રાજકોટ: ગુજરાતમાં (Gujarat) હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exam) ચાલી રહી છે. પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીઓના આપઘાતના (Suicide) બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં (Rajkot) ધોરણ 10ની વિદ્યાર્થીનીએ (Student) બાથરૂમમાં જઈને પેટ્રોલ છાંટી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
રાજ્યમાં એક પછી એક બોર્ડના વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષાના ડરથી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને હાલ તે બોર્ડની પરીક્ષા આપી રહી હતી. પરંતુ પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે વિદ્યાર્થીનીએ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર પરીક્ષાનું પેપર ખરાબ જતાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ આપઘાતનું પગલું ભર્યું. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર વિદ્યાર્થીનીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લીધો હતો.
નોંધનીય છે કે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો પરીક્ષાનો નંબર રાજકોટની કડવી બાઈ વિદ્યાલયમાં આવ્યો હતો. મૃત વિદ્યાર્થીનીના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ભરણપાષણ કરે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં બોર્ડની પરીક્ષા પહેલા જ ડીપ્રેશનમાં આવી જતા ધો.12ની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
વડોદરા: કોરોના કાળને લઇ બે વર્ષ બાદ ગુજરાતમાં બોર્ડની પરીક્ષા યોજાઈ છે. આ વચ્ચે વિદ્યાર્થીઓ ડીપ્રેશનમાં મુકાઈ ગયા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. વડોદરામાં ધો.12ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીએ પેપર પહેલા જ ગળેફાંસો આપઘાત કરી લેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ધો.12નું આજે કેમિસ્ટ્રીનું પેપર હોવાથી વિધાર્થીની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ પેપર આપતા પહેલા જ ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાની આશંકા સેવાઇ રહી છે.
અગાઉ બે વિધાર્થીઓનાં હાર્ટએટેકથી મોત
નવસારીમાં બોર્ડની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નવસારીમાં રહેતો ઉત્સવ નરેન્દ્રભાઈ શાહ બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં તો ઉત્સવ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. હાર્ટ એટેકના પુત્રનું મોત થતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અમદાવાદના રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં પરીક્ષા દરમિયાન ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થી અમાન આરીફ શેખને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.