સુરત : વરાછામાં રહેતા અને ફરસાણનો વેપાર (Trader) કરતા વેપારીને હનીટ્રેપમાં (Honey Trap) ફસાવીને રૂા. 10 હજાર પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વતની અને સુરતમાં વરાછા મીનીબજાર પાસે મીરાનગર સોસાયટીમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા વેપારી ભરતભાઇ હપાભાઇ લુખીના મોબાઇલ ઉપર અઠવાડિયા પહેલા પાયલ નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. સામે ભરતભાઇએ યુવતીના મેસેજનો જવાબ આપતા બંને વચ્ચે વાત-ચીત થઇ હતી. અઠવાડિયા બાદ જ પાયલ ડભોલી BRTS પાસે ક્રિષ્ના બેકરીની ઉપર ફ્લેટ નં. 102માં આવી હતી અને ત્યાંથી તેણે ભરતભાઇને ફોન કરીને મળવા માટે બોલાવ્યા હતા. સાથે જ ભરતભાઇને થોડો નાસ્તો લેતા આવજો તેમ પણ કહ્યું હતું. ભરતભાઇ નાસ્તો લઇને ગયા ત્યારે ફ્લેટનો દરવાજો ખોલતા જ સોફા ઉપર પાયલ અને બીજી યુવતી બેઠી હતી.
પાયલે ભરતભાઇને રૂમમાં આવવા કહ્યું હતું પરંતુ ભરતભાઇએ ના પાડતા પાયલે કહ્યું કે, ચાલો કશું જ નહીં થાય. પાયલ અને ભરતભાઇ બંને રૂમમાં ગયા હતા. પાયલ ભરતભાઇની સાથે શારીરિક અડપલા કરતી હતી ત્યાં જ બે યુવકોએ રૂમનો દરવાજો ખોલ્યો હતો. જેમાંથી એકે ભરતભાઇને કહ્યું કે, ‘હું પાયલનો પતિ છું, મને શક હતો જ કે, જ્યારે હું નોકરી કરવા જાય ત્યારે પાયલ આવા ધંધા કરે છે’. થોડીવાર પછી બીજા બે યુવકો આવ્યા હતા અને તેઓએ પાયલનો ભાઇ હોવાનું કહીને ભરતભાઇને માર માર્યો હતો. બળાત્કારનો કેસ નહીં કરવા અને સમાધાન કરવા માટે રૂપિયા માંગ્યા હતા. ભરતભાઇ પાસે 10 હજાર હોવાથી તેને 10 હજાર આપી દીધા હતા. બાદમાં ચારેય યુવકો અને બંને યુવતીઓએ ભરતભાઇની પાસેથી રૂા.50 હજાર માંગ્યા હતા. ભરતભાઇએ તેના મિત્રને બોલાવીને ચારેયને સમજાવ્યા હતા અને થોડા દિવસોમાં રૂપિયા આપી દેશે તેમ કહીને છૂટકારો મેળવ્યો હતો. સાંજે છૂટતાની સાથે જ ભરતભાઇ સીધા જ સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓએ જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલ નામના યુવકોની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બે યુવતી અને ચારેય યુવકો વાત કરતા હતા ત્યારે ભરતભાઇએ તેઓના નામ સાંભળી લીધા
રૂપિયા આપવા માટે ભરતભાઇએ તેના મિત્ર કમલેશ દેવાણીને બોલાવ્યો હતો. કમલેશ અને ભરતભાઇએ ફ્લેટની બહાર નીકળીને સીધા પોલીસ મથકે ગયા હતા. ત્યાં ભરતભાઇએ પોલીસને કહ્યું કે, તેઓએ મને માર માર્યા બાદ વાતો કરતા હતા ત્યારે તેઓ જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલ નામ બોલતા હતા. આ નામના આધારે પોલીસે તમામની સામે ગુનો નોંધ્યો હતો.