ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200 કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કરાશે.
- વલસાડથી ગીર સોમનાથ થઈ કચ્છ નારાયણ સરોવર સુધીના 1600 કિ.મી.ના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન
- દક્ષિણ ગુજરાતમાં માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ : પૂર્ણેશ મોદી
વિધાનસભામાં માર્ગ મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, વલસાડથી ઉમરગામ થઈને નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરંબદર, દ્વારકા, જામનગર, મોરબી જિલ્લામાંથી પસાર થતાં અને કચ્છના નારાયણ સરોવર સુધીના 1600 કિમીના કોસ્ટલ હાઈવેના વિકાસ માટે 2400 કરોડનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ હાઈવેના વિકાસના પ્રોજેકટ હાથ ધરાશે.
રાજ્યમાં 1200 નવી બસ ખરીદાશે
વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસીડી આપવા 106 કરોડની બજેટમાં જોગવાઈ કરી છે. રાજ્યમાં જુદી જુદી 1200 નવી બસો ખરીદવા માટે 367 કરોડની જોગવાઈ કરાઈ છે.
સરકારી કાર્યક્રમોમાં એસ.ટી. બસોનો ઉપયોગ કરી તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેવા યુક્ત નિગમ છે. અવાર નવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી. બસનો ઉપયોગ કરી ભાડું ચૂકવાતું ન હોવાને કારણે નિગમ ખોટમાં જાય છે, તેવું વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.
સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું હતું કે એસ.ટી.માં ડ્રાયવર-કંડક્ટરની જગ્યાઓ ખાલી છે, તેમની ભરતી પ્રક્રિયા બંધ હોવાના કારણો શું છે ? ડ્રાઈવર-કંડક્ટર વગર ગામડાની બસો બંધ કરી દેવામાં આવે છે, જેથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં, કોર્ટ કચેરીના કામે આવતા પ્રજાજનોને મુશ્કેલીઓ ઉભી થાય છે. ખાસ કરીને ગામડાની બસોનું સંચાલન નિયમિત થાય એની કાળજી રાખવી જરૂરી છે.