Comments

શિક્ષણમાં નાટકનું મહત્ત્વ સ્વીકારવા જેવું છે

નાટક એ સામુહિક શિક્ષણનું એક મજબૂત માધ્યમ છે. આપણા શિક્ષણજગતમાં આપણે નાટકને ‘શિક્ષણેતર’ પ્રવૃત્તિમાં ગણીએ છીએ પણ વિજ્ઞાનના પ્રયોગોથી માંડીને સામાજિક સમસ્યાઓના સરળ આત્મસંધાન માટે નાટક ઉપયોગી માધ્યમ છે. જો કે ગુજરાતમાં વ્યવસાયી રંગભૂમિ મોટાં શહેરોમાં શનિ-રવિના શો પૂરતી મર્યાદિત બની ગઇ છે અને શાળા કોલેજોમાં નાટય સ્પર્ધા સિવાય નાટકનો ઉપયોગ લગભગ નહિવત્ છે. ગુજરાતમાં નાટયકળા જીવંત છે. યુવાનોમાં જળવાઇ છે. તેમાં પણ આ નાટયસ્પર્ધાઓ અને તે માટે વિદ્યાર્થીઓને તાલીમ આપનારા અધ્યાપક, શિક્ષકનો ફાળો વધારે મહત્ત્વનો છે. ડો. સતીશ વ્યાસ, શ્રી જયોતિ વૈદ્યની પરમ્પરામાં નવી પેઢી સાથે કામ કરનારા શ્રી કમલ જોષી, દીપુ પબરેજા, આશિષ ઠાકર, નાટયકળા માટે અધ્યાપકની નોકરી છોડીને અભિનયસમર્પિત, લેખનસમર્પિત સૌમ્ય જોષી જેવા અનેક યુવા શિક્ષક – અધ્યાપક આ કળાને જીવાડવાનો પ્રયત્ન કરે છે. ઉજામાં અસાઇત સાહિત્યસભા અને ‘કલાવિમર્શ’ સામયિક ચલાવતા શ્રી વિનાયક રાવલ જાણે અસાયત ઠાકરનું કામ આગળ ધપાવે છે.

ગુજરાતના લોકનાટય ‘ભવાઇ’ને ટકાવવાના તેમના પ્રયત્નોને હવે સૌના સાથની જરૂર છે. આજે ગુજરાત પાસે ભવાઇના સાચા સ્ટેપ અને તે મુજબના તાલ જાણનારા ગણ્યાગાંઠયા કલાકારો તથા વાદકો છે અને ભવાઇની ભૂંગળ વગાડનારા તો લગભગ નામશેષ થઇ ગયા છે. ખેર, આપણે વાત કરવી છે નાટયકળાના શિક્ષણમાં મહત્ત્વની. નાટયકળાનો કસબ આપણામાં અનેક ગુણ વિકસાવે છે. શાળા કોલેજમાં નાટક તૈયાર કરવાની પ્રક્રિયા જ એક સહજ શિક્ષણની પ્રક્રિયા બને છે. નાટક સૌ પ્રથમ યાદશકિત મજબૂત કરવામાં મદદ કરે છે. નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થી નાટકના પંદરથી પચાસ પાનાં વાંચે છે. ભજવવા માટે યાદ રાખે છે. તે માત્ર પોતાના સંવાદ જ યાદ રાખવા તેવું કરી શકતો નથી.

તેણે સામેનાં પાત્રોના સંવાદ પણ યાદ રાખવા પડે છે. તો જ તે સારી રીતે નાટક યાદ રાખી શકે, ભજવી શકે! હવે મગજ એક કોમ્પ્યુટર છે. તેને પચાસ પાનાં યાદ રાખવાની ટેવ પડી જાય છે પછી તે કોઇ પણ બાબતના પચાસ પાનાં યાદ રાખી શકે છે. વિજ્ઞાનના, સમાજશાસ્ત્રના, ઇતિહાસના… કોઇ પણ… એટલે નાટયપ્રવૃત્ત એ વિદ્યાર્થીની યાદશકિત તેજ કરવામાં મદદરૂપ બને છે. નાટક બાળક કે યુવાનનું ભાષાકૌશલ સુધારે છે. નાટક ભજવતાં પહેલાં વાંચવું પડે છે. મોટેથી આરોહ – અવરોહથી બોલવું પડે છે. માટે વ્યકિતનો પોતાના બોલવા ઉપર કાબૂ આવે છે. ‘શબ્દોને પણ પકડી શકાય છે.’ એ વાત નાટક શિખવાડે છે! નાટક આજના યુવાનોને એક અગત્યનો ગુણ શિખવાડી શકે છે અને તે છે ધીરજ! રાહ જોવાની!

હા, નાટક તૈયાર થાય એ પ્રક્રિયામાં બધાં જ પાત્રો આવી જાય એની રાહ જોવી પડે છે અને નાટક ભજવાય ત્યારે આપણો વારો આવે ત્યારે જ સંવાદ બોલવા રાહ જોવી પડે છે. આમ નાટક રાહ જોતાં શીખવાડે છે. જેનાથી ધીરજ વિકસે છે. જીવનમાં પણ આપણો વારો આવે ત્યારે જ બોલવું અને જેટલું જરૂરી છે એટલું જ બોલવું! એ સમજાઇ જાય તો ભયોભયો! મિડિયાના આ યુગમાં પણ સત્તાવાળા નાટકથી ડરે છે. માટે જ આજે પણ નાટકની જાહેર ભજવણી માટે તેની ‘સ્ક્રિપ્ટ’ સત્તાવાળા પાસે મંજૂર કરાવવી જરૂરી છે અને વાત પણ સાચી છે. નાટક જીવંત કળા છે. માણસની સમસ્યા, માણસ અનુભવે છે, માણસ ભજવે છે અને માણસને પહોંચાડે છે. આ માધ્યમ સશકત છે. માટે જ સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ નાટય રૂપાંતર કરીને રજૂ કરવામાં આવે ત્યારે તે વધારે અસરકારક બને છે.

શાળા કોલેજોનાં નાટકોનો આ લાભ મોટો છે. વિદ્યાર્થીઓ જે નાટક ભજવે છે તે તેમણે પહેલાં સમજવું પડે છે. એટલે કોઇ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર ઘટનાનું નાટક બાળકો ભજવે છે ત્યારે પહેલાં તો એ પોતે જ સમજે છે અને પછી તે જોનારા યુવાનો -બાળકો તે સરળતાથી સમજે છે! આમ નાટક સામાજિક નિસ્બત સર્જે છે. તે સમૂહ ભાવના વિકસાવે છે. તે ટીમવર્કને મોટું કરે છે અને નાટકમાં નાનામાં નાનું પાત્ર પણ ખૂબ અગત્યનું છે એ વાત સમજાવે છે. જે જીવનમાં પણ તેને સત્ય લાગે છે. શિક્ષણમાં આપણે ચોક-બોર્ડથી બહાર જઇને કે લેપટોપ – પ્રોજેકટરથી અંજાયા વગર વિદ્યાર્થીની સીધી ભાગીદારી વધારતા નાટયપ્રયોગોનો ઉપયોગ વધારવા જેવો છે. શિક્ષણમાં નાટક ખૂબ અગત્યનું છે અને શિક્ષણનું નાટક ખૂબ ગંભીર.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top