આણંદ : આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 240 આવાસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે સર્જાયેલી મડાગાંઠના કારણે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છે. જેના કારણે લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યાં હોવા છતાં ઘરનું ઘર નસીબમાં આવ્યું નથી. આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી હતી. જે તે સમયે આ આવાસ યોજના સંદર્ભે મોટા મોટા દાવા કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત લાભાર્થીઓનો ડ્રો કરીને મકાન પણ આપવામાં આવ્યાં હતાં. જેમાં તત્કાલીન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતાં. આ મકાન માટે લાભાર્થીઓ પાસેથી રૂ.17 હજાર ડિપોઝીટ પણ લેવામાં આવી હતી. અહીં સાત બ્લોકમાં કુલ 240 મકાન બનાવવામાં આવ્યાં હતાં. પરંતુ પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. જેના કારણે લાભાર્થીઓ છતે આવાસે અહીં તહીં ભટકી રહ્યાં છે.
સલાટીયા વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસની 70 ટકા કામગીરી પૂર્ણ થઇ છે, પરંતુ 30 ટકા કામગીરીને લઇ પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે મનમેળ થયો નહતો. જેના કારણે કામ અટકી પડ્યું છે. જે પાંચ વર્ષના ગાળા બાદ પણ શરૂ થયું નથી. જેના કારણે દિવસે દિવસે આવાસ ખંડેર હાલતમાં ફેરવાઇ રહ્યાં છે. આ ઉપરાંત અહીં સિક્યુરીટી કે દરવાજા કશું જ ન હોવાથી તે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. રાત પડતાં જ અસામાજીક તત્વો આતંક મચાવી દે છે. જેના કારણે આસપાસની સોસાયટીના રહિશોને પણ અહીંથી પસાર થવું દૂષ્કર બની ગયું છે. આ અંગે પાલિકામાં અવાર નવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેના કારણે દિવસે દિવસે સ્થિતિ કથળી રહી છે. અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. આ આવાસનું અધુરૂ કામ તાત્કાલીક પૂર્ણ કરી જે તે લાભાર્થીને આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
શ્રમિક વર્ગોને તાત્કાલિક આવાસ ફાળવવા જોઈએ
આ અંગે ઇરફાનભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે, સલાટિયા વિસ્તારમાં પાંચ વરસ પહેલા 70 ટકા કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું છે. અહીં સુરક્ષાની કોઇ જ વ્યવસ્થા નથી. જેના કારણે અસામાજીક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જે લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યાં છે, તેમને તાત્કાલીક આવાસ પૂર્ણ કરી આપી દેવા જોઈએ.