National

જમ્મુ કાશ્મીરમાં CRPFનાં બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, નકાબધારી હુમલાખોર CCTVમાં કેદ

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં મંગળવારે સાંજે બુરખો પહેરેલા એક વ્યક્તિએ CRPFના બંકર પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હુમલો કરવા આવેલો ઇસમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. જેના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ શરુ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સૈનિકો પર હુમલા વધી રહ્યા છે. આતંકવાદીઓ ક્યારેક પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે તો ક્યારેક પોલીસ સ્ટેશનો પર હુમલો કરી રહ્યા છે. સૈન્ય જવાનો પરના હુમલા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેણે દરેકને ચોંકાવી દીધા છે. મંગળવારે સાંજે સોપોરના મુખ્ય ચોકમાં બુરખો પહેરેલા એક વ્યક્તિએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.

પેટ્રોલ બોમ્બ ફેંકી નકાબધારી ઈમસ ફરાર
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સામાન્ય દિવસોની જેમ લોકોની અવર-જવર હતી. આ દરમિયાન એક બુરખો પહેરેલો ઇસમ ત્યાંથી પસાર થાય છે તે સમયે પોતાની બેગમાંથી પેટ્રોલ બોમ્બ કાઢીને CRPF બંકર પર ફેંકી દે છે અને ઝડપથી ભાગી જાય છે. ઘટનાના પગલે અફરાતફરી સર્જાઈ હતી. જો કે ત્યાં હાજર સૈનિકોએ પાણી નાખીને બંકરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

ઘટના સ્થળ પર સુરક્ષા વધારવામાં આવી
વિડિયો જોઈને હુમલાખોર પુરુષ હતો કે મહિલા તે જાણી શકાયું નથી. સીઆરપીએફના બંકર પર હુમલાઈ જાણ થતા જ ઘટના બની તે વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું. હાલ તો સુરક્ષા દળો દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટનાની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પહેલા આતંકવાદીઓએ બુધવારે સાંજે શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં CRPFના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટમાં એક CRPF જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હતો.

હુમલાખોરોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ
પોલીસે જણાવ્યું કે શહેરના રૈનાબારી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા વિસ્તારમાં CRPFની 82 બટાલિયનના બંકર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગ્રેનેડ થોડા જ અંતરે વિસ્ફોટ થયો હતો, જેના કારણે નાકા પાર્ટીમાં તૈનાત બે જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યારે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Most Popular

To Top