Business

પ્રિય સન્નારી

કેમ છો?
કાળ-ઝાળ ગરમીમાં અમે તમારા માટે ઠંડો – ઠંડો – કૂલ – કૂલ સન્નારીનો સમર સ્પેશ્યલ અંક લઇને આવ્યા છીએ. આશા છે કે એ વાંચીને ગરમીથી અકળાયેલા તમારા તન-મનને તાજગીનો સ્પર્શ થશે. કિચનમાં જવા માટે ના પાડતું મન ફ્રીઝ પાસે જઇને કંઇ નવું બનાવવા પ્રેરાશે. સન્નારીઓ, સમર સીઝન એટલે આમ તો વેકેશન અને ધીંગામસ્તી…. પણ સ્ત્રીઓ માટે સમરમાં કામો ઘટતાં નથી વધે છે…. એકઝામનું ટેન્શન માંડ પત્યું હોય ત્યાં ઘઉં – દાળો અને મરીમસાલા ભરવાનાં… અને અથાણાં – છુંદા – મુરબ્બા બનાવવાનાં. જો કે જાતજાતના સોસ અને ડીપ્સની શોખીન નવી પેઢીનો અથાણાંનો મોહ  ઘણે – અંશે ઓછો થયો છે. છતાં થેપલા સાથે એ જરૂર યાદ આવે… બહાર ફરવા જઇએ ત્યારે એકાદ અથાણાં- છુંદાની બોટલ જોઇએ પણ હવે આ બધી માથાઝીંક ઘરે કરવાનું ખાસ કરીને વર્કિંગ વિમેનને ફાવતું નથી તો  જરૂરિયાતોવાળી અનેક બહેનો વાજબી કિંમતે અથાણાં વગેરે બનાવી આપે જ છે. જ્યારે કેટલાંક આજે પણ પોતાના ટેસ્ટ પ્રમાણે જાતે ઘરે જ બનાવવાનું પસંદ કરે છે. 

ઉનાળો ગરમીની સાથે જાતજાતનાં ફળો પણ લઇને આવે છે. કેરી, ટેટી, તરબૂચ – દ્રાક્ષ, સંતરાં અને લીચી… હેલ્ધી, ટેસ્ટી અને ગરમીમાં ખાવાની મજા પણ આવે. આ બધાંનાં જયુસ -શરબત, શોટ્‌સ, સોર્બેટ્‌સ બનાવો અને ગ્લાસ ગટગટાવતાં રહો. કેરીનો રસ ખાઇને બપોરે ઊંઘવાનો આનંદ તો સ્વર્ગના આનંદ જેવો લાગે. ઉનાળાની બપોરે ઊંઘવાનું મળે તો એના જેવું બીજું કોઇ સુખ જ નથી એવો અહેસાસ જન્મે…. હા, કેરીમાં રોટલી વધારે બનાવવી પડે. રસ કાઢવાનો કંટાળો ખરો… વળી, શાક અમુક જ જોઇએ…  કો’કને ફજેતો તો કો’કને કઢી જોઇએ…. જમ્યા પછી કોથમીર – ફુદીનાવાળી છાશ પણ ખરી. પણ આ સીઝનમાં જેટલા નેચરલ ડ્રીંકસ પીવાય એટલું વધારે સારું. એ શરીરને ડીહાઇડ્રેટ થતું અટકાવે છે. જેટલું પ્રવાહી વધારે લેવાય એટલી બીમાર પડવાની શકયતા ઓછી. આ બધાંની સાથે શેરડીના રસને કેમ ભુલાય? હવે બજારમાં અનેક ફલેવર્સનાં ફ્રૂટ ક્રશ અને શરબત મળે છે. નેચરલ જયુસની પણ ભરમાર છે. ચેન્જ માટે કયારેક લેવાય પરંતુ ઘરનાં તાજા ફળોનાં શરબત, રસ – જયુસનાં ગુણ વધુ જ રહેવાના. તમે આ વિવિધ ફળોનાં ડ્રીંકસ ઘરે જાતે બનાવી શકો એ માટે વિવિધ રેસિપી આપી છે.

આશા છે કે તમને ગમશે. હા, આપણા દેશી વરિયાળી, ગુલકંદ, પાન, અને આમપન્ના જેવાં પીણાંઓ રોજ પીવા જોઇએ. સમરમાં ડ્રીંકસ ભલે ગમે તેટલા ગટગટાવીએ પણ બરફગોળા અને આઇસ્ક્રીમ વિના ઉનાળો સાવ ફીકકો લાગે. આ બંનેમાં વેરાઇટી એટલી છે કે રોજ એક – એક વેરાઇટી ટેસ્ટ કરો તો આખો સમર નીકળી જાય. જો કે હવે આ બંને વસ્તુ ઘરે પણ એટલી જ સરસ બનાવી શકાય. બસ, એ માટે થોડું પેશન અને બનાવવાની દાનત જોઇએ. ઘરે બનાવવાથી એમાં બેસ્ટ વસ્તુનો ઉપયોગ થશે, તાજું તાજું ખાવાનું મળે અને કોન્ટીટી પણ વધારે થાય અને બજાર કરતાં ખિસ્સાને સસ્તું પડે. છૂટથી ખાવાનો આનંદ માણી શકાય. અમે આપેલી આઇસ્ક્રીમની રેસિપીને આપ સહુ ટ્રાય કરો અને સમરને વધારે કૂલ બનાવો એવી અમારી અપેક્ષા વધારે તો નથી ને? સમર વેકેશનમાં સૌથી વધુ મજા સ્વીમીંગની આવે… નવી જનરેશનનાં લગભગ બધાંને સ્વીમીંગ આવડે… આપણે ત્યાં કોર્પોરેશનના સ્વીમીંગ પુલ છે જયાં વેકેશનમાં ફી ભરીને જઇ શકાય. એ શકય ન હોય તો એક વાર વોટર પાર્ક જરૂરથી જવું જોઇએ. નાના – બચ્ચાંઓ માટે તો હવા ભરીને બનતાં બાથ ટબ પણ મળે છે. ઘરમાં સ્પેસ હોય તો એ પણ વસાવી શકાય.

છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે સમર કેમ્પ અને આઉટીંગ પર પ્રતિબંધ હતો. આ વર્ષે આ બંને કરાવી શકો. સન્નારીઓ સમરમાં મોર્નિંગ વોક પણ એટલી જ મજા આપે. સાંજે લોંગ ડ્રાઇવ પર જવું, આઇસ્ક્રીમ ખાવું અને ગપ્પાં મારવા, એ બધા સમરના લ્હાવા છે. આજે ય સમર વેકેશનમાં સ્ત્રીઓ પિયર રહેવા જાય છે અને પિયર જવાનું મળે એટલે સ્ત્રીઓને બીજું કંઇ ન જોઇએ. હજુ મોટાભાગના પરિવારમાં આ પ્રથા જળવાયેલી છે અને એને જાળવવાનો પ્રયત્ન થવો જોઇએ કારણ કે આ દિવસોમાં સ્ત્રી હળવી બની એનાં મૂળ સાથે જોડાય છે.સન્નારીઓ, ગરમીમાં કામ કરવું કે બહાર જવું કંટાળાજનક લાગે, અકળામણ થાય, ગુસ્સો આવે એ વાત સાચી પણ એ સિવાય સમર આરામ અને સીઝનનાં શ્રેષ્ઠ ફળોને લઇને આવે છે. ચોમાસાની ગંદકી અને મચ્છર તથા શિયાળાની સુસ્તી કરતાં ઉનાળાની મસ્તી વધારે સારી. તમારો સમર મસ્ત જાય એના ઉપાયો અમે આ અંકમાં આપ્યા છે. આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
–  સંપાદક

Most Popular

To Top