ગુડગાંવ: શેરબજાર(stock market)માં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટના દિગ્ગજ હીરો મોટોકોર્પ(Hero MotoCorp)ના ચેરમેન પવન મુંજાલનાં ઘરે આવકવેરા વિભાગે(IT) દરોડા પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવકવેરા વિભાગની ટીમ તેની ગુડગાંવ ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ટીમ ઘર અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજો જોઈ રહી છે
- મુંજાલ પર બોગસ ખર્ચ બતાવવાનો છે આરોપ
- રેઈડના સમાચાર મળતા જ સ્ટોકમાં ઘટાડો શરૂ થયો
- હીરો વૈશ્વિક બેન્ચમાર્ક સાથે 8 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે
મુંજાલ પર આરોપ છે કે તેણે પોતાના ખાતામાં બોગસ ખર્ચ દર્શાવ્યો છે. આ અંગે આવકવેરા વિભાગ દ્વારા સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IT ટીમને મળેલા કેટલાક શંકાસ્પદ ખર્ચો ઇનહાઉસ કંપનીઓના પણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરોડા હજુ પણ ચાલુ રહેશે. જોકે, Hero MotoCorp કે IT વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી.
હીરો મોટોનો સ્ટોક 2 ટકા ઘટ્યો
દરોડાના સમાચાર બાદ હીરો મોટોકોર્પના શેરમાં ભારે ઘટાડો થયો હતો. શેર રૂ. 2380 થી 2 ટકા નીચે આવી ગયો છે. તે જ સમયે, ઓટો સેક્ટરની અન્ય કંપનીઓના શેર પર પણ દબાણ છે. મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ મોટર 1.5 ટકા સુધી ઘટી ગયા છે.
મોટરસાઇકલ માર્કેટમાં 50 ટકાથી વધુ હિસ્સો
હીરો મોટોકોર્પ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે. જેમાં એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકાનો સમાવેશ થાય છે. હીરો મોટોકોર્પ વૈશ્વિક બેન્ચમાર્ક સાથે 8 ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. તેમાંથી 6 ભારતમાં છે જ્યારે કોલંબિયા અને બાંગ્લાદેશમાં 1-1 છે. ભારતના ટુ વ્હીલર માર્કેટમાં હીરોનું વર્ચસ્વ છે. આ કંપની સ્થાનિક મોટરસાઇકલ માર્કેટમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે