આઇસીસી મહિલા વન ડે વર્લ્ડકપમાં અત્યાર સુધી ઉતારચઢાવવાળું પ્રદર્શન કરનારી ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશવાની પોતાની આશાને જીવંત રાખવા માટે આવતીકાલે મંગળવારે અહીં રમાનારી બાંગ્લાદેશ સામેની મેચમાં કોઇપણ ભોગે જીત મેળવવી જરૂરી છે. ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સાતત્યપૂર્ણ રહ્યું નથી. ભારતીય ટીમે પાંચ મેચમાંથી માત્ર બે મેચ જીતી છે અને ત્રણ મેચ હારી છે.
ભારતીય ટીમે જે મેચમાં એક યુનિટની જેમ પ્રદર્શન કર્યું છે તેમાં તેમણે જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે તેમનું પ્રદર્શન એકંદરે એટલું સારું રહ્યું નહોતું. ઓસ્ટ્રેલિયા સામે બેટરો ચાલ્યા તો બોલરો ફેલ ગયા. જ્યારે ઇંગ્લેન્ડ સામે બેટરો ફેલ ગયા એટલે બોલરો પાસે એટલું ઝાઝુ કરવાનું રહ્યું નહોતું. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને બહાર મુકીને શેફાલી વર્માને તક આપી હતી, જો કે તેનાથી કોઇ મોટો ફાયદો થયો નહોતો. આ ઉપરાંત બેટીંગમાં રિધમમાં ચાલી રહેલી હરમનપ્રીત કૌર પાસે ઓફ સ્પીનર તરીકે હજુ સુધી બોલિંગ કરાવવામાં આવી નથી.
હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે રમાનારી મેચમાં ટીમ મેનેજમેન્ટ શેફાલી પર વિશ્વાસ જાળવી રાખે છે કે પછી યાસ્તિકા ભાટિયા અને સ્મૃતિ મંધાના પાસે દાવની શરૂઆત કરાવે છે. કેપ્ટન મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રિધમ મેળવી લીધી છે ત્યારે હવે સ્મૃતિ મંધાના પણ આવતીકાલની મેચમાં મોટી ઇનિંગ રમવા માગશે.
મહિલા વર્લ્ડકપ : આજે બાંગ્લાદેશ સામે ભારત માટે જીત જરૂરી
By
Posted on