આણંદ : દેશભરમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીમાં ગરીબ પ્રજાને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખાદ્ય તેલ, રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને જતાં, મોંઘવારી ઘટાડવામાં સરકારની નિષ્ફળતા સામે પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાની આગેવાની હેઠળ રેલી, સૂત્રોચ્ચાર સહિતના દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની 2014માં સરકાર બની ત્યારથી પેટ્રોલ, ડિઝલના ભાવ રોજબરોજ વધી રહ્યાં છે. વિશ્વકક્ષાએ ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી જેવા વેરાઓ વધારો કરી પ્રજાના અચ્છે દિન લાવવાના બદલે અદાણી, અંબાવી તેમજ ઓઇલ કંપનીઓના અચ્છે દિન લાવવાનું કામ કરવામાં આવ્યું છે. ભાજપની સરકાર વારંવાર જુમલા કરી રાજ્યની ચૂંટણી જીત્યા બાદ તરત જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવાનું કાર્ય કરી રહી છે. મોદી સરકારે પ્રજાને ચૂંટણી જીતવા માટે પોકળ જુઠા વચનો આપવાનું કામ કર્યું છે. હકિકતમાં જ્યારથી ભાજપની મોદી સરકારનું શાસન આવ્યું છે, ત્યારથી સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ નીવડી છે.
સરકાર પોતાની વાહવાહી લૂંટવા કરોડોનો ખોટો ખર્ચ કરી રહી છે. પરંતુ સરકાર પોતાના પબ્લીસીટીના ખોટા ખર્ચાને પહોંચી વળવા પ્રજાને અચ્છે દિનનો આનંદ આપતી નથી. ખાદ્ય સામગ્રી તેમજ અન્ય ચીજોના ભાવ વધારાના કારણે ગૃહિણીનું બજેટ ડામાડોળ થઇ રહ્યું છે. પરંતુ રોજ બરોજ પેટ્રોલ – ડિઝલમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ગૃહિણીને ઘર સંચાલનમાં વધુ મુશ્કેલી થઇ રહી છે. સૌના સાથ સૌના વિકાસના બદલે પક્ષના વિકાસ પુરતું રાત દિવસ કામ કરતા નજરે પડી રહ્યાં છે. પેટ્રોલ – ડિઝલના ભાવ વધવાના કારણે સીએનજી ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાથી ખાદ્ય સામગ્રી પણ મોંઘી થવાની શક્યતા વધી જાય છે. રાંધણગેસની બેટલ પર ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે, સરકાર તાત્કાલિક પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, ખાદ્યતેલ સહિત તમામ જીવન જરૂરીચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવા ઘટતા પગલા ભરે અને ટેક્સરૂપી રાહત અથવા સબ્સીડી આપી પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવે.