Business

વિશ્વ રંગભૂમિ દિવસની અનન્ય ઉજવણી “રંગહોત્ર – ૪”

વિશ્વ રંગભૂમિ દિવસની કળામય, ઉત્સાહ-ઉમંગભરી આવી ઉજવણી ગુજરાતી કે અન્ય કોઈ રંગભૂમિ ઉપર આજ સુધી જોઈ નથી. પોતાની કળાની અભિવ્યક્તિ અને રસિક પ્રેક્ષકોના આનંદ સિવાય બીજી કોઈ જ અપેક્ષા વગર; આ “રંગહોત્ર” માટે કળાકારોના અનન્ય સમર્પણની સરાહના કરી, નટરાજને વંદન કરી વધાવું છું.” આ શબ્દો હતા રંગભૂમિ, ફિલ્મ અને ટીવી ઉપર ૭૫ વર્ષથી સક્રિય ઉત્કૃષ્ટ રંગકર્મી અતિથિ વિશેષ દિપક ઘીવાળાના; સાથે ઉમેર્યું કે “સુરત, પ્રાયોગિક રંગભૂમિનું કેન્દ્ર ચં.ચી.મહેતાના સમયથી હતું છે અને રહેશે. આવા દ્રષ્ટીસભર આયોજકોને ધન્યવાદ આપો એટલા ઓછા છે.”

૨૫ માર્ચથી સુરત પર્ફોર્મીંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન દ્વારા, સુરત મહાનગર પાલિકાના સંપૂર્ણ સહયોગ સાથે “રંગહોત્ર-૪”નું આયોજન પર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે થયું હતું. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ વિષય આધારીત આ ઉપક્રમમાં દેશની આઝાદીના મહત્વના લડવૈયા અને ઘડવૈયાના પાત્રોમાં બાળકળાકારો મહેમાનોને રંગમંચ ઉપર લઈ આવ્યા. સૌએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો. ઉદઘાટક માન.મેયર હેમાલીબહેને અભ્યાસ કરી પ્રસંગોચીત વક્તવ્ય આપ્યું. ડો.જગદીશ પટેલ, રંગહોત્રના પ્રથમ પુરસ્કર્તા છે, તેમણે વિષયાનુરૂપ આગવી વાતો છટાદાર રીતે કરી. આ પ્રસંગે સાડા ત્રણ દાયકાથી રંગમંચ સજાવનાર સન્નિવેશકાર શાંતુભાઈ મિસ્ત્રી અને સુમનપાના સાંસ્કૃતિક મેનેજર એસ.આર.ખાનનુ સન્માન કરવામાં આવ્યું. દિપક ઘીવાળાના કળાક્ષેત્રે સુદીર્ઘ મૂલ્યવાન પ્રદાનને ધ્યાને લઈ બહુમાન કરી સૌએ વધાવ્યું.પહેલે દિવસે એક પછી એક સુંદર ૧૫ કૃતિઓ રજુ થતી ગઈ અને સુરતના નાટ્ય ચાહકોથી પર્ફોર્મીંગ આર્ટ્સ સેન્ટર ઊભરાવા માંડ્યું.

કેન્દ્રીયમંત્રી દર્શનાબહેને ૨૬ માર્ચે ઉપસ્થિત રહી સુરતી લહેકામાં સૌને પ્રેમથી બિરદાવ્યા અને આજીવન રંગમંચ પર ઉત્તમ અભિનય કરનાર મીનાબહેન સેવક અને શ્રી આશિત મહેતાનું સન્માન કર્યું. સાથે નવી રંગભૂમિ ૫૫ વર્ષો પહેલા પાયાનું કામ કરનાર શ્રીભારતી શાસ્ત્રી-ત્રિવેદી જેમણે તે સમયે ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો તેમનું  સન્માન કર્યું.માનનીય દર્શનાબહેને પણ નાટકોમા અભિનય કર્યો હતો માટે એક કળાકાર તરીકે તેમનું સન્માન‘સ્પા’એ કર્યું. આ દિવસે ૨૪ કૃતિઓ ભજવાતી રહી અને લોકોના ટોળેટોળા માણવા ભેગા થતા રહ્યા. બહાર મૂકાયેલ એલ.ઈ.ડી. સ્ક્રીન સામે પણ જગ્યા ભરાઈ ગઈ. ૨૭ માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસે નાટક અને ફિલ્મના સદાબહાર હોનહાર અભિનેતા હિતેનકુમાર અતિથિ હતા, તેમના શુભહસ્તે શહેરના પ્રથમ કળાકાર પદ્મશ્રી યઝદી કરંજીયાનું બહુમાન કરાયું; સૌએ ઉભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેમને માટે પ્રેમ વ્યક્ત કર્યો. રંગમંચનો જાદુ એટલો સંમોહક બન્યો હતો કે હિતેનકુમારે પોતે જોરદાર એકોક્તિ ભજવી, જેમા તુષારીકા રાજગુરુએ સાથ આપ્યો. યઝદીભાઈ પાસે લોકોએ આગ્રહ કરી હાસ્યપ્રેરક સ્કીટ ભજવાવી. ૨૯ કૃતિઓ ભજવાઈ. કોરોનાએ બે વર્ષ પડદો ખોલવા નહીં દીધો; પરંતુ સુરતના કળાકારોએ સિધ્ધ કરી દીધું કે તેમની રંગમંચીય કળાઓ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કોઈ મહામારીએ તલમાત્ર ઘટવા નથી દીધી.

“રંગહોત્ર – ૪”ની અવનવી અસાધારણ ઘટનાઓ………. આઝાદીના અમૃત મહોત્સવ વિષય આધારિત નાટકો ભજવાયા. આઝાદીની લડાઈ માટે સાવ અજાણ એવાં પાત્રો, એકોક્તિઓ કે નાટકો શોધાયા, લખાયા અને ભજવાયા. ઉદાહરણ તરીકે મેહુલ શર્માએ સુભાષચંદ્ર પર – બોઝ ધ યલ હીરો – લખ્યું, દિગ્દર્શન કર્યુ, સરદારસિંહ રાણા જેવું પાત્ર અભિનેતા સુરેશ પ્રજાપતિએ શોધ્યું,પહેલીવાર લખ્યું અને જાતે ભજવ્યું. બેગમ હઝરત મહલ પ્રવીણ પંડ્યાનુ નાટક કેતન રાઠોડે શોધી દિગ્દર્શીત કર્યું. નરેશ કાપડીએ કૂવામાંથી આઝાદી લખી દિગ્દર્શન કર્યું. પીયુષ ભટ્ટે મેઘાણીના જીવનકવન સાંકળી નાટક તૈયાર કર્યું. સાવિત્રીદેવી ફુલે શૈલેન્દ્ર વડનેરેએ અને હું કુંવરજી મહેતા ઉદય બારડે લખ્યું જેનું દિગ્દર્શન વૈભવ દેસાઈએ કર્યું. શ્યામ કોટકે શહિદ ભજવ્યું, માતા અને પુત્ર ભૈરવી અને પલાશ આઠવલેએ અનુક્રમે અહલ્યાબાઈ, શિવાજી અને માંડવલીયે ભજવ્યું.

કેટલાંક નાટકોમાં આઝાદીનો વિષય અસ્પષ્ટ રહેવા છતા સારા ભજવાયા, જેમકે ખુદાહાફીઝ, મહાત્મા બોંબ. વિષય સિવાયના જે નાટકોએ રંગહોત્રમા સુજ્ઞ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું તે આ છે નાટકો….રાજેશ પાંડે – ‘બકરી’, મેઘ પંડિત અભિનીત ‘એક ઝાડ બે કાગડા’, દેવાંગ જાગીરદાર – ‘રનીંગ ઓન એમ્પ્ટી’, વત્સલ શેઠ – ‘સ્પર્શ’, પરેશ વોરા – ‘સ્ટોપ’, સ્તવન જરીવાળા – દિનેશ ભગતજી દિગ્દર્શિત – ‘દો દૂની પાંચ’, ઉજ્જ્વળ જરીવાળા – ‘ઈસ્વીસન પૂર્વનો માણસ’, જય દીક્ષિત – ‘પ્રીત, પ્રેત અને પાગલ’, પ્રશાંત ત્રિવેદી – ‘નરસૈંયો’, ચેતન પટેલ – ‘ફર્સ્ટ ક્લાયંટ’, સંકલ્પ કુલકર્ણી – ‘ટોમ વન’, ત્વિષા શુક્લ શાહ – ‘શિખંડી’, પ્રણવ વૈદ્ય – ‘ડાબો અને જમણો’, નાટ્યવાંચન સોનલ વૈદ્ય કુલકર્ણીએ કસ્તુરબાને સરસ રીતે પ્રસ્તુત કર્યા.

એક પાત્રીય અભિનયની સૌથી વધુ કૃતિઓ પ્રસ્તુત થઈ, જેની ભજવણી એ પ્રયત્ન- પ્રયોગને સફળતા અર્પી હતી.……લક્ષેશ શાહ – ‘અશ્વત્થામા’, હિરલ બલસારા – ‘મુનીરા’, જલ્પા વ્યાસ ‘ઝલકારી’, ખ્યાતિ કંથારિયા – ‘ઉત્તરા’, વિશ્વા ચાવડા – ‘સીતા’, ડો. દિલીપ શાસ્ત્રી – ‘ હું અને ઘર’, કવિતા મારફતિયા – ‘ઓઢણી’, ધ્રુવ બલસારા – અભિમન્યુ, મેધાવી પંડ્યા – ‘જસમા ઓડણ’, મનીષ ઉપાધ્યાય – ‘યયાતિ’, વિકાસ સોજીત્રા – ‘તાજમહેલ’, અનિકેત શેઠ – ‘મૂળજી’, દેવ આઠવલે – ‘ગાંધી જયંતિ’, ભરત ભાવસાર – ‘વજૂદ’, દેવાંગ જાગીરદાર – ‘શ્યોરી’, શીવાંગી ચૌહાણ – ‘મેઘધનુષ્ય’

આ આખાય રંગહોત્રને આગળ ધપાવતું રજીસ્ટ્રેશનનુ કામ આદિત્ય કામઠ, મીનળ સેલર કરતા રહ્યા, ભોજન સંભાળ્યું હિમાંશુ ભટ્ટ અને અશ્વિન માદળિયાએ, તો સ્વયંસેવા કરી સુરેશ પ્રજાપતિ, રાજેન્દ્ર મારુએ.પ્રેક્ષકો નાટકો માણવા એક થી દોઢ કલાક લાઈનમા ઉભા રહેતા. આ લાઈન ૫૦૦ મીટર સુધીની ક્યારેક થઈ ગઈ હતી. શહેરની ભાવી રંગભૂમિ માટે આ ઉજળી, આશાસ્પદ ઘટના કહેવાય. “રંગહોત્રને વધાઈ” આપતું ગીત ડો. મુકુલ ચોક્સીએ વાતાવરણથી પ્રેરાઈને લખ્યું, યામિની વ્યાસ, દિલીપ ઘાસવાળા, મયંક ત્રિવેદી અને હિરલે  પણ વિશ્વ રંગભૂમિને ધ્યાને લઈ કવિતાઓ રચી. રંગહોત્ર-૪ ની પૂર્ણાહુતિ રંગહોત્રને વધાઈ ડૉ. ચોક્સીના ગીતથી થઈ પણ ખરેખર તો એ “રંગહોત્ર – ૫”નુ આવણુ એટલે કે ગણેશ સ્થાપન જ હતું. સમગ્ર આયોજકોની ટોળી-નટચમૂ, સુરત મહાનગરપાલિકા અને પ્રેક્ષકોને વંદન અભિનંદન સહ આગળ વધી નવા નવા કળાકારોને મંચ પર લાવવાની જવાબદારી સાથે વિરામ.         
  –પ્રેક્ષક

Most Popular

To Top