અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર દલીપસિંહે ભારતમાં આવીને જે તમામ રાજકીય રીત અને વ્યવહારોને કોરાણે મૂકીને સંભળાવી દીધું કે ‘ચીન એલએસીનું ઉલ્લંઘન કરે તો રશિયા બચાવવા નહીં આવે. રશિયા હંમેશા ચીનનું જુનિયર જ રહેશે. ચીન જેટલું ફાયદાની સ્થિતિમાં રહેશે એટલું જ ભારત માટે ખતરનાક સાબિત થશે. અમે ખરેખર ઇચ્છીએ છીએ કે વિશ્વભરની લોકશાહીઓ અને ખાસ કરીને, ક્વાડ એકસાથે આવે અને યુક્રેનના વિકાસ અને તેના ભવિષ્ય વિશેની ચિંતામાં સહયોગ આપે.’ સામાન્ય રીતે આ પ્રકારની મુલાકાતે વિદેશ વિભાગના કોઈ સિનિયર અધિકારી અથવા વિદેશમંત્રી કે નાયબ વિદેશમંત્રી અથવા ક્યારેક વડા પ્રધાન જતા હોય છે. આ કિસ્સામાં દલીપસિંહ કેમ આવ્યા એનું કારણ સમજી લઈએ. દલીપસિંહ આ કિસ્સામાં પ્રેસિડેન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એટલે એમને જે કંઈ કહેવાનું હતું તે જરાય ચીલો ચાતર્યા વગર વોશિંગ્ટને તેમને જે કંઈ કહેવા મોકલ્યા હતા અને જે કંઈ રીતે કહેવા મોકલ્યા હતા તે મુજબ જ કહેવાનું હોય.
આ સંદર્ભમાં અગ્રગણ્ય કોમોડિટી નિષ્ણાત શ્રી બિરેનભાઈ વકીલના કહેવા પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દોઢ મહિનો થઈ ગયો છતાં હજુ બે પક્ષો મચક આપતા નથી. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઇ છે. બીજી બાજુ પશ્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધોનું દબાણ વધારતા જાય છે. આના સંદર્ભે રશિયા લશ્કરી અને વેપારી એમ બંને પક્ષે આક્રમક બન્યું છે. યુરોપના દેશો ૪૦ ટકા ગેસ રશિયા પાસેથી લે છે અને રશિયાની શરત છે કે પેમેન્ટ રૂબલમાં કરવું પડશે. એટલે વિશ્વ બજારમાં રશિયાથી આયાત થતા કોલસો, મેટલ્સ, ખાતર, અનાજ, ઓઇલ અને ગેસના વેપારોમાં રૂબલ આધારિત પેમેન્ટ સિસ્ટમ આવશે જે સમાચારો યુરોપ માટે અણધાર્યા છે. આ પેમેન્ટ માટેની ડિમાન્ડને પગલે રૂબલમાં જોરદાર શોર્ટ રિકવરીંગ આવ્યું છે. પાછલા સવા મહિનામાં રૂબલ ૭૫ થી ૧૫૦ અને ૧૫૦ થી ૧૭૫ થયો છે.
બાઈડેને ક્રુડની તેજી રોકવા સ્ટ્રેટેજીક રિઝર્વમાંથી ૧.૮ કરોડ બેરલ તેલ આવતા છ મહિના સુધી રોજના ૧૦ લાખ બેરલ જેટલું વેચવાનું એલાન કર્યું છે. આ જથ્થો રિઝર્વની ખનિજ તેલની જરૂરિયાતના બે દિવસ જેટલો છે પણ પોલીસી સ્તરે એ બહુ મોટો સંકેત છે. આ બધી કશ્મકશ વચ્ચે પશ્ચિમના દેશો પણ કૂણા પડ્યા છે. યુરોપિયન યુનિયનના દેશો પોતાની જરૂરિયાતના ૪૦ ટકા તેલ અને ૨૫ ટકા ખનિજ તેલ રશિયા પાસેથી ખરીદે છે. જર્મનીના ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝે ગયા સપ્તાહે ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયા જો હજુ કડક આર્થિક પ્રતિબંધોનો અમલ કરે તો જર્મની અને સમગ્ર યુરોપ મંદીમાં ધકેલાઇ જશે. ઓસ્ટ્રિયા અને જર્મની જેવા દેશોએ ગેસની અછતનો સામનો કરવાની તૈયારી શરૂ કરી છે. અમેરિકાએ યુરોપને ગેસ સપ્લાય શરૂ કરી દીધો છે જે યુરોપની જરૂરિયાત મુજબ નગણ્ય કહી શકાય.
બ્રસેલ્સની બ્રુગેલ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટયૂટ અનુસાર યુરોપ દરરોજ રશિયા પાસેથી ૬૫૦૦ કરોડનું તેલ અને ગેસ ખરીદે છે. રશિયાની ગેસ કંપની ગેઝપ્રોમે એકલા માર્ચમાં ગેસની નિકાસ પેટે ૭૦ હજાર કરોડની કમાણી કરી છે. રશિયન કરન્સી રૂબલ આ રીતે હાલ પૂરતી તો સ્થિર થઈ છે પણ S&Pના ગ્લોબલ સરવે મુજબ રશિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ઉત્પાદન, રોજગાર અને નવા ઓર્ડર્સમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. અહેવાલ મુજબ લગભગ ૫૦૦ વિદેશી કંપનીઓએ રશિયામાં કામકાજ અને વેચાણમાં કાપ મૂક્યો છે. રિસર્ચ ગ્રુપ કેપિટલ ઇકોનોમિસ્ટના વિશ્લેષણ અનુસાર રશિયા પાસે એવી ટેકનોલોજી બનાવવાની ક્ષમતા નથી જે તેને બીજા દેશો પાસેથી મળી શકી હોત.
આમ રશિયન અર્થતંત્રમાં ૨૦ ટકાનો ઘટાડો આવી શકે છે. ઊર્જાને તેમજ અન્ય ઉત્પાદનોની નિકાસને હથિયાર બનાવી રશિયા રૂબલને સ્થિર રાખવા મથી રહ્યું છે. સામે પક્ષે અમેરિકા અને મિત્ર રાષ્ટ્ર રશિયન વિકલ્પે જે ઉપયોગમાં આવી શકે તે આઈટમો પોતાના રિઝર્વમાંથી બજારમાં મૂકી મુખ્યત્વે યુરોપના દેશોની મુશ્કેલી હળવી કરવા પ્રયત્નશીલ છે. જોઈએ આગળ શું થાય છે. ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર દલીપસિંહે ભારતમાં આવીને જે તમામ રાજકીય રીત અને વ્યવહારોને કોરાણે મૂકીને સંભળાવી દીધું કે ‘ચીન એલએસીનું ઉલ્લંઘન કરે તો રશિયા બચાવવા નહીં આવે. રશિયા હંમેશા ચીનનું જુનિયર જ રહેશે. ચીન જેટલું ફાયદાની સ્થિતિમાં રહેશે એટલું જ ભારત માટે ખતરનાક સાબિત થશે. અમે ખરેખર ઇચ્છીએ છીએ કે વિશ્વભરની લોકશાહીઓ અને ખાસ કરીને, ક્વાડ એકસાથે આવે અને યુક્રેનના વિકાસ અને તેના ભવિષ્ય વિશેની ચિંતામાં સહયોગ આપે.’ સામાન્ય રીતે આ પ્રકારની મુલાકાતે વિદેશ વિભાગના કોઈ સિનિયર અધિકારી અથવા વિદેશમંત્રી કે નાયબ વિદેશમંત્રી અથવા ક્યારેક વડા પ્રધાન જતા હોય છે. આ કિસ્સામાં દલીપસિંહ કેમ આવ્યા એનું કારણ સમજી લઈએ. દલીપસિંહ આ કિસ્સામાં પ્રેસિડેન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એટલે એમને જે કંઈ કહેવાનું હતું તે જરાય ચીલો ચાતર્યા વગર વોશિંગ્ટને તેમને જે કંઈ કહેવા મોકલ્યા હતા અને જે કંઈ રીતે કહેવા મોકલ્યા હતા તે મુજબ જ કહેવાનું હોય.
આ સંદર્ભમાં અગ્રગણ્ય કોમોડિટી નિષ્ણાત શ્રી બિરેનભાઈ વકીલના કહેવા પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દોઢ મહિનો થઈ ગયો છતાં હજુ બે પક્ષો મચક આપતા નથી. બંને પક્ષે ઘણી મોટી ખુવારી થઇ છે. બીજી બાજુ પશ્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધોનું દબાણ વધારતા જાય છે. આના સંદર્ભે રશિયા લશ્કરી અને વેપારી એમ બંને પક્ષે આક્રમક બન્યું છે. યુરોપના દેશો ૪૦ ટકા ગેસ રશિયા પાસેથી લે છે અને રશિયાની શરત છે કે પેમેન્ટ રૂબલમાં કરવું પડશે. એટલે વિશ્વ બજારમાં રશિયાથી આયાત થતા કોલસો, મેટલ્સ, ખાતર, અનાજ, ઓઇલ અને ગેસના વેપારોમાં રૂબલ આધારિત પેમેન્ટ સિસ્ટમ આવશે જે સમાચારો યુરોપ માટે અણધાર્યા છે. આ પેમેન્ટ માટેની ડિમાન્ડને પગલે રૂબલમાં જોરદાર શોર્ટ રિકવરીંગ આવ્યું છે. પાછલા સવા મહિનામાં રૂબલ ૭૫ થી ૧૫૦ અને ૧૫૦ થી ૧૭૫ થયો છે.
બાઈડેને ક્રુડની તેજી રોકવા સ્ટ્રેટેજીક રિઝર્વમાંથી ૧.૮ કરોડ બેરલ તેલ આવતા છ મહિના સુધી રોજના ૧૦ લાખ બેરલ જેટલું વેચવાનું એલાન કર્યું છે. આ જથ્થો રિઝર્વની ખનિજ તેલની જરૂરિયાતના બે દિવસ જેટલો છે પણ પોલીસી સ્તરે એ બહુ મોટો સંકેત છે. આ બધી કશ્મકશ વચ્ચે પશ્ચિમના દેશો પણ કૂણા પડ્યા છે. યુરોપિયન યુનિયનના દેશો પોતાની જરૂરિયાતના ૪૦ ટકા તેલ અને ૨૫ ટકા ખનિજ તેલ રશિયા પાસેથી ખરીદે છે. જર્મનીના ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝે ગયા સપ્તાહે ચેતવણી ઉચ્ચારી હતી કે રશિયા જો હજુ કડક આર્થિક પ્રતિબંધોનો અમલ કરે તો જર્મની અને સમગ્ર યુરોપ મંદીમાં ધકેલાઇ જશે. ઓસ્ટ્રિયા અને જર્મની જેવા દેશોએ ગેસની અછતનો સામનો કરવાની તૈયારી શરૂ કરી છે. અમેરિકાએ યુરોપને ગેસ સપ્લાય શરૂ કરી દીધો છે જે યુરોપની જરૂરિયાત મુજબ નગણ્ય કહી શકાય.
બ્રસેલ્સની બ્રુગેલ ઇકોનોમિક્સ ઇન્સ્ટિટયૂટ અનુસાર યુરોપ દરરોજ રશિયા પાસેથી ૬૫૦૦ કરોડનું તેલ અને ગેસ ખરીદે છે. રશિયાની ગેસ કંપની ગેઝપ્રોમે એકલા માર્ચમાં ગેસની નિકાસ પેટે ૭૦ હજાર કરોડની કમાણી કરી છે. રશિયન કરન્સી રૂબલ આ રીતે હાલ પૂરતી તો સ્થિર થઈ છે પણ S&Pના ગ્લોબલ સરવે મુજબ રશિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ઉત્પાદન, રોજગાર અને નવા ઓર્ડર્સમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. અહેવાલ મુજબ લગભગ ૫૦૦ વિદેશી કંપનીઓએ રશિયામાં કામકાજ અને વેચાણમાં કાપ મૂક્યો છે. રિસર્ચ ગ્રુપ કેપિટલ ઇકોનોમિસ્ટના વિશ્લેષણ અનુસાર રશિયા પાસે એવી ટેકનોલોજી બનાવવાની ક્ષમતા નથી જે તેને બીજા દેશો પાસેથી મળી શકી હોત.
આમ રશિયન અર્થતંત્રમાં ૨૦ ટકાનો ઘટાડો આવી શકે છે. ઊર્જાને તેમજ અન્ય ઉત્પાદનોની નિકાસને હથિયાર બનાવી રશિયા રૂબલને સ્થિર રાખવા મથી રહ્યું છે. સામે પક્ષે અમેરિકા અને મિત્ર રાષ્ટ્ર રશિયન વિકલ્પે જે ઉપયોગમાં આવી શકે તે આઈટમો પોતાના રિઝર્વમાંથી બજારમાં મૂકી મુખ્યત્વે યુરોપના દેશોની મુશ્કેલી હળવી કરવા પ્રયત્નશીલ છે. જોઈએ આગળ શું થાય છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.