આપણે ત્યાં વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આસો નવરાત્રી દરમિયાન લોકો માતાજીની આરાધના કરવાની સાથે સાથે મન મૂકીને ગરબે ઘુમે છે જ્યારે ચૈત્રી નવરાત્રી એ શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. જેથી આ દિવસો દરમિયાન ભક્તો નવે નવ દિવસ ઉપવાસ તો રાખે જ છે સાથે જ હવે કેટલાંક ભક્તો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરીને બધા ભેગા મળીને આરતી અને અનુસ્ઠાન કરીને માતાજીની આરાધના પણ કરતા થયા છે ત્યારે કહી શકાય કે કોરોના બાદ સુરતીઓ અન્ય તહેવારોની સાથે સાથે ભક્તિ કરવામાં પણ પાછળ નથી.
માતાજી ઘરમાં હોવાની અનુભૂતિ થાય છે – હિતાંશી રામનાલી
છેલ્લાં 16 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં ઘરમાં માતાજીની સ્થાપના કરનાર હિતાંશી રામનાલી જણાવે છે કે, માતાજીની અલગ અલગ રીતે સ્થાપના કરવામાં આવે છે, ઘણા લોકો જવારા રૂપે, કળશ રૂપે, માતાજીનો ફોટો મૂકીને કે મુર્તિ સ્વરૂપે પણ માતાજીની પુજા કરે છે. મે માતાજીના શણગાર રૂપની સ્થાપના કરી છે જેમાં હું સવાર-સાંજ માતાજીને અલગ અલગ શણગાર કરું છું અને બે ટાઈમ ભોગ પણ ધરાવું છુ, જેના કારણે એવું લાગે છે કે માતાજી ઘરમાં જ હાજર છે જેથી બહાર બીજે ક્યાંય જવાની જરૂર જ નથી.આસો નવરાત્રીમાં તો લોકો ગરબા રમીને ઉજવણી કરે જ છે પણ અમે ચૈત્રી નોરતામાં પણ માતાજીનાં ભજન અને આરતી કરીને એટલા જ ઉત્સાહથી આ ઉજવણી કરીએ છીએ. જો કે કોરોના દરમિયાન આટલી ધામધુમથી ઉજવણી શક્ય ન હતી જેથી આ વર્ષે અમે એ બધી કસર પણ પૂરી કરીશું.’
23 વર્ષમાં 2 વર્ષ એકલા ઘરે પુજા કરી : મમતા ગોયલ
શહેરના સિટી લાઇટ વિસ્તારમાં રહેતાં મમતા ગોયલના ઘરે છેલ્લા 23 વર્ષથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવે નવ દિવસ આરતી, ભજન, કન્યા પૂજન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ત્યારે મમતા ગોયલ જણાવે છે કે, “મને પહેલાથી માતાજીમાં શ્રધ્ધા છે અને એ અમારા કુળદેવી પણ હોવાથી હું મારા ઘરે છેલ્લા 23 વર્ષથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીની આરાધના કરું છુ અને આ નવ દિવસો દરમિયાન મારાં ફેમિલી મેમ્બર તથા પાડોશીઓ અને મિત્રો ભેગા મળીને માતાજીની સવાર સાંજ આરતી કરીએ છીએ તેમજ કન્યા પૂજનનો કાર્યક્રમ પણ કરીએ છીએ. જો કે, કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમે પરિવારના સભ્યોએ મળીને પુજા તો કરી હતી પણ અન્ય કોઈને આમંત્રણ આપી શકયા ન હતા જેથી આ વર્ષે અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ અને માતાજી તમામને કોરોના જેવી મહામારીથી બચાવે એવી પ્રાર્થના પણ કરી રહ્યા છીએ. “
વધુને વધુ સમય જાપ કરવામાં વિતાવીએ છીએ : ભારતીબેન વશી
સણીયા હેમાદ વિસ્તારમાં રહેતા ભારતી બેન જણાવે છે કે, ‘મારા ઘરે છેલ્લા 33 વર્ષથી માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને એ સમયે અમે બધા ભેગા મળીને અનુસ્ઠાન કરીએ છીએ તેમજ બાળકો સિવાય તમામ ફેમિલી મેમ્બર નવે નવ દિવસ ઉપવાસ રાખે છે કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ આ નોરતાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને કોરોના મહામારી બાદ આપણે કેટલાંક સ્વજનોને પણ ગુમાવ્યા છે તો અમે નોરતા દરમિયાન બહાર જવાનું ટાળીને વધુમાં વધુ સમય જાપ કરવામાં વિતાવીએ છીએ. જો કે આ દરમિયાન અમારે ત્યાં પાડોશીઓ અને અન્ય પરિવારજનો ભેગા મળીએ છીએ અને 11 કુંવારીકાઓની પુજા કરીને યથાશક્તિ ભેટ પણ આપીએ છીએ. જેથી આ નવ દિવસ અમારા ઘરે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે.’