Business

પુતિનનું જટિલ માનસ: યુક્રેનીઅનોની મુક્તિની ઝંખના માત્ર એકલા પુતિનની ઝંખના છે

આજકાલમાં યુક્રેન- રશિયા યુદ્ધને સવા મહીનો થઈ જશે. માત્ર રશિયાનો વિસ્તાર વધારવાનો દિમાગી પુલાવ પકાવવા માટે બાળકો સહિત હજારો લોકોને વ્લાદીમીર પુતિને  યુદ્ધની આગમાં હોમી દીધાં છે. જે બાળકો બચી ગયાં છે તેઓ થર થર કાંપી રહ્યાં છે. તેઓના મોં સુજીને લાલ થઈ ગયાં છે. બોલતાં બોલતાં રડી પડે છે. માત્ર એક માણસની  દિમાગી વિકૃતિએ યુક્રેન અને દુનિયાને આ દર્દો આપ્યાં છે અને હજી આ હારી રહેલો જુગારી બમણું રમશે. આખા જગતનાં અર્થતંત્રને પાટા પરથી ઊથલાવી દીધું છે ત્યારે  કેજરીવાલની માફક અટ્ટાહાસ્ય કરતા આવા પિશાચીઓનાં દિમાગમાં શું હોય છે? શા માટે તેઓને કોઈના મરણની આસપાસની વેદનાઓ સમજાતી નથી? અને અમાનુષી  હિંસાની વાતને આડે પાટે ચડાવીને રાજકીય લાભ લેવા નીકળી પડે છે. આવા વિકૃત લોકોનું માનસ માનસશાસ્ત્રીઓમાં જિજ્ઞાસા પેદા કરે છે. પુતિનના માનસ-બંધારણનું પણ વિચ્છેદન થઈ રહ્યું છે. આ વખતે તેની વાત કરીએ.

ધાર્યું હતું કે યુક્રેનને બે દિવસમાં કબજે કરી લઈશું. પુતિનના માખણિયા લશ્કરી અધિકારીઓએ પુતિનને આવા એક સુંદર વહેમમાં રાખ્યા હતા. સાત જેટલાં દશકની લોખંડી તાનાશાહી અને ત્રણ દશકની લોકશાહી, પરમ દયાળુ ગોબાર્ચેવના પ્રતાપે જોયા બાદ રશિયનો હવે  ફરીથી તાનાશાહી ઈચ્છતા નથી જે વ્લાદીમીર પુતિન લઈને આવ્યા છે. જૂની તાનાશાહીના સમયમાં પણ રશિયન નાગરિકો એ સંકજામાંથી છૂટવા બેતાબ હતા અને આજે પણ છે. રશિયન જાસૂસો પુતિનને પસંદ કરતાં નથી અને તેથી જ તેઓ અમેરિકનો અને યુરોપને અત્યંત મહત્ત્વની ગુપ્ત માહિતીઓ પુરી પાડે છે. રશિયાની યુદ્ધ પૂર્વેની તમામ તૈયારી વિષે આ કારણથી જ અમેરિકા સટિક સાચી બાબતો અગાઉથી જાહેર કરી શકતું હતું.

પુતિન ભલે અત્યાચારો ફેલાવી રહ્યા છે પણ એકંદરે તમામ બાબતમાં એમનાં હાથ હેઠા પડી રહ્યા છે. રશિયન અર્થતંત્રની એવી વાટ લાગી ગઈ છે કે આજે યુદ્ધ બંધ કરે તો પણ તેમાંથી બહાર નીકળવામાં ખાસ્સો લાંબો સમય લાગી જશે. આ નિષ્ફળતાઓથી પુતિન ભુરાટા થયા છે. પાગલની માફક વર્તન કરવા માંડ્યા છે. લશ્કરના જનરલો પર ગુસ્સો કાઢે છે. હવે એમને દેશ બહારના દુશ્મનોની સાથે સાથે દેશમાંના દુશ્મનોનો પણ ખૂબ ડર લાગવા માંડ્યો છે. કોના પર વિશ્વાસ કરવો તે સમજાતું નથી. વાત આટલે  અટકતી નથી. હવે જનાબ આધ્યાત્મિક અને ગૂઢ વાતો કરવા લાગ્યા છે. પોતાના અપકૃત્યોને પણ આધ્યાત્મિકતાનો રંગ ચડાવે છે. રશિયાના ભૂતકાળને યાદ કરી ભવિષ્યની ચિંતાઓ વ્યક્ત કરે છે.

પણ ભૂલી જાય છે કે ભૂતકાળ માત્ર ટોચના હાકેમો માટે સારો હતો. બાકીની રૈયતને તો ગરીબીમાં મૌન રહીને પીડાવાની આયખાભરની સજા મળી હતી. હવે પુતિન રશિયાના જૂના યુદ્ધવીરો અને તેમની સિધ્ધિઓને જાહેરસભાઓમાં યાદ કરે છે. જેમણે રશિયાને ગૌરવ અપાવ્યું હતું. અઢારમી સદીના એક યુધ્ધવીર સેનાપતિ ફેદોર ઉશાકોવ ક્યારેય યુધ્ધ હાર્યા ન હતા અને પુતિન સત્તા પર આવ્યા ત્યારબાદ વરસ 2001માં  ઉશાકોવને રૂઢિગત ખ્રિસ્તી પરંપરા મૂજબ સંત જાહેર કરવામાં આવ્યા હતા. પુતિનના વર્તનનો અભ્યાસ કર્યા બાદ માનસતજજ્ઞો એ તારણ પર આવી રહ્યા છે કે પુતિનનું વ્યક્તિત્વ અને માનસ ખૂબ જટિલ છે. તેમાંય પશ્ચિમના મિડિયાએ હમણાં એવો હૂમલો માંડ્યો છે

 કે પુતિન પોતે જ પોતાના વિશે જાણીને ડઘાઈ જાય. તેમાં કેટલુંક સાચું અને કેટલુંક વધારેલું- ચડાવેલું જરૂર હશે. પણ પુતિનની કોઈ સારી આબરૂ ફેલાતી નથી. પુતિને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ અને વિદેશી ઈન્ટરનેટ, ટેલિવિઝન સેવાઓ બંધ કરાવી છે પણ તેની સામે બીબીસીએ વરસો અગાઉ બંધ કરી દીધેલી રેડિયો સર્વિસ ફરી શરૂ કરી છે. તેનું પ્રસારણ પાવરફૂલ છે અને દરેક રશિયન ઘરોમાં રેડિયો છે તેથી લોકો બધુ જાણી શકે છે. તેના પર પુતિનના વિકૃત માનસની વાતો પણ થાય છે. રશિયનો પોતાના રેડિયો સિગ્નલો વડે બહારના દેશોના રેડિયો સિગ્નલો તોડી-વિખેરી નાખવા માટે જાણીતા છે, પણ બીબીસી સફળ થઈ રહ્યું છે તે ટેકનોલોજીનો એક અલગ વિષય છે.

પુતિનના જટિલ માનસને ખૂબ જોખમી ગણાવવામાં આવી રહ્યું છે. જો કે આ જટિલતા એમની ઉંમરના પાછલા પડાવમાં ખૂબ નિખરીને બહાર આવી રહી છે. અગાઉ તો એ કેજીબીના જાસૂસ હતા તેથી એમનું વ્યક્તિત્વ, વ્યવસાયને કારણે પણ ગૂઢ રહેતું હતું. જોકે એ સમયે પણ એ સોવિયેત સંઘનું પુનરૂત્થાન ઈચ્છતા હતા. સામ્યવાદની  વિચારધારાથી અલગ એ એક રૂઢીવાદી, ઓર્થોડોક્સ, ખ્રિસ્તી રહ્યા છે જે ઈટાલીના પૂર્વ સરમુખત્યાર બેનિટો મુસોલિનની માન્યતાને મળતી આવે છે. એમને વ્લાદીમિર  લેનિનના સામ્યવાદમાં એટલી શ્રદ્ધા ન હતી જેટલી મુસોલિનીના ફાસીવાદમાં હતી. પુતિનની આ પ્રકારની ફાસીવાદ માન્યતાને કારણે વિશ્વના દેશોને એ ડર પણ લાગી રહ્યો છે કે પુતિન હારશે તો એ રાસાયણિક અને પરમાણું શસ્ત્રો પણ વાપરી શકે છે. સામાન્ય સંજોગોમાં પુતિનનું દિમાગ અસ્થિર અથવા અન્સ્ટેબલ રહેતુ નથી. પરંતુ હવે એ સ્થિતિના એક એવા પડાવમાં પહોંચ્યા છે જ્યાં પોતે રશિયાના ઈતિહાસમાં અમર થઈ જવા માંગે છે. એ અમરતા પ્રાપ્ત કરવા માટે રશિયાને મહાન બનાવવું પડે. એ માર્ગમાં હતાશા મળે તો એ કોઈ પણ પ્રકારનું વિકૃત વર્તન પણ કરી શકે છે. એમના પોતાના માનસમાં આ મિશન એક ઉત્તમ મિશન છે.

પુતિને છેલ્લે મોસ્કોમાં લાખો ધજાપતાકાધારીઓની સભા યોજી હતી તેમાં એમણે યુક્રેન પરના હૂમલાને યુક્રેનની મુક્તિ માટેનું યુધ્ધ ગણાવ્યું હતું. એ માને છે કે પહેલેથી જ  યુક્રેન રશિયાનો જ એક ભાગ છે. એમણે સભામાં જાહેર કર્યું હતું કે યુક્રેનના લોકોને ગુલામીમાંથી મુક્તિ અપાવવી તે દરેક રશિયનની ધાર્મિક ફરજ છે. યુક્રેનોને એમની  વેદનાઓમાંથી મુક્તિ અપાવવી જરૂરી છે એવો એક સુંદર વહેમ પુતિને પાળી રાખ્યો છે. એમના પ્રચંડ હૂમલાને વાજબી ગણાવવા માટે પુતિને બાઈબલમાંથી કેટલાંક  અવતરણો ટાંક્યા હતાં. એ બોલ્યા હતા કે, ‘પવિત્ર બાઈબલના શબ્દો મને યાદ આવે છે કે સૌથી મોટો પ્રેમ એ છે જેમાં માનવી પોતાના મિત્રો અને સમાજ માટે જીવનનું  બલિદાન આપી દે.’’ પરંતુ આ બધા ઠાલા શબ્દો છે.

પુતિને બાળકોની હોસ્પિટલો અને પ્રસૂતિગૃહો પર બોમ્બમારો કરાવ્યો છે. શોપિંગ મોલ અને ઓપેરા હાઉસોને છોડ્યા  નથી. પુતિનની માતા મારિયા એક ચુસ્ત ખ્રિસ્તી અનુયાયી હતાં. ધર્મમાં ખૂબ શ્રધ્ધા, બીજા વિશ્વયુદ્ધ લેનિનગ્રાડમાં નરસંહાર થયો ત્યારે રસ્તા પર વિખરાયેલાં અનેક માનવશબોની  વચ્ચે ઘાયલ મારિયા એક હતાં. પણ એ બચી ગયાં હતાં. જ્યારે 1952માં, સામ્યવાદી શાસનસમયમાં પુતિનનો જન્મ થયો ત્યારે મારિયાએ પુતિનને બાપટાઈઝ કરવાની ધાર્મિક  વિધિ, ખાનગીમાં કરાવી હતી. મારિયાએ પુત્રને એક  એલ્યુમિનિયમનો ક્રોસ આપ્યો હતો જે પુતિન હજી પણ પહેરે છે. જોકે કેજીબીમાં નોકરી કરતા હતા ત્યારે એ ક્રોસ  જાહેરમાં દેખાઈ ન જાય તેનો ખ્યાલ રાખતા.

1993માં એ ઈઝરાયલ ગયા હતા ત્યારે એમના કહેવા પ્રમાણે એમણે એ ક્રોસધારણ કર્યો હતો. એમના મતે ઓર્થોડોક્સ  ક્રિશ્ચિયાનિટી એ યુક્રેન અને રશિયાની એક સમાન, કોમન, સંસ્કૃતિ છે. માટે પણ યુક્રેન રશિયા સાથે હોવું જોઈએ. પુતિનના કહેવા પ્રમાણે એમના ધર્મના મૂળ યુક્રેનના શહેર કીવમાં નંખાયા છે, જ્યારે સંત વ્લાદીમીર દ્વારા પ્રજાને પેગનિઝમ તરફથી વાળીને ઓથોડોક્સ ખ્રિસ્તી ધર્મમાં વટલાવવામાં આવી હતી. આ સન 988ની વાત છે. ત્યારબાદ ઓથોડોક્સ સદીઓ સુધી ઓર્થોડોક્સ પ્રજા પર સિતમો ગુજારવામાં આવ્યા હતા તો પણ રશિયામાં તેઓ ટકી ગયા હતા. પુતિન માને છે કે યુક્રેનીઅનો અને રશિયનો એક જ પ્રજા, એક જ સભ્યતા અને સંસ્કૃતિના છે તેથી તેઓ સાથે જ રહેવા જોઈએ. હાલનો જમાનો આવી વાતો સ્વીકારતો નથી. આ મારીને રશિયનો બનાવવાની વાત છે.

Most Popular

To Top