સુરત: ચકચારિત ગ્રીષ્મા હત્યા કેસ(Grishma Murder case)માં એક મહિનાની ટ્રાયલમાં વિવિધ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આજે શનિવારે તમામ સાક્ષીઓની જુબાની પુરી થતા હવે સોમવારે ફરિયાદ પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવશે. ત્યારબાદ ફાઇલન સ્ટેટમેન્ટ અને બાદમાં આ કેસમાં ઝડપથી ચૂકાદો આવે તેવી શક્યતા છે.
- ચકચારિત ગ્રીષ્મા હત્યા કેસમાં આગામી 10 દિવસમાં કેસનો ચૂકાદો આવે તેવી શક્યતા
- એક મહિનાની ટ્રાયલમાં વિવિધ સાક્ષીઓની જુબાની લેવામાં આવી
- તમામ સાક્ષીઓની જુબાની પુરી થતા હવે સોમવારે ફરિયાદ પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવશે
પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં સુરતની કોર્ટમાં કમિટ થયા બાદ એક મહિના સુધી ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા અંદાજીત 70 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં આ કેસમાં કુલ્લે 300 જેટલા આંક પડ્યા છે. આજે શુક્રવારે ફરિયાદ પક્ષ દ્વારા આ કેસના મહત્ત્વના ગણાતા બે એફએસએલના અધિકારીઓની પણ જુબાની લેવામાં આવી હતી. આજે તમામ સાક્ષીઓની જુબાની પુરી થઇ જતાં હવે સોમવારે ફરિયાદ પક્ષ દ્વારા કોઇ વધુ સાક્ષીઓ તપાસવાના નથી તેવી ક્લોઝિંગ પુરસીસ આપવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ દલીલ અને આગામી 10 દિવસ જેટલા સમયમાં આ કેસનો ચૂકાદો આવે તેવી પણ શક્યતા છે.
ફેનિલે બહેનને ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો
કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. એફએસએલના અધિકારીઓની અધુરી રહેલી જુબાની પુરી થતાં સરકારપક્ષનો પુરાવો પૂર્ણ થયો છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ઈન્સ્ટાગ્રામ પર કરેલા મેસેજ સંદર્ભે વધુ એક એફએસએલના અધિકારીને સાક્ષી તરીકે આજે તપાસ્યા હતા. ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો જે અંગે એફએસએલના અધિકારીની વધુ જુબાની લેવાઈ હતી. ત્યારબાદ બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.
સરકારપક્ષે 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આગામી તા.29મી માર્ચના રોજ આરોપી ફેનિલના ફર્ધર સ્ટેટમેન્ટ તથા ત્યારબાદ 30મી માર્ચથી આ કેસમાં સરકારપક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે.
કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો
સુરતનાં ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો અને આ વિડીયોમાં લોકોની ચીસાચીસ સંભળાતી હતી. લોકો ગ્રીષ્માને છોડી દેવા માટે બૂમો પાડતા હતા. પરંતુ ફેનિલે લોકોની એક વાત માની ન હતી અને ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી નાંખી હતી. આજે કામરેજ પીઆઇની સરકાર તરફે સરતપાસ પુરી થઇ હતી, જ્યારે બચાવપક્ષના વકીલે પીઆઇની ઉલટતપાસ શરૂ કરી હતી. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા હવે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ
આ કેસની વિગત મુજબ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આજે આ કેસના મુખ્ય સાક્ષી ગણાતા કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગીલાતરની જુબાની લેવામાં આવી હતી, બાકી રહેલી સરતપાસ આજે પુરી કરવામાં આવી હતી. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કામરેજ પીઆઇની જુબાની લીધી હતી. ત્યારબાદ બચાવપક્ષના વકીલ ઝમીર શેખએ કામરેજ પીઆઇની ઉલટ તપાસ લેવાનું શરૂ કર્યું હતું. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા ઉલટતપાસ અધૂરી રહી હતી. હવે આવતીકાલે વધુ જુબાની લેવામાં આવશે. આજરોજની જુબાનીમાં કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ વિડીયોમાં લોકોની બૂમાબૂમ સંભળાતી હતી. આ વિડીયોના આધારે કામરેજ પીઆઇની સરતપાસ અને ઉલટતપાસ કરવામાં આવી હતી.