બે વર્ષ પછી, ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’માં પરેશ રાવલની કો-સ્ટાર તરીકે પ્રશંસા મેળવનારી સુંદર અભિનેત્રી માનસી પારેખ હવે એક્ટર શરમન જોશી સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે, તમને જણાવી દઈએ કે માનસી આ પહેલા બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં જોવા મળી હતી આ સિવાય તેઓ ગુજરાતી હિટ ફિલ્મ ‘ગોળ કેરી’ સિવાય વેબ સિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં મલ્હાર ઠાકર સાથે લીડ ભૂમિકા પ્લે કરી હતી.પોતાના વ્યસ્ત શેડ્યુલની સાથે માનસી પારેખે ‘ગુજરાત મિત્ર’ સાથે ખાસ વાતચીત કરી હતી જેના મુખ્ય અંશ પેશ
બે વર્ષ પછી તમે ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’માં દેખાયા, આ સિવાય તમે કઈ આગામી ફિલ્મમાં જોવા મળશો?
માનસી પારેખ: ડિયર ફાધર પછી હું શરમન જોશી સાથે એક ફિલ્મ કરી રહી છું, વચ્ચે મેં પંકજ જી, ડિમ્પલ જી સાથે એક હિન્દી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે જે ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, આ સિવાય હું એક ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છું!
‘ડિયર ફાધર’ ફિલ્મમાં પહેલીવાર પરેશ રાવલ સાથે કો-સ્ટાર તરીકે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
માનસી પારેખ: ખૂબ જ સરસ રહ્યો, પરેશ જી ખૂબ જ દિગ્ગજ કલાકાર છે, તેમની સાથે કામ કરવાનું દરેક કલાકારનું સપનું હોય છે અને પરેશ જી સાથે કામ કરીને ઘણું શીખવા મળ્યું, અને સૌથી મોટી વાત એ હતી કે મારા તેમની સાથે ઝઘડા કે ઈમોશનલ સીન્સ છે.તેમાં તેઓએ ઘણો સપોર્ટ કર્યો છે અને જ્યારે પણ તેઓ સેટ પર આવે છે, ત્યારે તેઓ તેમની સાથે 150 ફિલ્મનો અનુભવ લઈને આવે છે. પરંતુ તે ખૂબ જ હંબલ અને મહેનતુ છે!
તમે ‘ઉરી’માં વિકી કૌશલ સિવાય અન્ય મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, અને હવે તમે સતત ફિલ્મ કરી રહ્યા છો, છેલ્લી ફિલ્મોનો તમારો અનુભવ નવા પ્રોજેક્ટ માટે કેટલો મદદરૂપ સાબિત થાય છે?
માનસી પારેખ: મને લાગે છે કે તમે દરેક પ્રોજેક્ટમાં કંઈકને કંઈક શીખો છો, મેં ‘ઉરી’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, અને તેમાં મને ઘણો સારો અનુભવ રહ્યો, અને પછી મલ્હાર ઠાકર સાથેની ‘ગોળ કેરી’, જે ખૂબ જ સારી ફિલ્મ હતી, અને તે ફિલ્મ બૉક્સ ઓફિરમાં પણ હિટ રહી હતી., એવું કહેવાય છે કે જ્યારે તમે સતત કામ કરો છો, ત્યારે તમને ઘણો અનુભવ મળે છે, અને હવે ફિલ્મ બેક ટુ બેક આવી રહી છે તેથી ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે, નોર્મલી લોકો કહે છે કે લગ્ન અને બાળકો પછી અભિનેત્રીની કારકિર્દી ખતમ થઈ ગઈ પરંતુ મારી કારકિર્દી લગ્ન અને બાળકો પછી. ઘણી સફળ રહી છે પછી તે ટેલિવિઝન હોય કે ફિલ્મ.!
તમે ટીવી અને ફિલ્મોમાં ઘણા સ્ત્રી પાત્રોને જીવ્યા છે, તમે તમારા વાસ્તવિક જીવનમાં તે પાત્રોને કેટલા અનુભવ્યા છે?
માનસી પારેખ: ‘ડિયર ફાધર’માં મારું પાત્ર અલકાનું છે તેજ રીતે હું રિયલ લાઈફમાં પણ વર્કિંગ વુમન છું, અને મેં ઘણી બધી ગૂંચવણો પણ જોઈ છે અને અનુભવી છે, તેથી મને એ પાત્રમાં સમાનતા જોવા મળી છે, મારુ માનવું છે કે અભિનેત્રીના જીવનમાં દરેક પાત્રનો કોઈને કોઈ અંશ હોય છે. અને તમે તેને કેવી રીતે બહાર કાઢો છો તે તમારે નક્કી કરવાનું હોય છે.!
ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ બોલિવૂડ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, છતાં એક અભિનેત્રી તરીકે તમે ગુજરાતી ફિલ્મોમાં કેવો બદલાવ જોવા માંગો છો?
માનસી પારેખ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા પ્રતિભાશાળી લોકો છે, સારા દિગ્દર્શકો, લેખકો છે, છતાં ક્યારેક એવું લાગે છે કે, જ્યારે જોખમ લેવાની વાત આવે છે ત્યારે બહુ ઓછા લોકો જોખમ લે છે, જોકે હું પોતે નિર્માતા છું, મેં પણ ‘ગોળ કેરી’ પ્રોડ્યુસ કરી છે. અને હું એક નવી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છું, તેના વિશે અત્યારે જણાવી શકું તેમ નથી, પરંતુ તમે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરો, તમારે તેનો આનંદ લેવો જોઈએ, અને જો તમને લાગે છે કે તેમાં કોઈ બદલાવીની જરૂર છે, તો પછી તમારી પાસે તે ક્ષમતા હોવી જોઈએ.જેથી તમે તેમાં પરિવર્તન લાવી શકો, તેથી જ હું એક નિર્માતા તરીકે જે કામ જોવા માંગુ છું તે હું બનાવી રહી છું. અને જે બદલાવની જરૂર છે તે અમે ફિલ્મ બનાવીને કરવા માંગીએ છીએ. ગુજરાતી ફિલ્મોમાં એવું થાય છે કે કાં તો કોમેડી બને છે અથવા તો રોમકોમ જેવી ફિલ્મો બને છે જેનું સેટઅપ સરખું જ હોય છે, તેથી અમે અમારી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો અને અલગ-અલગ વાર્તાઓ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.!
તમે તમારી અભિનય કારકિર્દીની સાથે તમારા અંગત જીવનનો આનંદ કઈ રીતે માણો છો?
માનસી પારેખ: જ્યારે હું ફ્રી રહું છું ત્યારે મને મારા પરિવાર અને મારી દીકરી અને પતિ સાથે સમય પસાર કરવાનું ગમે છે અને હું આ બધી બાબતોને બેલેંસ કરીને કામ કરું છું, મારા જેવી ઘણી સ્ત્રીઓ હશે જેઓ કામ સાથે પરિવારની જવાબદારીને બેલેંસ કરીને કામ કરે છે. જ્યારે હું મહિનાઓ સુધી બહાર હોઉં છું, ત્યારે મારી મોમ અથવા મારા હસબન્ડ મારી દીકરીની સંભાળ રાખે છે હું મારા કામ દ્વારા લોકોને બતાવવા માંગુ છું કે તમે સફળ અભિનેત્રી સાથે સફળ જીવન જીવી શકો છો.!
જ્યારે કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટની ઑફર મળે ત્યારે તમે તમારા હસબન્ડની સલાહ લો છો?
માનસી પારેખ: હું સલાહ નથી લેતી કારણ કે તેમનું ફિલ્ડ અલગ છે, પરંતુ તેમની સાથે પ્રોજેક્ટ વિશે ચર્ચાઓ થતી રહે છે.અમારી વચ્ચે ખુલ્લા અને સમજદારીનો સંબંધ છે. અમે અમારી કારકિર્દીમાં હંમેશા એકબીજાને સપોર્ટ કરીએ છીએ.