નડિયાદમાં કળીયુગનો શ્રવણ માતાની જ કાર ચોરી ગયો

નડિયાદ: નડિયાદના વૈશાલી રોડ પર રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલાએ તેના જ પુત્ર સામે ચોરીની ફરિયાદ આપી હતી. શિક્ષિકાના છુટાછેડા બાદ તેનો પુત્ર આણંદ પિતા સાથે રહેતો હતો. જોકે, અવર જવર દરમિયાન માતાની લાગણીનો દુરપયોગ કરી તેમના નામે લોન લઇ કાર ખરીદી હતી. જે કાર તે ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નડિયાદમાં વૈશાલી રોડ પર આવેલ બેન્ક સ્ટાફ સોસાયટીમાં રહેતાં અને કુબેરપુરામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં જાગૃતિબેન પરષોત્તમભાઈ ગોરેએ સન ૧૯૯૨ માં કમલેશ રતીલાલ પુરોહિત સાથે લગ્ન કર્યાં હતાં. તેઓને સંતાનમાં એક પુત્ર રવિ છે. જોકે, પુત્રના લગ્ન બાદ જાગૃતિબેન અને કમલેશભાઈ વચ્ચે અણબનાવ બનતાં તેઓએ રાજીખુશીથી છુટાછેડા લીધાં હતાં. જે બાદ રવિ તેના પિતા કમલેશભાઈ સાથે આણંદમાં રહેતો હતો.

આણંદમાં રહેતો રવિ અવારનવાર નડિયાદમાં રહેતી પોતાની માતા જાગૃતિબેનને મળવા આવતો હતો. દરમિયાન જાગૃતિબેનને સેકન્ડહેન્ડ ગાડી ખરીદવી હોવાથી તેમનો પુત્ર રવિ 10 લાખ રૂપિયામાં સેકન્ડહેન્ડ ઈનોવા ગાડી શોધી લાવ્યો હતો. ગાડી સારી કન્ડીશનમાં હોવાથી જાગૃતિબેને તે ખરીદવા તૈયારી દર્શાવી હતી. જેથી રવિએ તેની માતા જાગૃતિબેનના નામે એક ખાનગી બેંકમાં રૂ.6 લાખની લોન કરી આપી હતી. જ્યારે બાકીની રૂ.4 લાખની લોન જાગૃતિબેને શિક્ષક સમાજની મંડળીમાંથી લઈને ઈનોવા ગાડી નં જીજે ૦૬ એચએલ ૭૩૭૪ ખરીદી હતી. જે બાદ ગત તા.૬-૬-૨૧ ના રોજ રવિ તેની માતા જાગૃતિબેનના ઘરે આવ્યો હતો અને હું આ ગાડી લઈને જાઉ છું, તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ગાડી લઈને જતો રહ્યો હતો. જે બાદ જાગૃતિબેને પોતાના પુત્ર રવિને અવારનવાર ફોન કરી તેમજ રૂબરૂમાં તેના ઘરે જઈને ગાડી પરત માંગી હતી. જોકે, રવિએ તેની માતાને ગાડી પરત ન આપતાં આખરે જાગૃતિબેને પોતાની રૂ.6 લાખની કિંમતની ઈનોવા ગાડીની ચોરી કરી લઈ જનાર પોતાના જ પુત્ર રવિ સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે રવિ કમલેશભાઈ પુરોહિત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top