આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતાં પેટલાદ તાલુકામાં આવેલા બોરીયા ગામે મંગળવારની મોડી રાત્રે માતાજીના રથ પર પથ્થરમારો કરતાં તંગદીલી વ્યાપી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લામાંથી પણ એસઓજી, એલસીબી સહિતની ટીમ બોરિયા ગામે પહોંચી હતી અને મામલો વકરે તે પહેલા થાળે પાડ્યો હતો. જોકે, આ મામલાને ગંભીરતાના પગલે પોલીસે કુલ સો જેટલી અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તેની ઓળખ સહિત અટક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પેટલાદ તાલુકાના બોરિયા ગામે મંગળવારની મોડી રાત્રે પથ્થરમારાની ઘટનાથી તંગદીલી વ્યાપી હતી. બોરિયા ગામે મસ્જીદ પાસેથી પસાર થતા માતાજીના રથ સાથે ડીજેના તાલે ચાલતી ભજન ધૂનને લક્ષ્ય બનાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોરીયા ગામે મંગળવાર રાત્રે માતાજીનો રથ મસ્જીદ પાસેથી પસાર થઇ રહ્ય હતો. તે સમયે ડીજે સાથે ભક્તિમય ગીતોની ધૂન સાથે ભક્તો પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન કેટલાક શખસોએ ડીજે નહીં વગાડવાનું જણાવી બોલાચાલી કરી હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોત જોતામાં બંને કોમના ટોળા સામસામે આવી ગયાં હતાં અને વાત પથ્થરમારા સુધી પહોંચી જતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, મામલો વધુ ગંભીર જણાતા તાત્કાલિક જિલ્લામથકે જાણ કરી હતી. જેના પગલે એલસીબી, એસઓજીની ટીમ પણ બોરિયા પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર, બોરીયા ગામે મંગળવાર રાતના માતાજીનો રથ લઇને ડીજે સાથે સોથી દોઢ સો લોકો પસાર થઇ રહ્યા હતા. આ રથ ગામની મસ્જીદ પાસેથી પસાર થતો હતો, તે સમયે કેટલાક લોકોએ રથ અટકાવ્યો હતો અને મસ્જીદ પાસે ડીજે નહીં વગાડવા ધમકાવ્યાં હતાં. બાદમાં ડીજેના વાહનની ચાવી કાઢી લેતા ટોળેટોળા સામસામે આવી ગયાં હતાં. બાદમાં વાત પથ્થરમારો સુધી પહોંચી ગઈ હતી. આ પથ્થરમારો 15થી 20 મીનીટ સુધી ચાલ્યો હતો. જેના પગલે ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટના અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ ઘનશ્યામસિંહની ફરિયાદ આધારે નહીં ઓળખાયેલા સો જેટલા માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ બુધવારના રોજ વ્હેલી સવારથી પોલીસે તોફાની તત્વોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં નમતી બપોર સુધીમાં 5 જેટલાની ઓળખ થતાં તેમને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી.