માર્ચ-એપ્રિલ મહિનો એટલે શાળાઓમાં પરીક્ષાની સિઝન અને સાથે જ આખા વર્ષ માટે જરૂરી અનાજ, અથાણાં અને મસાલા ભરવાની સાથે જ બટાકાની વેફર અને સાબુદાણાની ચકરી બનાવવાની પણ જાણે મોસમ ખીલી ઉઠી હોય તેમ લાગે. આ દિવસો દરમિયાન જો તમે ગામડામાં ગયા હો તો આજે પણ તમને અનાજ ભરવાથી માંડીને મસાલા અને અથાણાં બનાવવાનું કામ પણ આસપાસની મહિલાઓ સાથે મળીને કરતી જોવા મળશે. ત્યારે હવે શહેરમાં ભાગદોડવાળી લાઈફ સ્ટાઇલને કારણે કેટલાક લોકો આ બધી જ વસ્તુઓ જરૂરિયાત મુજબ બહારથી તૈયાર જ લાવીને સ્ટોર કરે છે અને કેટલાક લોકો જરૂર પડે ત્યારે ખરીદી લેતા હોય છે. જ્યારે આજે પણ કેટલીક મહિલાઓ એવી છે જેઓ ખૂબ જ ચીવટપૂર્વક આ વસ્તુઓ ઘરે જ બનાવીને સ્ટોર કરવાનો આગ્રહ રાખે છે. તો આજે સન્નારીના માધ્યમ થકી આ અંગે કેટલીક મહિલાઓના વિચારો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બહારની વસ્તુથી સંતોષ નથી મળતો : મૃણાલી શાહ
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતાં મૃણાલી શાહ કહે છે કે, માર્ચથી મે મહિનો એટલે આમ તો સખત ગરમી હોય પણ સાથે સાથે આ દરમિયાન જ અમે આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવા માટેના ઘઉં, જુવાર તથા મસાલાઓ પણ ભરી લઈએ છીએ, જેમાં કેટલાક મસાલાઓને તડકામાં ગરમ કરીને ભરવાનો આગ્રહ રાખીએ છીએ જેથી તેમાં ભેજ કે કોઈ જીવાત રહી ગઈ હોય તો નીકળી જાય છે. આ સિવાય મારા પરિવારજનોને ઘરે બનાવેલી બટાકાની ચિપ્સ અને સાબુદાણાની ચકરી વધારે પસંદ હોવાથી અમે પરિવારની મહિલાઓ ભેગી થઈને સાથે જ બનાવીએ છીએ. અમે 2 વર્ષ સુધી બહારનું તૈયાર બનાવેલા વેફર, ચકરી લાવીને ઉપયોગ કરી જોયો પણ તેમાં જીભને સંતોષ મળે એવો ટેસ્ટ નથી મળતો અને જ્યારે આપણે ઘરે જાતે બધુ બનાવતા હોઈએ ત્યારે શુધ્ધતાની પણ ખાતરી હોય છે, આ ઉપરાંત અથાણું તો સૌનું પ્રિય છે એટલે અમે અલગ અલગ પ્રકારના અથાણાં પણ ઘરે જ બનાવીએ છીએ. કારણ કે, આજે ભલે અમે બધા અલગ અલગ રહેતાં હોઈએ પણ આ નિમિત્તે અમે બધા ભેગાં થઈ જઈએ છીએ જેથી કામ પણ થઈ જાય અને એકબીજા સાથે સમય પણ પસાર થઈ જાય.’’
અથાણાં તો આજે પણ વડીલોના હાથે જ બનાવડાવું છું: દિપ્તી પટેલ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતાં ગૃહિણી દિપ્તી પટેલ કહે છે કે, ‘’હવે તો ડિજિટલ જમાનો છે અને તમને જ્યારે જે વસ્તુની જરૂર હોય એ તમે ઘરે બેઠા ગમે ત્યારે મંગાવી શકો છો પણ તેમાં શુધ્ધતાની કોઈ ખાતરી નથી હોતી અને વારંવાર ભાવોમાં વધઘટ થતી રહે છે, એટલું જ નહીં પૂર કે કોઈ ઇમર્જન્સી આવે ત્યારે જો આપણે ઘરમાં અનાજ અને મસાલા સ્ટોર કર્યા હોય તો એ કામ લાગે છે. જેથી અત્યારે જ્યારે અનાજ અને મસાલા ભરવાની સિઝન હોય ત્યારે દર વર્ષે હું જાતે લાવીને તેને સાફ કરીને સ્ટોર કરું છુ. આ સિવાય આખા વર્ષ દરમિયાન આવતાં વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય એ માટે બટાકાની વેફર તથા સાબુદાણાની ચકરી પણ ઘરે જ બનાવું છુ. પણ હા, અથાણાં તો હું મારા પરિવારમાંથી કોઈ વડીલ મહિલા પાસે જ બનાવડાવવાનો આગ્રહ રાખું છુ. કારણ કે, અથાણાં બનાવવામાં જો થોડી પણ કચાસ રહી જાય તો તે બગડી જવાનો ભય રહે છે. અને કહેવાય છે ને કે, જેનું અથાણું બગડયું એનું વર્ષ બગડયું.’’
અથાણાં તો ઘરે જ બનાવવાનું પસંદ છે: હિના પટેલ
શહેરના ઉધના વિસ્તારમાં રહેતાં હિના બહેન પટેલ જોબ કરે છે જેથી તેમને અનાજ, મસાલા કે અથાણાં બારેમાસ ભરવા માટે સમય જ નથી મળતો તેથી તેઓ બહારથી જ બધુ તૈયાર લઈ આવે છે. હિના બહેન કહે છે કે, ‘ પહેલાના સમયમાં સિઝનમાં જ ભરવા લાયક તાજું અનાજ અને મસાલાઓ મળતા જેથી ગૃહિણીઓએ ફરજિયાત તેનો સંગ્રહ કરવો પડતો અને જો ન કર્યો હોય તો તેના ભાવ વધી જતાં કે, ગુણવત્તા બગડી જવાના ચાન્સ પણ રહેતાં, પરંતુ હવે કોલ્ડ સ્ટોરેજોની સંખ્યા વધી છે તેમજ મોલમાં ડિસ્કાઉન્ટ સાથે આ તમામ વસ્તુઓ મળી રહે છે જેથી લોકો સંગ્રહ કરવાનું ટાળી રહ્યા છે. જો કે બહારના અથાણાં અને ઘરના અથાણાંના ટેસ્ટમાં ખાસ્સો ફર્ક હોવાથી હું અથાણાં ઘરે બનાવવાનું પસંદ કરું છુ.’
સમય પણ બચે અને ટેસ્ટ પણ જળવાય: કલ્પના ચૌધરી
શહેરના પિપલોદ વિસ્તારમાં રહેતાં કલ્પનાબહેન ચૌધરી કહે છે કે, મારાં ઘરે બધાને ટેસ્ટી ખાવાની ટેવ છે જેથી ધાણા, જીરું, મરચાં તથા મરી, લવિંગ, તજ વગેરે બધા મસાલા આખા જ લઈ આવું છુ અને જરૂર મુજબ થોડા થોડા બનાવું છુ જેથી ટેસ્ટ જળવાય રહે છે. પણ હું જોબ કરતી હોવાથી મને વધારે સમય નથી મળતો જેથી જ્યારે બારેમાસ ભરવાં માટેના ઘઉં સાફ કરીને અને દિવેલ લગાડીને તૈયાર જ મળતાં થયા છે અને એ પણ ન બગાડવાની શરત સાથે, જેથી થોડાં પૈસા ભલે વધુ જાય પણ હું હવે તૈયાર મળતા ઘઉં લાવીને જ ભરી દઉં છુ જેથી સમયની પણ ખાસ્સી એવી બચત થાય છે. જ્યારે મારા ઘરે કેટલાકને બહાર મળતું મિક્સ અથાણું ભાવે છે તો કેટલાકને ઘરે બનાવેલું જેથી ઘરે બનાવવા ઉપરાંત બહારથી પણ લઈ આવું છુ જેથી દરેકની પસંદ સચવાઈ રહે છે.’
બારેમાસ મળતું હોવાથી સ્ટોર નથી કરતી: પૂજા ગજ્જર
શહેરના જહાંગીરપૂરા વિસ્તારમાં રહેતાં પૂજાબહેન ગજજર જણાવે છે કે, હું મારા હસબંડના બિઝનેસમાં મદદ કરતી હોવાથી મને અનાજ ભરવાનો કે મસાલા બનાવવાનો સમય નથી મળતો. જેથી હું તો બજારમાથી તૈયાર જ લઈ આવું છુ. આમ પણ હવે તો બજારમાં બારેમાસ દરેક વસ્તુઓ મળતી જ રહે છે અને એ પણ એર ટાઈટ હોવાથી તે બગડી જવાનો ભય પણ નથી રહેતો અને વધારે લાવીને ઘરમાં સ્ટોર કરવાના પ્રશ્ન થી પણ છૂટકારો મળે છે. જો કે મસાલા, અથાણાં અને વેફર-ચકરી ઘરે બનાવીએ એમાં ટેસ્ટમાં ફરક તો પડે જ છે પણ મારા ઘરે બધાને બહારનો ટેસ્ટ માફક આવી ગયો હોવાથી હું ઘરે બનાવવાની ઝંઝટમાં નથી પડતી.’
બારેમાસ મળતું હોવાથી દર મહિને લઈ આવું છું: કામિની ફ્રૂટવાળા
શહેરના સોનીફળિયા વિસ્તારમાં રહેતાં હાઉસ વાઈફ કામિનીબહેન ફ્રુટવાલા જણાવે છે કે, ફિક્સ આવકમાં ઘર ચલાવવાનું હોવાથી હું અનાજ અને મસાલા દર મહિને જરૂરિયાત મુજબ બહારથી તૈયાર જ લઈ આવું છુ કારણ કે, આખા વર્ષ માટે બધુ ભરીએ તો એકસાથે મોટી રકમ પણ ખર્ચાઈ જાય, અને હવે જ્યારે શહેરમાં ઘણાં બધા મોલ ખૂલ્યા છે અને એમાં દરેક વસ્તુમાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યારે જે વસ્તુની જેટલી જરૂર હોય એ પ્રમાણે જ લાવું છુ, એકસાથે બધુ લાવીને સાચવવાની માથાકૂટ પણ નહીં અને તમને અલગ અલગ કવોલિટીની વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે મળી રહે છે.’
સમયના અભાવે બહારથી જ તૈયાર વસ્તુ જ લાવીએ છીએ: જસુબહેન પટેલ
શહેરના દેલાડવા ગામમાં રહેતાં જસુબહેન પટેલ જણાવે છે કે, પહેલાના સમયમાં બધી મહિલાઓ ભેગી મળીને આખા વર્ષના અનાજ,મસાલા અને પાપડ-પાપડી જાતે જ બનાવીને ભરતા હતા જ્યારે હવે તો સમયનો અભાવ હોવાથી મોટાભાગની મહિલાઓ બહારથી તૈયાર જ લઈ આવે છે, જેથી અમે પણ કોઈ કડાકૂટમાં ન પડતાં બધુ બહારથી જ લઈ આવીએ છીએ જેથી સમયનો પણ બચાવ થાય છે. જો કે અમે ઘઉં ઘરે જ ભરીને બહાર ઘંટીમાં લોટ કરાવવા માટે આપીએ છીએ પણ શુધ્ધતાની કોઈ ખાતરી નથી હોતી જેથી બાકીની વસ્તુઓ બહારથી જ લઈ આવીએ છીએ પણ અથાણાં અમે ઘરે જ બનાવીએ છીએ જેથી ટેસ્ટ જળવાઈ રહે.
જેમજેમ સમય બદલાતો જાય અને સગવડો વધતી જાય તેમતેમ લોકોની આદતો અને પરંપરા પણ બદલાતાં જાય છે. હાલમાં મોટાભાગના લોકો એવું જ કહેશે કે સમય જ નથી મળતો પણ વાત જ્યારે ખાવાની હોય ત્યારે આજની મોટાભાગની ગૃહિણીઓ કોઈ બાંધછોડ નથી કરતી ત્યારે કેટલીક ગૃહિણીઓ એવી છે જેઓ સમયના અભાવે અને ગમે ત્યારે દરેક વસ્તુઓ મળી રહેતી હોવાથી આખા વર્ષની સંગ્રહખોરી ટાળે છે. તેમ છતાં તેઓ એટલું તો જરૂર માને છે કે, આજે ભલે દરેક વસ્તુઓ ઓનલાઈન મળતી થઈ છે અને સંગ્રહ કરવાની કે બનાવવાની ઝંઝટમાથી મુક્તિ મળે છે પણ તેમાં ટેસ્ટમાં અને ગુણવત્તામાં બાંધછોડ કરવાની તૈયારી રાખવી પડે છે.