આણંદ : આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો આરંભ સોમવારના રોજ થયો હતો. જેમાં જિલ્લાના 47861 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પોતાનું ભાવી નક્કી કરવાની રાહ પર ચાલવાનું શરુ કર્યું હતું. પરીક્ષાના પ્રારંભે કલેકટર મનોજ દક્ષિણીએ આણંદ ખાતેની ડી. એન. હાઇસ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, પ્રથમ દિવસે એસસસીમાં 926 અને એચએસસીમાં 108 વિદ્યાર્થીએ ગેરહાજર નોંધાયાં હતાં. આણંદ જિલ્લામાં પરીક્ષાના પ્રથમ દિવસે ધો.10ની ગુજરાતી વિષયની પેપરના પ્રારંભે કલેકટર મનોજ દક્ષિણીએ આણંદ ખાતેની ડી. એન. હાઇસ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં કલેક્ટરે કોરોના કપરાકાળને કારણે વિદ્યાર્થીઓને લખવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા શાળાઓ સાથે સંકલન કરીને શાળાના આચાર્યો,વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો લખવામાં કોઇ મુશ્કેલી ન પડે તેની વિશેષ કાળજી રાખી હતી. આ માટે સુપરવાઇઝરો અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હોવાનું હતી.સાથેસાથે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોના ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવાની સાથે કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં માટે જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની સ્કોવર્ડ ટીમની રચના કરવામાં આવી હતી. કલેકટર મનોજ દક્ષિણીની સાથે જિલ્લા શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરી, શાળાના આચાર્ય ખુશાલભાઇ સિંધા સાથે રહ્યા હતા. આ ઉપંરાત ધો.10 અને ધો.12ની પરીક્ષાના સુચારૂં સંચાલન માટે ધો.10 માટે ત્રણ (૩) ઝોન તથા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માટે એક ઝોનની રચના કરવામાં આવી છે. અલબત્ત, આણંદની ડીએન હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં એક કોપી કેસ નોંધાયો હતો.
કલેકટરની સંવેદના, દિવ્યાંગ વિદ્યાર્થીને હાથ પકડી વર્ગખંડ સુધી દોરી ગયા
આણંદની ડી. એન. હાઇસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવી રહેલા એક દિવ્યાંગ વિદ્યાર્થીને જોઇને કલેકટરે તે વિદ્યાર્થીનો હાથ પકડી તેને વર્ગખંડ સુધી દોરી ગયા હતા. બાદમાં પરીક્ષા શરૂ થવાના સમય પહેલાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના વર્ગખંડમા પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ સાથે તેમની પાટલી પર બેસીને તેઓની સાથે વાર્તાલાપ કરી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ડી. એન. હાઇસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્રોના વિવિધ ખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇપણ જાતની ચિંતા કે ગભરાટ રાખ્યા વગર પરીક્ષા આપવાનું જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આણંદ જીલ્લાના 20 વિદ્યાર્થીઓને લહિયાની મદદ આપવામાં આવી
જિલ્લામાં શારિરીક ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રના ઉતરો લખી શકવાની અસમર્થતાં લઇને ધો10 અને 12 માં 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે લહિયાઓની મદદ માંગણી કરી હતી જે સવારથી જ કેન્દ્ર ઉપર હાજર રહ્યા હતા. લહિયાઓની સેવા લેનાર ઉમેદવારે લહિયાઓને પ્રતિકલાક રૂા 50 લેખે ત્રણ કલાકના રૂા150 મહેનતાણું ચુકવવામાં આવશે.
વર્ગખંડમાં સીસીટીવી કેમેરા મુકવાં આવ્યા છે
કલેકટરએ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં તથા વિદ્યાર્થીઓ ચિંતામુકત બની નિર્ભયપણે પરીક્ષાઓ આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગોના તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. જેથી ગેરરીતિને કોઇ અવકાશ ન રહે અને વિદ્યાર્થીઓ શાંતચિત્તે પરીક્ષા આપી શકે.
ખેડામાં ધો.10ની પરીક્ષામાં પ્રથમ દિવસે 1112 વિદ્યાર્થી ગેરહાજર
નડિયાદ: ખેડા જિલ્લામાં સહિત સમગ્ર ગુજરાતભરમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ ૧૦ માં ૧૧૧૨ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૭ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લામાં એકપણ કોપીકેસ નોંધાયો ન હતો.
ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં સોમવારથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ખેડા જિલ્લામાં સોમવારના રોજ બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ ૧૦ માટે લેવાયેલા ગુજરાતીના પેપરમાં ૨૪,૦૮૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે ૧૧૦૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. અંગ્રેજીના પેપરમાં ૧૩૫૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે ૬ વિદ્યાર્થીઓએ ગુલ્લી મારી હતી. હિન્દીના પેપરમાં તમામ ૧૫ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે સંસ્કૃત (પ્રથમા) ના પેપરમાં ૬૦ વિદ્યાર્થીઓ હાજર અને ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આમ, ધોરણ ૧૦ ની પરીક્ષાના પ્રથમ દિવસે કુલ ૧૧૦૨ વિદ્યાર્થીઓની ગેરહાજરી જોવા મળી હતી. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વોના પેપરમાં કુલ ૩૮૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૮૪૩ વિદ્યાર્થીઓ હાજર અને ૪૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિકશાસ્ત્ર (ફિઝીક્સ) ના પેપરમાં કુલ ૨૫૭૦ પૈકી ૨૫૫૧ વિદ્યાર્થીઓ હાજર અને ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લામાં એકપણ કોપીકેસ નોંધાયો ન હતો.
ખેડા કલેક્ટર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી
સોમવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે. ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. શહેરની જીવન વિકાસ હાઇસ્કૂલમાં અને સંત અન્ના હાઇસ્કૂલમાં ઉપસ્થિત રહી કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને ગુલાબનું ફુલ તથા સાકર આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, તમામ નકારાત્મક વિચારો બાજુ પર રાખી ઉજ્જવળ ભવિષ્ય માટે સજ્જ થાઓ. વિદ્યાર્થીઓને વાંચનની સાથે સાથે પૌષ્ટીક ખોરાક, પ્રાણાયામ અને પૂરતી ઊંઘ એકાગ્રતા વધારવા મદદરૂપ થાય છે. તેઓએ પરીક્ષાર્થીઓને બિનજરૂરી ડર, ભય કે તનાવ વગર સ્વસ્થ થઇ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષામાં માર્ગદર્શન આપવા જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો
આણંદ જિલ્લાની તમામ શાળાઓ સાથે સીધો સંપર્ક અને સંકલન થઇ શકે તેમજ પરીક્ષાર્થી, વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન આપવાના હેતુથી આણંદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ સવારના 7 થી રાત્રિના 8 સુધી કાર્યરત કરવામાં આવેલ છે. જેનો ફોન નંબર 02692-264153 છે. જયારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી (ગાંધીનગર અને વડોદરા) ખાતે રાજય કક્ષાનો 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર 079-65722116 અને 079-65722117 અને વડોદરા સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર 0265-2433245 છે તથા બોર્ડનો ટોલ ફ્રી નંબર 1800-2333-5500 છે.
દિવ્યાંગ બાળકોએ વિકલાંગ બોર્ડના પરીક્ષાર્થીઓને આવકાર્યા
ખંભાતની જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળાના બાળકોએ માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પેન,પુષ્પ, કંકુ તિલક અને ચોકલેટ આપી આવકારતા દ્રદયભાવક દ્રશ્યો સર્જાયાં હતા. દિવ્યાંગ બાળકો નિર્દોષ ભાવે સહુને આવકારતા વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઇ હતી. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ અને પી.ડી.જી ભરતભાઈ શાહ, હર્ષ બ્રહ્મભટ્ટ, સી.કે. બ્રહ્મભટ્ટ, કોકિલાબેન બ્રહ્મભટ્ટ, શૈલેષભાઇ રાઠોડ, હેમલ શાહ સહિત શિક્ષકો, અગ્રણીઓ હાજર રહ્યાં હતાં અને બાળકોનું સ્વાગત કર્યું હતું.
મહીસાગર જીલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 54 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી
લુણાવાડા | મહીસાગર જિલ્લામાં સોમવારથી એસએસસી/એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણાધિકારી પી.એન. મોદી સહિત શાળા પરિવારે લુણાવાડાની એસ કે. હાઈસ્કૂલ ખાતે પરિક્ષાર્થીઓને કુમકુમતિલક ગુલાબનું પુષ્પ તેમજ મોં મીઠું કરી પરીક્ષાકેન્દ્ર ખાતે પ્રવેશતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય શુભકામનાઓ પાઠવી હતી. મહીસાગર જીલ્લામાં એસએસસી/એચએસસી માં કુલ 28,719 પરિક્ષાર્થીઓની બોર્ડની પરિક્ષાનો આજથી શાંતિપુર્ણ માહોલમાં આરંભ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસએસસી/ એચએસસી બોર્ડની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે આગોતરું આયોજન કરી તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 54 પરીક્ષાના કેન્દ્રો માટે કુલ 103 બિલ્ડીંગમાં ૧૦૩૬ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડની પરિક્ષાને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ પરીક્ષા ખંડ સીસીટીવી મોનીટરીંગથી સજ્જ કરાયા છે. પરીક્ષા બિલ્ડીંગની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.