એક્ટર્સ માટે હવે એટલું તો નક્કી છે કે જો તેમણે ટકી જવું હોય તો ટકવા માટે ઘણા વિકલ્પો છે. ના, ના, ના… રાજ કુન્દ્રા જેવા પોર્નોગ્રાફીમાં કામ આપે એની વાત નથી. સારા પ્રોફેશનલ દિમાગ હોય તો તેને કામ મળશે એની વાત છે. જેમ કે બિહારની નેહાશર્મા 2007થી ફિલ્મોમાં છે. પહેલી જ ફિલ્મમાં તે મુખ્ય હીરોઇન હતી પણ તે તેલુગુ ફિલ્મ હતી. પૂરી જગન્નાથ દિગ્દર્શીત એ ફિલ્મ તે વખતે કમાણીમાં સૌથી સફળ રહ્યાનો રેકોર્ડ કરી શકેલી. તે તમિલ, મલયાલમમાં ડબ થયેથી અને બંગાળમાં ‘રંગબાઝ’ નામે બનાવાયેલી પહેલી જ ફિલ્મ મોટી સફળ જાય તો આપોઆપ બીજી ફિલ્મો મળવા માંડે પણ તે મોહિત સૂરી દિગ્દર્શીત ‘ક્રુક’માં ઇમરાન હાશ્મી સાથે આવી. પછી ‘તેરી મેરી કહાની’માં નાની ભૂમિકા કરી પણ ‘ક્યા સુપર કુલ હે હમ’માં તેણે રિતેશ દેશમુખ, તુષાર કપૂર સાથે કોમેડીમાં ધમાલ મચાવી. વળી તેની એક રોમેન્ટિક ફિલ્મ ‘જયંતભાઇ કી લવસ્ટોરી’ આવી જેમાં તેનો હીરો વિવેક ઓબેરોય હતો.
એ સમયે વિવેકની હીરો તરીકેની સાખ ઓછી થઇ ગયેલી એટલે ફિલ્મ માર ખાઇ ગઇ. નેહા તો પણ તેલુગુ તરફ ન વળી અને ‘યમલા પગલા દીવાના-2’માં આવી. ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, જેવા સ્ટાર્સ અને સંગીત શિવન દિગ્દર્શક એ ફિલ્મ તેના માટે ફાયદાકારક પૂરવાર થઇ. નેહાનો પ્રોબ્લેમ એ છે કે તે નાની ભૂમિકા પણ લઇ લે છે. ‘મુબારકા’માં અર્જુન કપૂર, અનિલ કપૂર સાથે ઇલિયાના ડિક્રુઝ, અથિયા શેટ્ટી હતા તો નેહાની ભૂમિકા નાની થવાની જ હતી. પ્રચારમાં પણ તેનું નામ પાંચમા ક્રમે લેવામાં આવે. પરંતુ તે મલ્ટીસ્ટારર ફિલ્મોનો હિસ્સો બનાવી માંડી એટલે જ ‘તાન્હાજી’માં આવી ત્યારેય તે ન જણાય. ગયા વર્ષે તો તે ‘ઇલિગલ’ નામના વેબસિરીઝમાં આવેલી હવે તે ‘જોગીરા સર ર… ર…’માં નવાઝુદ્દીન સાથે આવશે. મિથુન ચક્રવતીનો દિકરો મહાક્ષય ચક્રવતી પણ તેમાં પાછો વળી રહ્યો છે. તેની પાસે અમિત સિઆલ સાથેની ‘આફત-એ-ઇશ્ક’ પણ છે. તમે કહી શકો કે તે હળવી કોમેડી ફિલ્મોના ગોઠવાઇ ગઇ છે. જો આમ જ ચાલશે તો તે ખાસ બન્યા વિના ચાલ્યા કરશે. વચ્ચે વચ્ચે તે મ્યુઝિક વિડીયોમાં પણ આવી જાય છે. કામ તો કરવાનું છે.