Madhya Gujarat

આણંદની નહેરમાંથી ફક્ત પીવા પાણી મળશે, સિંચાઇ પર પ્રતિબંધ

આણંદ : આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહી કેનાલમાં આ વરસે ઉનાળાના પ્રારંભે જ સિંચાઇના પાણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  મહી કેનાલ આધારિત કેનાવલ, પરિએજ અને રાસ તળાવમાંથી ખેડૂતો સિંચાઇના હેતુસર પોતાના મશીન મુકીને પાણી ખેંચી શકશે નહીં, તે અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ-62 ગામોને પીવાના પાણી માટે મહીકેનાલ આધારિત કનેવાલ, પરીએજ અને રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ તદ્અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા મહી સિંચાઇ વિભાગના સંકલનમાં રહી આ જૂથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણીના હેતુ માટે જરૂરિયાત પુરતું પાણી વહેવડાવવાની કામગીરી હાથ ધરવાની રહે છે.

આમ મહી કેનાલમાં પુરતું પાણી ન હોવાથી જો ખેડૂતો દ્વારા હયાત પાણીના જથ્થાને તથા પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થવાની શકયતા રહેલી છે. આથી, આણંદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મનોજ દક્ષિણીએ મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાંથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાંથી તેમજ કનેવાલ તળાવ તથા રાસ તળાવમાંથી ખેડૂતો દ્વારા પોતાના મશીન મૂકીને ખેતરોમાં સિંચાઇના હેતુ માટે પાણી નહીં ઉપાડવા એક જાહેરનામું બહાર પાડીને ફરમાવ્યું છે. આ તળાવોમાંથી પાણી નહીં ઉપાડવા અંગેનો પ્રતિબંધ 31મી જુલાઇ,22 સુધી લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સજાને પાત્ર થશે. તેમ આણંદના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું છે.

Most Popular

To Top