સુરતની 350 કાપડ મિલો આયાતી કોલસા ઉપર નિર્ભર છે ત્યારે ઉદ્યોગ સંગઠનોએ કોલસો લાવવા કરી આ કવાયત

સુરત: (Surat) ચીનમાં પર્યાવરણની જાળવણી માટે કોલસાની (Coal) ખાણોમાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ઓસ્ટ્રેલિયાથી મોકલાતાં પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે. બીજી તરફ યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલતા ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, રશિયા અને ચીનથી આયાત થતાં ઇન્ડસ્ટ્રિયલ કોલસાની શોર્ટ સપ્લાય ઊભી થઇ છે. જેના કારણે શિપિંગ ચાર્જ વધી ગયા છે. બીજી તરફ રાજ્ય સરકાર હસ્તકના મગદલ્લા પોર્ટ અને હજીરામાં પ્રાઇવેટ અદાણી પોર્ટ પછી હવે ફર્ટિલાઈઝર કંપની કૃભકોના (Kribhco) સેમી પોર્ટ પર આયાતી લિગ્નાઇટ-કોલસો લોડિંગ-અન લોડિંગ કરવાની મંજૂરી મળતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા કૃભકો પર કોલસો મંગાવવાથી કોસ્ટિંગ બીજા પોર્ટ કરતા સસ્તું પડતું હોય તો કોલસો લેવાની તૈયારીઓ દર્શાવી છે.

ક્રિભકોના અધિકારીઓ અને એસજીટીપીએન પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયાએ આ મામલે પ્રાથમિક સંભાવના ચકાસવા થોડાક દિવસ અગાઉ ચર્ચા વિચારણા કરી હતી. પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, હજીરામાં કૃભકો પાસે બીજા પોર્ટ જેવી જ કોલસો સ્ટોરેજ કરવા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે. અહીં ફર્ટિલાઈઝરનું રોમટિરિયલ આવતું હોવાથી કસ્ટમની સુવિધા ત્યાં અગાઉ થી જ છે. કૃભકો પર આયાતી કોલસો મંગાવવાથી શુ કોસ્ટિંગ આવે છે. તેની ગણતરી કરવાની હજી બાકી છે. એસજીટીપીએના સભ્યોને લાભ થતો હોય તો વિચારવા જેવી બાબત છે. કયા દેશથી કોલસો લાવવાનો શુ ભાવ છે. ચાર્જીસ શું લાગશે? સહીતની બાબતોની સ્પષ્ટતા બાકી છે. જોકે પોર્ટ મેનેજમેન્ટના જાણકારો કહે છે કે, કૃભકોની જેટી સુધી મોટા જહાજો લાંગરી શકાતા નથી. જહાજો ડીપ વોટર એરિયામાં રોકી બાર્જમાં કોલસો ભરી કૃભકો પર લાવી શકાય છે. જેમાં કોસ્ટિંગ વધી શકે છે પણ આયાતી કોલસો વેચતી કંપનીઓ વચ્ચે પ્રાઈઝ વોર ખેલાઈ શકે છે.

સુરતની 350 કાપડ મિલો આયાતી કોલસા ઉપર નિર્ભર છે. તાજેતરમાં કોલસાની શોર્ટ સપ્લાયનો લીધે ડોમેસ્ટિક માઇનિંગ કંપનીઓ અને ઇમ્પોર્ટરોએ ભાવ વધારતા જોબચાર્જ પર કાપડ મિલો ચલાવવી મુશ્કેલ બની હતી. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોલસાના ભાવોમાં 204 ટકાનો ભારે વધારો થયો છે. જેને લીધે કાપડનું કોસ્ટિંગ વધ્યું છે. ગાર ક્વોલિટી પ્રમાણે કોલસાનો ભાવ 10,159 થી 12,350 સુધી ચાલી રહ્યો છે. ડિલર્સ માર્કેટની તરલ સ્થિતિ જોતા એડવાન્સ સામે માલ આપી રહ્યા છે. કોલસાના ભાવો કેલરી ક્વોલિટી પ્રમાણે ટન દીઠ 800 થી 1000 રૂપિયા વધી ગયા છે. કેમિકલ અને ડાઈઝના ભાવો પણ 8 થી 15 ટકા વધ્યા છે.

Most Popular

To Top