Business

અભિષેક ‘દસવીં’ પાસ થઇ જશે?

અભિષેક બચ્ચનને પોતાના કામ વિશે બોલ બોલ કરવાની ટેવ નથી. તે એવું સમજે છે કે જો પ્રેક્ષકને સ્ટારમાં રસ હશે તો જાતે જ ફિલ્મ શોધી લેશે અને ફિલ્મ સારી હશે તો તે પ્રેક્ષકને શોધી લેશે. પ્રચંડ માર્કેટિંગના જમાનામાં આવી માન્યતા નુકશાન કરે પણ તેની કોઇ ફિલ્મને ગ્રાન્ડ પ્રમોશનની જરૂર નથી પડી. તે ઋતિક, રણવીર, અક્ષયકુમાર, સલમાન, શાહરૂખના લેવલ પર કામ નથી કરતો. તેની ફિલ્મ સામાન્યપણે તો ઓછા રોકાણથી બને. ફિલ્મનાં કેટલાં શેડયુલ પૂરા થયા, સેટ પર કશુંક ઉત્તેજક બન્યું?- જેવી સામગ્રી પણ મિડીયાને પહોંચાડતો નથી. અભિષેકને લેનારા નિર્માતા- દિગ્દર્શક વધારે ટેન્શન લીધા વિના ફિલ્મ પૂરી કરી શકે છે.

તે અને તેના માતા જયા બચ્ચને ‘દસવી’ના ખાસ શોના આયોજન કર્યા. અભિષેકે તો આગ્રા સેન્ટ્રલ જેલમાં આ ફિલ્મ બતાવી કારણકે ગયા વર્ષે આ જેલમાં જ શૂટિંગ થયેલું ને ત્યારે અભિષેકે કહેલું કે હું તમને મારી ફિલ્મ બતાવવા આવીશે. આ ફિલ્મનું શીર્ષક થોડો ભ્રમ ઊભો કરી શકે છે. સ્વજનના મૃત્યુ પછી ધાર્મિક – સામાજીક રિવાજ પ્રમાણે દશમીની વિધી થાય તેની અહીં વાત નથી. અભણ, ભ્રષ્ટ અને દિલથી સાવ દેશી રાજનેતા ગંગારામ ચૌધરીની આ વાર્તા છે જેણે જેલમાં રહી દસમીની પરીક્ષા પાસ કરવાની છે. જેલમાં તેનો મુકાબલો રફ એન્ડ ટફ જેલર યામી ગૌતમ સાથે થાય છે. તો બીજી તરફ તેની પત્ની મુખ્યમંત્રીની ખુરશી મેળવવાની લાલસા ધરાવે છે. આખી ફિલ્મ સામાજીક – રાજકીય કોમેડી છે. અભિષેક આવી ભૂમિકાઓ અગાઉ નથી કરી. ‘ધૂમ’માં તેની ભૂમિકામાં થોડી કોમેડી હતી પણ રાજકીય વ્યંગ પહેલીવાર કરશે. આ ફિલ્મ જોઇ અમિતાભ બચ્ચને પહેલીવાર દિકરા અભિષેકની સીધી પ્રશંસા કરી છે. હરિવંશ રાય બચ્ચન કહેતા કે, ‘મેરે બેટે, બેટે હોનેેસે તુમ મેરે ઉત્તરાધિકારી નહીં હોગે.

જો મેરે ઉત્તરાધિકારી નહીં હોગે, વો મેરે બેટે હોગે.’ અમિતાભે એ યાદ કરી અભિષેક વિશે કહ્યું કે, ‘તુમ મેરે ઉત્તરાધિકારી હો. બસે કહ દિયા તો કહ દિયા.’ અભિષેક માટે આ પ્રસંશા ઘણી મોટી કહેવાય. લાંબી કારકિર્દી પછી તે પિતાની આવી પ્રશંસા પામી શકયો છે. ‘દસવી’ ફિલ્મ જો સફળ જશે તો તેમાં અભિષેકના અભિનય ઉપરાંત અમિતાભની પ્રશંસાત્મક ટિપ્પણીનું ય મહત્ત્વ જોવું પડશે.  અભિષેકને તમે એ માટે પણ બિરદાવી શકો કે તેના ઐશ્ચર્યા સાથેના લગ્નને પંદર વર્ષ થવા છતાં કોઇ જાહેર વિવાદ નથી થયો. ઐશ્ચર્યાને બચ્ચન કુટુંબે વહુ તરીકે મેચ્યોર બનાવી દીધી છે. એક સમયે ઐશ્ચર્યાનું સ્ટારડમ અભિષેકથી મોટું જણાતું હતું હવે ઐશ્ચર્યા ફિલ્મોમાં સાવ કામ જ ઓછું કરે છે એટલે એવી તુલનાથી પણ અભિષેક બચે છે.

Most Popular

To Top