હાલ લોકોમાં IPLનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે તેની એક જાહેરાતને લઈ ચર્ચા જાગી છે. આઈપીએલના ચાહકો મેચ જોવા માટે કોઈ પણ હદ વટાવી જઈ શકે છે એવી એમએસ ઘોનીની જાહેરાતને પાછી ખેંચી લેવા માટે રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશને માંગણી કરી છે. મળતી માહિતી મુજબ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ IPLના એક પ્રોમો વીડિયોને પાછો લઈ લેવા માટે અપીલ કરી છે. ધોનીએ જે જાહેરાતમાં રજનીકાંતના થાલાનું કેરેકટર નિભાવ્યું હતું તે જાહેરાત ઉપર રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશને ફરિયાદ નોંઘાવી છે તેમજ આ ફરિયાદને ASCI દ્વારા ધ્યાનમાં લેવાઈ છે. આ પ્રમોશનલ જાહેરાતમાં એમએસ ધોની બસના ડ્રાઈવર તરીકેની ભૂમિકા ભજવતા જોવા મળે છે. રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા આ જાહેરાત 20 એપ્રિલ સુઘી હટાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ફરિયાદને જાહેરાત બનાવતી કંપનીએ ગંભીરપણે લીઘી છે તેમજ કંપનીએ લેખિતમાં સ્વીકાર્યું છે કે તે આ જાહેરાત જલ્દી જ પરત લઈ લેશે.
આ વીડિયોમાં એમએસ ધોની બસના ડ્રાઈવરની ભૂમિકા ભજવતાં જોવા મળે છે. તેઓ રસ્તામાંથી પસાર થાય છે તે સમયે અચાનક બસ રોકી દે છે તેમજ બસને રિવર્સમાં લે છે. જેના કારણે રોડ પરના બધાજ વાહનોને પાછળ ખસવું પડે છે. દરમ્યાન ટ્રાફિક જામ થઈ જાય છે. આ પછી ધોની બસમાં બેસેલા તમામ પેસેન્જરને તે કહે છે કે હવે જે થશે તેની આપણે સૌ મોજ માણીશું. તેઓ રસ્તામાં ટ્રફિક જામ કરી બસમાં બેસેલા પેસેન્જરોને રસ્તામાં આવેલ એક ઈલેકટ્રોનિક શો-રૂમમાં લાગેલ ટીવીમાં આવતી મેચ નિહાળવા કહે છે. જયારે ટ્રાફિકને દૂર કરવા માટે એક પોલીસ હવાલદાર આવી પૂછે છે કે આ શું થઈ રહ્યું છે? ત્યારે તેઓ કહે છે કે અત્યારે તે IPLની સુપર ઓવર ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ આ બાબતને સરળતાથી લઈ ત્યાંથી નીકળી જાય છે. આરોપ છે કે આ જાહેરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેના કારણે આ એડ પાછી ખેંચી લેવા માટે રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશને ફરિયાદ કરી છે. IPLની શરૂઆત પહેલાથી જ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો માટે ASCIને અગાઉ પણ ફરિયાદો મળી છે.