ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને શાળામાં ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવશે એના સંદર્ભમાં વિચારણીય બાબત અહીં એ છે કે જ્યારે ગીતાના સિધ્ધાંતોના જ શિક્ષણની વાત છે ત્યારે એ ગીતાનો સૌથી મુખ્ય સિધ્ધાંત તો ‘ચતુર્વર્ણવ્યવસ્થા’ જ છે. જેને ટૂંકમાં વર્ણવ્યવસ્થા અથવા વર્ણાશ્રમ પણ કહેવામાં આવે છે. એ વર્ણવ્યવસ્થા વિષે અહીં કહેવાનું એ છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિજીએ જેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજયા છે એ દંતાલી-પેટલાદ (ગુજરાત)ના ભકિતનિકેતન આશ્રમના સર્વેસર્વા સ્વામી સચ્ચિદાનંદજીએ 1988 માં ‘અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા’ ગ્રંથ લખી વર્ણવ્યવસ્થામાં કોઇ પણ કલ્યાણકારી, શુભ અને સમાજહિતકારી મૂલ્ય હોવાની વાતનો સદંતર છેદ ઉડાડી દીધો છે, એ સંજોગોમાં ગીતાના શિક્ષણ દ્વારા દેશનાં કુમળાં અને નિર્દોષ બાળકોને વર્ણવ્યવસ્થાનું શિક્ષણ આપી તેમને અમાનવીય અને વિનાશકારી માનસિકતામાં ધકેલવા શા માટે?
વળી આપણા દેશનો ઇતિહાસ કહે છે કે આપણા દેશની સૌથી પ્રાચીન મોહનજોદડો અને હડપ્પાની 5000 વર્ષ પુરાણી આધુનિક વૈજ્ઞાનિક ઢબે વિકસેલી સુસભ્ય સંસ્કૃતિ અને સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં વૈદિક વર્ણવ્યવસ્થાવાદી યજ્ઞ સંસ્કૃતિનું નામનિશાન પણ જોવા મળતું નથી. માત્ર વિદેશી આર્યો કે જેઓ માત્ર 3500 વર્ષ પહેલાં ભારતમાં આવ્યાં હતાં, તેમના લખેલાં વેદ, પુરાણો, સ્મૃતિઓ, રામાયણ, મહાભારત અને ગીતામાં જ વર્ણવ્યવસ્થાનું વર્ણન જોવા મળે છે. તેથી સિધ્ધ થાય છે કે વર્ણવ્યવસ્થા એ વિદેશી આર્યોની સમાજ વ્યવસ્થા છે. આપણા ભારતીય બંધારણના મહાન રચયિતાઓ કે જેમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ જી, સરદાર પટેલ, ડો. આંબેડકર, કનૈયાલાલ મુન્શી જેવા પ્રખર વિદ્ધાનો ઉપરાંત 15 જેટલી આપણી વિદુષી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમણે અનેક દબાણો, અવરોધો અને વિરોધો વચ્ચે પણ ભારતીય બંધારણમાં વર્ણવ્યવસ્થાને સ્થાન આપ્યું જ નથી, તો આજે ગીતા દ્વારા એ વર્ણવ્યવસ્થાના વ્યર્થ અને હાનિકરક શિક્ષણની શી આવશ્યકતા છે!
કડોદ -એન.વી.ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.