Business

કાશ્મીર ફાઇલ્સ : પરદા પર પહેલા પ્રેમ અને હવે હિંસાનું પ્રતીક

શર્મિલા ટાગોરથી લઈને આલિયા ભટ્ટ, શમ્મી કપૂરથી લઈને શાહરૂખ ખાન સુધી કાશ્મીર હંમેશાં બોલિવૂડનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. કાશ્મીરની સુંદર પૃષ્ઠભૂમિમાં આ કલાકારોને આપણે રોમાન્સ કરતા જોયા છે. બોલિવૂડ દિગ્દર્શકોને કાશ્મીર અને તેના લોકો માટે એક ચોક્કસ વળગાડ છે. આ ‘પૃથ્વી પરના સ્વર્ગ’ પ્રત્યેનો તેમનો એવો લગાવ છે કે 1970-80ના દાયકામાં દર બીજી ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવતું હતું. દાયકાઓ સુધી બોમ્બેની ફિલ્મનગરીનું કોઈપણ પ્રોડક્શન હાઉસ ગમે તેટલું મોટું કે નાનું હોય કાશ્મીર તેનાં માટે હોટ ફેવરિટ મનાતું હતું. એવું કહો કે, બોલિવૂડની એકપણ ફિલ્મ કાશ્મીર વગર શક્ય નહતી.

કાશ્મીર લાંબા સમય સુધી બોલિવૂડ માટે સાક્ષાત સ્વર્ગ રહ્યું હતું. હિન્દી સિનેમામાં ગુલમર્ગમાં હિમવર્ષાના આકર્ષક દ્રશ્યો, પહેલગામના લીલાછમ ઘાસના મેદાનો અથવા શાંત દાલ સરોવર પર શિકારા પર ગીત-નૃત્યના દ્રશ્યો વિના ફિલ્મો જાણે અધૂરી લાગતી હતી. 60 ના દાયકાના પ્રારંભથી લગભગ ત્રણ દાયકાઓ કે તેથી વધુ સમય સુધી આ ખીણ એક સુંદર સ્થાન તરીકે સિનેમામાં જોવા મળી હતી. હિન્દી સિનેમાના પ્રેક્ષકો રોમાન્સથી લઈને કોમેડી, એક્શનથી લઈને પરિવાર સુધીની દરેક સંભવિત શૈલીની ફિલ્મમાં કાશ્મીરને જોયાં પછી ક્યારેય થાક્યા નહતા.

સ્ક્રીન પર તે સમયે કાશ્મીર એટલે રોમાન્સ, લવનું પ્રતીક બની ગયું હતું. ખીણમાં એકબીજા પર બરફના ગોળા ફેંકી તોફાન કરતાં હિરો-હિરોઈન, શાલીમાર ગાર્ડનમાં લટાર મારતાં ગીત ગાતા કેરેક્ટર આપણને જોવા ગમતાં હતાં. હિન્દી સિનેમાનો વેલી સાથેનો રોમાન્સ ઈસ્ટમેનકલર રિલ્સના આગમન સાથે શરૂ થયો હતો. શમ્મી કપૂરની ઓલ-કલર જંગલી (1961), જેમાં પ્રેમિકા (સાયરા બાનુ)ને આકર્ષવા માટે બરફથી ઢંકાયેલા પહાડોના ઢોળાવ પરથી નીચે ઉતારતી વખતે ‘યાહૂ’ની બૂમો પાડી હતી અને પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એ યુગના દરેક મોટા સ્ટાર તેમની ફિલ્મોના શૂટિંગ માટે કાશ્મીર તરફ પ્રયાણ કરવા લાગ્યાં હતા. તે સમયના ઘણા લોકપ્રિય કલાકારો જેમ કે જોય મુખર્જી અને બિસ્વજીત તેમની સફળતા માટે મુખ્યત્વે કાશ્મીરમાં આઉટડોર લોકેશન પર શૂટ કરવામાં આવેલી તેમની રોમેન્ટિક ફિલ્મોને આભારી છે.

સિત્તેરના દાયકા દરમિયાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના યુગમાં પણ કાશ્મીરનો સિલસિલો ચાલુ રહ્યો હતો. મેરા નામ જોકર (1970)ની બોક્સ-ઓફિસ નિષ્ફળતામાંથી બહાર નીકળવા શોમેન રાજ કપૂરે પણ બોબી (1973)નું શૂટિંગ કાશ્મીરમાં કર્યું હતું. ફિલ્મના એક દ્રશ્યમાં એક ગેસ્ટ હાઉસમાં લવબર્ડ્સનું લોકપ્રિય ગીત-હમ તુમ એક કમરે મેં બંધ હો સહિત ખીણમાં વ્યાપકપણે શૂટ કર્યું હતું. પાછળથી કાશ્મીર એક પર્યટન સ્થળ બની ગયું હતું.

કાશ્મીરની મનોહર સુંદરતા, મનમોહક શિખરો અને ખીણોએ તે સમયના બોલિવૂડ સ્ટાર્સને બોનસ ઓફર કર્યું હતું, જેમને બોમ્બેની ગરમી અને ભેજથી દૂર રહેવા માટે હંમેશા બહાનાની જરૂર હતી. ખાસ કરીને સિત્તેરના દાયકામાં મલ્ટિ-સ્ટારર્સના યુગમાં જ્યારે મોટા ભાગના કલાકારો એક દિવસમાં બહુવિધ શિફ્ટ કરતા હતા, ત્યારે નવીન ફિલ્મ નિર્માતાઓએ તેમની બલ્ક તારીખો મેળવ્યા પછી તેઓને તેમના પરિવારો સાથે શૂટ માટે ખીણમાં લઈ જવાનો સિલસિલા શરુ કર્યો હતો. સંપૂર્ણ બિઝનેસ-પ્લેઝર સિનર્જી બંને પક્ષો માટે વિન-વિનની સ્થિતિ સાબિત થઈ હતી. સુભાષ ઘાઈએ કર્મા (1986) શૂટ કરવા માટે પહેલગામમાં તેમના તમામ મોટા સ્ટાર્સ સાથે લાંબા સમય સુધી પડાવ નાખ્યો હતો. તે જ રીતે તેમના મોટાભાગના સમકાલીન લોકોએ પણ કર્યું હતું.

80ના દાયકાના અંતમાં સરહદ પારથી આતંકવાદની ગતિવિધિઓમાં ધીમે ધીમે વધારો થયો હતો. એ કાશ્મીર સાથે બોલિવૂડના રોમાન્સના અંતની શરૂઆતનો સંકેત હતો. કેટલાક સિનેમા હોલને સળગાવી દેવામાં આવ્યા હતા અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આતંકવાદી સંગઠનો દ્વારા બોલિવૂડ ફિલ્મોનો બહિષ્કાર કરવાની સાથે ધમકીભર્યા કોલ આપવામાં આવ્યા હતા. બસ એ પછી થોડા વર્ષોમાં જ કાશ્મીર એક સ્વર્ગમાંથી બોલિવૂડ માટે મુશ્કેલીગ્રસ્ત વિસ્તારમાં ફેરવાઈ ગયું હતું, જે ફિલ્મ ઉદ્યોગ માટે ગજા બહારની વાત થઈ ગઈ હતી. થોડા મહિનાઓ સિકયુરિટી સાથે બાકી શૂટિંગ શેડ્યૂઅલ આટોપી લેવામાં આવ્યા હતા, પણ એ પછી નવી ફિલ્મોએ કાશ્મીરને પોતાના લિસ્ટમાંથી બાકાત કરી દીધું હતું. પરિણામે કાશ્મીરના સંખ્યાબંધ લોકોને આજીવિકા પૂરી પાડતાં તમામ શૂટ અચાનક બંધ થઈ ગયાં હતાં.

કાશ્મીરીઓએ હંમેશાં ફિલ્મ સ્ટાર્સને જે રીતે બિનશરતી પ્રેમ, સ્નેહ આપ્યો હતો એ વાત હવે ભૂતકાળ બની ગઈ હતી. આજે પણ જૂની પેઢીના ઘણાં શિકારાવાળા શમ્મી કપૂર, શર્મિલા ટાગોર સાથેની તેમની મુલાકાતને ભૂલ્યાં નથી. તેમના સમયના લગભગ દરેક ટોચના ફિલ્મ સ્ટાર વિશે રસપ્રદ વાર્તાઓની કાશ્મીરમાં કોઈ કમી ન હતી. એવી વાતો પણ બોલિવૂડમાં જાણીતી છે કે, રાજ કુમાર વિગ પહેર્યા વિના કલાકો સુધી પહલગામમાં કેવી રીતે ગોલ્ફ રમતા હતા, કાશ્મીરમાં એ વખતે એવો પણ દાવો કરાયો હતો કે, અહીંની સુંદરતાથી પ્રભાવિત દિલીપ કુમારે ખીણમાં સ્થાનિક ભરવાડના નામે એક ઘર ખરીદ્યું હતું, કારણ કે કાયદાઓ કોઈ પણ બહારની વ્યક્તિને ત્યાં મિલકત ખરીદવા માટે અટકાવતા હતા. જોકે, કાશ્મીર માટે બોલિવૂડનો પ્રેમ એકતરફી ન હતો. કાશ્મીરીઓએ પણ સામે વધુ પ્રમાણમાં તેનો બદલો ચુકવ્યો હતો.

જોકે, 1990ના દાયકા પછી કમનસીબે ખીણમાં વર્ષો સુધી મુશ્કેલીઓ ચાલતી રહી હતી અને બોલિવૂડને તેની પ્રેમકથાઓ કહેવા માટે કાશ્મીરનો વિકલ્પ શોધવાની ફરજ પડી હતી. હિન્દી સિનેમામાં ખાન ત્રિપુટીના ઉદયની વચ્ચે રોમેન્ટિક સંગીતનું પુનરાગમન થયું હતું. દાગ (1974) અને કભી-કભી (1976)ના દિવસોથી ખીણ સાથે લાંબા સમય સુધી સંબંધ ધરાવતા યશ ચોપરાએ રોમાન્સને ફિલ્માવવા માટે સ્વિસ આલ્પ્સના શિખરો અને નેધરલેન્ડ્સના ટ્યૂલિપ બગીચાઓને બોલિવૂડમાં ઈન્ટ્રોડ્યૂસ કર્યા હતા. તેમના દિગ્દર્શક પુત્ર આદિત્યે પણ તેમની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના શૂટિંગ માટે સમગ્ર યુરોપમાં પ્રવાસ કર્યો હતો, જેની ઐતિહાસિક સફળતાએ વિવિધ યુરોપિયન સ્થળોએ દોડી જવા માટે ફિલ્મ નિર્માતાઓમાં એક પ્રકારની દોડધામ મચાવી હતી. હત્યાઓ અને કાશ્મીરી પંડિતોની હિજરત અને અન્ય પ્રકારની ઉગ્રવાદી હિંસાના સતત અહેવાલો વચ્ચે બોલિવૂડે ભારે હૃદયથી તેનાં પ્રિય સ્વર્ગને છોડી દેવું પડ્યું હતું. આજે કાશ્મીરના શિકારા માલિકો પાસે આમિર, સલમાન અને શાહરૂખ ખાન વિશે કહેવા માટે એટલી વાર્તાઓ નથી જેટલી તેઓ પાસે શમ્મી, શશી કે એ જમાનાના ચોકલેટી હીરો વિશે હતી.

તેમ છતાં કાશ્મીર બોલિવૂડની યાદોમાંથી ક્યારેય સંપૂર્ણપણે વિલીન થયું ન હતું, જે રીતે ખીણની હાલતોએ કરવટ બદલી હિન્દી ફિલ્મના પડદા પર કાશ્મીર પ્રેમના પ્રતીકની જગ્યાએ આતંકવાદનો અડ્ડો બની ગયું હતું! ખીણમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની આસપાસ ફરતી એક્શન ફિલ્મોમાં હવે કાશ્મીર દેખાવા માંડ્યું હતું! તુમ દૂધ માંગોગે હમ ખીર દેંગે, તુમ કાશ્મીર માંગોગે હમ ચીર દેંગે… જેવા સંવાદોએ થિયેટરોમાં આતંકવાદ સામે રાષ્ટ્રવાદી સીટીઓ વગાડી હતી. ઘણી ફિલ્મોમાં હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારો પર શૂટિંગ કરીને ફિલ્મોમાં તેને કાશ્મીર તરીકે દર્શાવાયું હતું! જો કે, આ બધા વચ્ચે ખીણમાં બળવાખોરીનો સામનો કરવા માટે મણિરત્નમની રોજા (1992) અને વિશાલ ભારદ્વાજની હૈદર (2014) જેવા કેટલાક ગંભીર પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ બોલિવૂડ ભાગ્યે જ તેના સ્ટીરિયોટિપિકલ વર્ણનોથી આગળ વધ્યું હતું.

આ બધાની વચ્ચે કાશ્મીરી પંડિતોની દુર્દશા થોડીક વિસ્મરણીય ફિલ્મોમાં દર્શાવવામાં આવી હતી. વિધુ વિનોદ ચોપરા, જેમણે હાર્ડકોર કમર્શિયલ મિશન કાશ્મીર (2009) બનાવ્યું હતું, તે 1990માં કાશ્મીરી પંડિતોની ખીણમાંથી હિજરતની આસપાસ વણાયેલી પ્રેમકથા વીર શિકારા (2020) લઈને આવ્યા હતા પણ ટીકાકારોએ આ ફિલ્મને સ્વીકારી ન હતી. અને હવે વિવેક અગ્નિહોત્રીની હાર્ડ-હિટિંગ ધ કાશ્મીર ફાઇલ્સ લઈને આવ્યાં અને ફરી એક વખત કાશ્મીરની વ્યથાને દર્શકોના દિલ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. સમયની બલિહારી જુઓ એક જમાનામાં જે કાશ્મીરને પ્રેમના પ્રતીક તરીકે હિન્દી સિનેમાના માધ્યમથી સ્વીકારવામાં આવતું હતું એ જ કાશ્મીર હિન્દી સિનેમાના માધ્યમથી આજે પંડિતોની વ્યથા,હિંસા,રાષ્ટ્ર ભાવનાના નામે બ્લોક બસ્ટર હિટ થયું છે!

Most Popular

To Top