હાલમાં શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોટાભાગના લોકો ભરબપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે પણ તેમ છતાં આજની નારી જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે સિઝનને અનુરૂપ ફેશનેબલ કપડાં પહેરવાનું તો નથી જ ચૂક્તી. ત્યારે હાલમાં ઉનાળાને અનુરૂપ અવનવા ટ્યુનિકસની ફેશન ઇન ડિમાન્ડ છે. આજકાલ તો સિમ્પલ કોટન મટિરિયલથી માંડીને વર્કવાળા ટ્યુનિક્સ પણ ટ્રેન્ડમાં છે જેથી રૂટિન સિવાય કોઈ ખાસ પ્રસંગે પણ તેને પહેરવાથી હેવી કપડાં પહેરવાથી મુક્તિ મળે છે તેમજ તેની ડિઝાઇન કેડિયાની જેમ નીચેથી ખૂલતી હોવાથી ગરમીમાં એ આરામદાયક ફિલ કરાવે છે જેથી આજકાલ દરેક યુવતીના વોર્ડરોબમાં સમર સીઝનમાં ટ્યુનિક્સ તો જોવા મળે જ છે.
દરેક ઉંમરની મહિલા માટે કમ્ફર્ટેબલ
ટ્યુનિકસ કોઈપણ ઉંમરની મહિલાથી માંડીને ટીનેજર પણ પહેરી શકે છે, એટલું જ નહીં તેને જીન્સ કે લેગીંગ ઉપરાંત પ્લાઝો અને પેન્ટ સાથે પહેરવાથી તેની શોભા ખાસ દીપી ઊઠે છે. આમ તો ટ્યુનિક્સ દરેક પ્રકારના મટીરિયલ અને અવનવી ડિઝાઇન તથા કલરમાં મળી રહે છે પણ ઉનાળાની સિઝનમાં કોટનના ટ્યુનિક્સની ખાસ ડિમાન્ડ રહે છે. ટ્યુનિક્સ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વેરની વચ્ચેની ડિઝાઈન છે. જે ડ્રેસમાં પણ કહી શકાય અને વેસ્ટર્નમાં પણ કહી શકાય. તેથી તેના પર કોઇપણ પ્રકારની જ્વેલરી જેમ કે સેમિ ટ્રેડિશનલ કે થોડી વેસ્ટર્ન પ્રકારની પણ જ્વેલરી હોય તો તે સારી લાગે છે. આ ટ્યુનિક્સ કોટન મટીરિયલ્સના હોવાથી એ સસ્તા ભાવે પણ મળી જાય છે.