્પો આવી આવીને સ્વયં યજ્ઞકુંડમાં પડવા લાગ્યા. મહાવિનાશ થવા લાગ્યો પરંતુ જેની ખાસ જરૂર હતી. તે તક્ષક હજુ આવતો નથી. તપાસ કરતાં જણાયું કે તક્ષક ઇન્દ્રલોકમાં ઈન્દ્ર પાસે સંતાઈ ગયો છે. સર્પોના મહાવિનાશથી વાસુકિ નાગ ખૂબ ગભરાઈ ગયો. તેણે જોયું કે જનમેજયનો સર્પયજ્ઞ આ જ રીતે ચાલશે તો અમારો નાગવંશ પૂરેપૂરો હોમાઈ જશે; નાગવંશ સંપૂર્ણતઃ નાશ પામી જશે. કોઈક રીતે જનમેજયનો આ સર્પયજ્ઞ હવે સમાપ્ત કરવો જોઈએ, આ સર્પયજ્ઞને હવે અહીં જ અટકાવવો જોઈએ. પરંતુ તેમ કરવું કેવી રીતે? તે કાર્ય વાસુકિ આસ્તિક દ્વારા સિદ્ધ કરે છે. કોણ છે આ આસ્તિક અને તેણે કેવી રીતે આ સર્પયજ્ઞ અટકાવ્યો?