SURAT

ગ્રીષ્મા હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિસંગતતા હોવાની વાત કોર્ટમાં કરાઈ

સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં આજે ફેનિલના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં આજે કોર્ટનો (Court) સમય થઇ જતાં હવે આવતીકાલે અંતિમ દલીલો કરાશે. ચકચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 12 કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. આરોપી ફેનિલે પૂર્વનિયોજીત કાવતરુ કરીને ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી હોય, આરોપી ફેનિલને હત્યા કેસમાં તકસીરવાર ઠેરવવા દલીલો થઇ હતી. જેની સામે બચાવપક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા દલીલો થઇ હતી કે, પ્રોસિક્યુશનના કેસમાં દરેક જગ્યાએ વિસંગતતા (Inconsistency) આવે છે. હત્યા બાદ પોલીસ અધિકારીની હાજરી, પોલીસે ગ્રીષ્માનો મોબાઇલ ફોન કબજે કર્યો તે બાબત ઉપરાંત ફેનિલની પાસેથી જે ચપ્પુઓ કબજે કરાયા તેના પંચનામામાં પણ વિસંગતતા જોવા મળે છે તેવી દલીલો કરવામાં આવી હતી. આજે કોર્ટનો સમય પૂરો થઇ જતા હવે આવતીકાલે વધારે દલીલો કરાશે.

આ કેસની વિગત મુજબ પાસોદરામાં ખુલ્લેઆમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી નાંખવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી. આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને પોલીસે સ્થળ ઉપરથી જ પકડી પાડીને જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા એક મહિનાથી આ કેસની સુનાવણી સુરત કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 190 સાક્ષી પૈકી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જ્યારે બાકીના 85 સાક્ષીને પડતા મૂકવામાં આવ્યા છે. આ સાથે જ સરકાર પક્ષે હવે કોઇ સાક્ષીની જુબાની લેવાની નથી તેવું ક્લોઝિંગ આપ્યું છે. ત્યારે આ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીનું ક્રિમિલન પ્રોસીજર કોડની કલમ-313 પ્રમાણે વધારાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.આ સ્ટેટમેન્ટમાં ફેનિલને કુલ 908 સવાલો પૂછવામાં આવ્યા હતાં. જેમાં કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજી પૂરાવા, મેડિકલ પૂરાવા ઉપરાંત ઘટનાને નજરે જોનાર સાક્ષીની જુબાનીનો પણ સમાવેશ થાય છે. આ તમામ સવાલો દ્વારા આરોપીનો ખુલાસો પુછવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીનું કુલ્લે 355 પાનાનું સ્ટેટમેન્ટ નોંધાયું છે. આ સાથે હવે આગામી ટૂંક દિવસોમાં જ આરોપી આ હત્યા કેસનો ચૂકાદો આવે તેવી શક્યતા છે.

આ પહેલાં સીઆરપીસી 328(1) મુજબ મુખ્ય જિલ્લા ન્યાયાધીશે ન્યાયિક અધિકારી તરીકે ફેનિલની પુછપરછ કરી હતી. ફેનિલની માનસિક સ્થિતિને લઇને પ્રશ્નો ઊભા થતા કોર્ટમાં કેસની સુનવણીની શરૂઆતમાં ફેનિલને કોર્ટમાં લાવવવામાં આવ્યો ત્યારે ફેનિલને મુખ્ય જિલ્લા ન્યાયાધીશની ચેમ્બરમાં લઇ જવામાં આવ્યો હતો. અહીં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવપક્ષના વકીલ ઝમીર શેખ તેમજ અજય ગોંડલિયા પણ હાજર હતા. આ ઉપરાંત આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી પણ હાજર હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વીમલ વ્યાસે સીઆરપીસીની કલમ-328(1) મુજબ ન્યાયિક અધિકારી તરીકે ફેનિલની સાથે સવાલ-જવાબ કર્યા હતા. ફેનિલની નામ, તેની ઉંમર, સરનામું, પિતાનું નામ, ગામડે જમીન છે, તેમાં શું ઉપજ થાય છે, ફેનિલ શેનો અભ્યાસ કરે છે તે સહિતના સવાલો પુછવામાં આવ્યા હતા. આ તમામ સવાલોના આધારે ફેનિલની બોડી સ્ટ્રક્ચરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ન્યાયિક અધિકારી તરીકે નિરીક્ષણ કર્યા બાદ મુખ્ય જિલ્લા ન્યાયાધીશએ ફેનિલ માનસિક રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top