મુઝે દર્દે-દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે
મેં અકેલે યૂં ભી મઝેમેં થા, મુઝે આપ કિસલિયે મિલ ગયે
યૂં હી અપને-અપને સફર મેં ગુમ, કહીં દૂર મેં કહીં દૂર તુમ
ચલે જા રહે થે જુદા-જુદા, મુઝે આપ કિસલિયે મિલ ગયે
મેં ગરીબ હાથ બઢા તો દૂં, તુમ્હેં પા સકું કિ ના પા સકું
મેરી જાં બહુત હૈ યે ફાસલા, મુઝે આપ કિસલિયે મિલ ગયે
ન મેં ચાંદ હૂં કિસી શામકા, ન ચિરાગ હૂં કિસી બામ કા
મેં તો રાસ્તે કા હૂં એક દીયા, મુઝે આપ કિસલિયે મિલ ગયે
ગીતકાર: મજરુહ સુલતાનપુરી સ્વર: મોહમ્મદ રફી સંગીત: ચિત્રગુપ્ત ફિલ્મ: આકાશદીપ દિગ્દર્શન: ફણી મઝુમદાર વર્ષ: 1965 કલાકારો: ધર્મેન્દ્ર, નંદા, નીમ્મી, અશોકકુમાર, મહેમૂદ, શુભા ખોટે, તરુણ બોઝ, અચલા સચદેવ, કેશ્ટો મુખરજી
મજરુહ સુલતાનપુરીનું આ ગીત વિલક્ષણ ભાવમાં બંધાયેલું છે. પ્રેમ થવો, કોઇ ગમી જવું, હંમેશ સુખદ જ હોય એવું નથી. તમે સામી વ્યકિતની તરફ હાથ લંબાવો અને ખ્યાલ આવે કે તે તો જૂઠો પડી ગયો છે. જે પ્રેમ સુખનું કારણ બનવો જોઇએ એ જ દુ:ખનું કારણ બને ત્યારે મન ગાઇ ઉઠે, ‘મુઝે દર્દે દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે/ મેં અકેલે યું ભી મજે મે થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે…’ આમાં ફરિયાદ છે તો તેને છે જેને ચાહે છે ને જેને ચાહે છે તેને કહે છે કે તુન શું કામ મને મળી? તું મળી અને મને હૃદયના દુ:ખની ખબર પડી, બાકી તે પહેલાં મને એવા દુ:ખની ખબર જ ન હતી. હું એકલો આમ જ મઝામાં હતો, તમે મને શું કામ મળ્યા? કોઇને આપણે કેટલું ચાહીએ છીએ તે કેવાની આ પણ એક રીત છે. આવા પ્રકારની ફરિયાદનો પેલી પ્રિયતમા શું જવાબ આપે? તેને જે ચાહી રહ્યો છે તેની પીડાનું કારણ તે છે પણ તે આ સંજોગોમાં કરે શું?
છે તો આ ગઝલ ને તેના દરેક શેર પેલા પ્રેમીની મન:સ્થિતિને જૂદી જૂદી રીતે વ્યકત કરે છે. ‘યું હી અપને-અપને સફર મેં ગુમ, કહીં દૂર મેં કહીં દૂર તુમ/ ચલે જા રહે થે જૂદા-જૂદા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે.’ બન્નેની સફર તો અલગ અલગ, પોતાનામાં ખોવાયેલી હતી. એકબીજાને એકબીજાની જાણ પણ નહોતી. હું દૂર હતો કયાંક ને કયાંક તું હતી. આપણે બન્ને અલગ અલગ જઇ રહ્યા હતા. તો શું કામ તમે મને મળી ગયા? આ વેદના શારી નાંખે તેવી છે. આવો પ્રેમ દુ:ખી તો કરે જ. એ દુ:ખનું રૂપ કેવું છે તે બીજા અંતરામાં છે. ‘મેં ગરીબ હાથ બઢા તો દૂં, તુમ્હેં પા સકું કિ ના પા સકું?/ મેરી જાં બહૂત હે યે ફાસલા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે…’ અહીં એક જૂદી મનોવસ્થા છે. પ્રેમીને ખબર નથી કે હાથ લંબાવશે તો સામે જેને પ્રિયતમા માને છે તે એ હાથમાં હાથ મુકશે કે નહીં? મળશે કે નહીં મળશે તે ખબર જ નથી. અને આ જ ખરી દૂરતા છે. નિશ્ચિતતા જ ન હોય તો લંબાવેલો હાથ ઠાલો પાછી વળી શકે છે. તે તેને ‘મેરી જાન’ તો કહી દે છે પણ તે તો એણે કહ્યું છે, સામેથી સ્વીકૃતિ વિના કહ્યું છે એટલે જ કહે છે કે આ બહુ મોટી દૂરતા છે… તેને ફરી ફરી પ્રશ્ન થાય છે ને હકીકતે તે સામે પૂછાયો નથી, બલ્કે પોતાનામાં જ સ્વીકારેલી પ્રિયતમાની હયાતીને પૂછે છે કે ‘મુઝે આપ કિસ લિયે મિલ ગયે.’
હવે છેલ્લે ‘ન મેં ચાંદ હું કિસી શામ કા, ન ચિરાગ હૂં કિસી બામ કા/ મેં તો રાસ્તે કા હું એક દિયા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે?’ સાંજનો ચન્દ્ર જરા જૂદો હોય છે. એ કોઇને તરત દેખાય નહીં ને તેના સ્વયંના અજવાળા હજુ પથરાયા ન હોય. રાતનો ચન્દ્ર જૂદો પણ આ તો સાંજનો છે. એટલે કે હું એવો ય નથી કે હાજરી વિના ય હાજર રહી શકું. હું કોઇ છત, કોઇ અટારીનો દીવો ય નથી કે જેને કોઇએ પેટાવ્યો હોય ને જે સળગતો રહે તેની કાળજી લેવાતી હોય. હું તો રસ્તાનો એક દીવો છું જે ગમે ત્યારે હવા આવવાથી બુઝાય પણ શકે. ને એટલે જ પૂછું છું કે શું કામ તમે મળ્યા? આ છેલ્લા શેરમાં તેની એકલતા એકદમ દઝાડી નાંખે તેવી છે. તેની નિરાધારતા આપણા હૃદયમાં ય પણ ઝીણા કાંટા સમી ભોંકાય છે. આ અવસ્થા આમ તો આ પ્રેમ જે પ્રકારનો છે તેમાંથી જ ઊભી થયેલી છે. જેને ચાહે છે તેને ચાહવું છે પણ આ ચાહવું બન્નેનું બને એવું નથી એટલે તે વારંવાર પૂછે છે. ‘મુઝે આપ કિસ લિયે મિલ ગયે.’ રફીસાહેબે આ ગીત એવી રીતે ગાયું છે કે છાતી ચીરીને સાંભળનારામાં ઊતરી જાય છે. ગીતના દરેક શબ્દમાં તેમનો ભાવાત્મક પ્રવેશ છે એટલે ગીતની વેદના વાગે છે. આમાં કમાલ સંગીતકાર ચિત્રગુપ્તનો છે જેમણે એવી ધૂન બનાવી છે કે ગીતની વેદના આપણામાં પડઘાતી રહે.