સુરત : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગના મામલે ચાર તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે, તેમને બચાવવા માટે શહેરના કેટલાક નામાંકીત સર્જન મેદાનમાં આવ્યા હોવાની વાત બહાર આવી છે. એટલું જ નહીં પરંતુ રેગિંગ કરતા તબીબોના કેટલાક ચોંકાવનારા કારનામા પણ બહાર આવ્યા છે. હાલમાં સ્મીમેરમાં જે રીતે સર્જરી અને ઓર્થોના પીજીના વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હતા. તેમાં તપાસ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમાં જે વિગતો ચર્ચાઇ રહી છે તે ખૂબજ ભયાનક છે. વિકૃત માનસિકતા ધરાવતા માસ્ટર ઓફ સર્જન કરનારા સીનિયર રેસિડેન્ટ એવા ચાર તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ તબીબો શહેરના માલેતુજાર સર્જન કમ જરનલ મેડિસિન પ્રેક્ટિશનર્સના નબીરા છે. કરોડોમાં ઉછળેલા આ નબીરાઓના કૃત્યો હાલમાં તબીબ આલમમાં ચર્ચાનો વિષય બન્યા છે .
આ રીતે કરવામાં આવતું હતું રેગિંગ
- લેડિઝ તબીબોને રાત્રે 12 વાગ્યે પાનના ગલ્લા ઉપર સિગરેટ લેવા મોકલવામાં આવતી હતી.
- સ્ટોપ વોચ ગોઠવીને જૂનીયર તબીબોને એક કલાક સુધી ચાર માળ ઉતર ચડ કરાવવામાં આવતા હતા.
- ચાર દાદર ચડવા અને ઉતરવા માટે માત્ર દોઢ મિનીટનો સમય આપવામાં આવતો હતો
- જૂનિયર પાસેથી રૂમની ચાવી લઇ લેવામાં આવતી હતી ઉપરાંત કેમ્પસની બહાર ઊભા રખાતા હતા.
- આ જૂનિયર તબીબો તેમના રૂમમાં નહીં પણ દર્દીઓ સાથે નહાવા અને રહેવાની ફરજ પડાતી હતી.
સ્થાનિક ટ્યુટર્સના માથાભારે તબીબો પર ચાર હાથ
છેલ્લા સાત વર્ષથી આ રીતે સંખ્યાબંધ વિવાદો સ્મીમેરની ફેકલ્ટીમાં ચાલી રહ્યા છે. તેમાં કરોડપતિના નબીરાઓને બચાવવા માટે અહી ફેકલ્ટીના ટ્યુટર્સની ભૂમિકા શંકાના દાયરામાં આવી હોવાની ચર્ચા છે. આમ આ આખા પ્રકરણમાં સાત વર્ષથી ગંભીર પ્રકારે રેગિંગ થઇ રહ્યુ છે તેમાં ટયૂટરોની ભૂમિકા વિવાદીત બની છે.
શું કહે છે ડીન?
ડીન દિપક હોવાલે જણાવ્યુંકે આ ગંભીર મામલો છે હાલમાં તેઓ બહાર છે. બુધવાર બાદ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.