સુરત : લોક રક્ષક દળની રવિવારે લેવાયેલી પરીક્ષામાં શહેરના અલગ-અલગ કેન્દ્રો ઉપર કુલ 68,216 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા જ્યારે 1562 ગેરહાજર નોંધાયા હતા. પરીક્ષામાં ગેરરીતિનો એક કેસ ઉધનાની તારા વિદ્યામંદિર સ્કુલમાંથી મળી આવ્યો હતો. એક ઉમેદવાર પગ ઉપર લખાણ કરીને લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહીં એલઆરડીની (LRD) પરીક્ષા (Exam) માટે આવેલી એક પરીક્ષાર્થીએ એલઆરડી ભરતી માટે 2018માં અરજી કરી ત્યારે તે કુંવારી હતી અને પરીક્ષા આપવા આવી ત્યારે એક બાળકની માતા બની ગઇ હતી.
- સુરતમાં 68,216 પરીક્ષાર્થીઓએ લોકરક્ષક દળની પરીક્ષા આપી
- સુરત સહિત રાજ્યના 7 જિલ્લાના 954 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ
- એલઆરડીના પ્રશ્નપત્રમાં કાયદા અને રેઝનિંગને લગતા પ્રશ્નો પૂછાયા
- ઉધનાની તારા વિદ્યામંદિરમાં ઉમેદવાર પગ ઉપર લખાણ લખીને પરીક્ષા આપવા આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે 12 થી 2 વાગ્યા સુધી લોકરક્ષક દળની સુરત સહિત રાજ્યના 7 જિલ્લાના 954 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી પરીક્ષામાં સુરતના વિવિધ કેન્દ્રો પૈકી ઉધના તારા વિદ્યામંદિરમાં પગ ઉપર લખાણ કરીને આવેલો ઉમેદવાર પકડાયો હતો. સુરતમાં કુલ 69,778 પરીક્ષાર્થી નોંધાયા હતા. જે પૈકી 68,216 હાજર જ્યારે 1562 ગેરહાજર રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારોને બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારથી જ એલઆરડી પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એલઆરડીના પ્રશ્નપત્રમાં કાયદા અને રેઝનિંગને લગતા પ્રશ્નો પૂછાયા હતા. પરીક્ષા કેન્દ્રો ઉપર પીએસઆઇ અને પીઆઇ કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે ગોઠવવામાં આવ્યા હતા.
ધોરણ 10માં નાપાસ થવાના ડરથી ઘર છોડીને ભાગેલા કિશોરને પોલીસે શોધી કાઢ્યો
સુરત : ધોરણ 10ના પેપર ખરાબ જતા ઘર છોડીને ભાગેલા કિશોરને પોલીસે શોધી કાઢ્યો હતો. ઘટના મામલે જાણવા મળેલી વિગત અનુસાર પાલનપુર પાટીલા ભાગ્યોદય સોસાયટીમાં રહેતો કિશોરના ધોરણ 10ના પેપરો ખરાબ ગયા હતા. દરમિયાન તેને નાપાસ થવાનો ડર હતો. તેના કારણે કિશોર સવારના પાંચ વાગ્યે કોઇને કહ્યા મુક્યા વગર ઘર છોડીને ભાગી ગયો હતો. આ મામલે અડાજણ પોલીસને પરિવારજનો પૈકી મોટા ભાઇ રાહુલ વસંત રાઠોડે જાણ કરતા અડાજણના નાયલો પેટ્રોલ પંપ પાસેથી કિશોરને પોલીસે શોધીને પરિવારજનોને શોધી આપ્યો હતો.