Business

ધૂમ ધૂધૂમ ધૂમ…. અસ્સલ સુરતીઓના રંગથી રંગાયેલો ઘીસનો વરઘોડો

દરેક પ્રજાકીય ઉત્સવ, દરેક લોક ઉત્સવ અનિવાર્યપણે લોકોમાં રહેલી કળાને પ્રગટ કરનારા હોય છે. એમાં વ્યવસાયિક કલાકારોનું કામ જ નથી હોતું. એ ઉત્સવો પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય છે ને તેના ગૂઢ રહસ્યો ઉત્સવ નિમિત્તે લોકો જે કાંઈ કરે તેમાં પ્રગટ થતા હોય છે. હમણાં હોળી-ધુળેટીનું પર્વ ચાલી રહ્યું છે અને તે ફક્ત કેલેન્ડરમાં સૂચિત તિથી-તારીખ પૂરતો મર્યાદિત નથી. ગુજરાત જ નહીં દેશનાં અનેક રાજ્યોમાં હોળી-ધુળેટીનો મહિમા દિવાળી કરતાંય વધારે છે. સૂરત જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં તમને આ ફાગોત્સવ બરાબર ઉજવાતો જણાશે. વૈષ્ણવોમાં ઉજવાતા ફાગોત્સવનો મહિમા વળી જુદો છે અને તે તો તેમની હવેલીમાં જાવ ત્યારે જ પામી શકો.

આ બધાથી અલગ સુરતમાં જે ઘીસનો વરઘોડો નીકળે તે છે ગુજરાતમાં આ ઘીસનો વરઘોડો સુરત સિવાય ક્યાંય નથી નીકળતો પણ તે માટે તમારે મૂળ સુરતીઓ જ્યાં વસે છે તે શેરીઓમાં જવું પડે. ધૂમ ધૂધૂમ ધૂમ.. ધૂમ ધૂધૂમ ધૂમ ઢોલનાદે તમારા શરીરના અંગે અંગમાં ઘીસનો ઉત્સવ ઊતરી આવશે. આ એક પરંપરા છે. વિત્યા થોડા વર્ષથી તે ઝાંખી પડી છે પણ સુરતીઓ તેના વિના તો સૂના પડી જાય એટલે ફરી તક મળે એટલે ઘીસ નીકળે. આ વર્ષે તો દસેક શેરીઓ તેમાં ભળી છે એટલે તેનો તાલ જોવા જેવો છે. એક સમયે સુરતના બાર પરા વિસ્તારોમાંથી આ ઘીસનો વરઘોડો, ઢોલ-ત્રાંસના નાદ સાથે નીકળતો અને તે અંગ્રેજ સરકાર હતી ત્યારથી નીકળે છે. એ વરઘોડો જે ગલી-મહોલ્લામાં જાય એ ગલી-મહોલ્લાના મહાજન વરઘોડોમાં જોડાતા જાય. દરેક શેરીનું મંડળ તેની તૈયારી તો દિવસોથી કરીને બેઠું હોય. એ દિવસોની શેરીઓ જ જુદી. ઘરે ઘર ઉજવણું લાગે. ખાણી-પીણી થાય. એ સમૂહનો ઉત્સવ છે ને આનંદોત્સવ છે. તેમાં સુરતીઓની એકતા પણ સહજ મૌજના ભાવે પ્રગટ થઈ આવે. બીજું કે આ એવો આનંદોત્સવ છે જે આકે તે કોઈ જ્ઞાતિ- સમાજ પૂરતો નથી. પ્રચલિત રિવાજ તો એવો હતો કે જેને હલકી કોમ ગણો તેના યુવકને વરરાજા બનાવાતો. તેના માથે ટપલીઓ મારી પૈસા અપાતા અને એ રીતે મદદ કરાતી.

હવે એકદમ અસ્સલ રીતે તો ઘીસનો વરઘોડો નથી નીકળતો પણ અસ્સલ રીતમાં તો આગળનાં ભાગે મશાલ ચાલતી હોય અને એ મશાલ ઢોલ-ત્રાંસના ચામડાને ગરમ પણ રાખતી જેથી ઢોલ ધીમાં ન પડે. આ ઢોલ-ત્રાંસા વગાડનારા કોઈ બેન્ડમાંથી આવ્યા ન હોય. બલ્કે શેરીના જ હોય અને તેઓ જે ચાલ સાથે ઢોલ વગાડતા તે પણ જાણવા જેવી છે. એ ચાલના આ છે કેટલાંક નામો- (1) એકની ચાલ… ધીમી (2) એકની ચાલ.. ઝડપી (3) અઢીની ચાલ (4) ત્રણની ચાલ (5) ત્રણ-પાંચની ચાલ (6) બે-ત્રણ- પાંચની ચાલ (7) સાત-પાંચ બારની ચાલ (8) ગ્રીન ગ્રીન ચાલ (9) જગન્નાથ ચાલ (10) વરઘોડા ચાલ. દરેક બદલાતી ચાલે નાચનારાના અંગના લય બદલાઈ જાય. આ વિવિધ  ચાલ વગાડનારામાં જેમણે પાઘડી પહેરી હોય તેમની પાઘડી ઢોલ- ત્રાંસા વગાડતી વેળા લયબદ્ધ રીતે હાલતી રહે ને ઘણીવાર તો સાવ પડું પડું થઈ જાય. લોકોમાં એ કુતુહલ કે પાઘડી ક્યારે પડે?… પણ પાઘડી અને તેના પહેરનારનો કમાલ એ કે તે પડે જ નહીં.

હોલીકા ઉત્સવ ફાગણસુદ પૂનમે ઉજવાય અને ઘીસ નીકળે ફાગણવદ ત્રીજના દિવસે. પૂરા ત્રણ દિવસ સુધી આજુબાજુના શેરી-મહોલ્લાઓના વરઘોડામાં ભાગ લેનાર મંડળોને ઢોલ-ત્રાંસા વગાડવા નિમંત્રણ અપાયા હોય અને તેમને ભેટ-સોગાદ પણ આપવામાં આવે. આપણાં ચં.ચી. મહેતાએ ‘બાંધ ગઠરિયા’માં હોળી નામે જે નિબંધ લખ્યો છે તે વાંચી જજો. તમારી આંખ સામે ઘીસનાં દૃશ્યો ખડાં થઈ જશે. હવાડિયા ચકલાની હોળીનો મહિમા ત્યારે ઘણો હતો. ચકલે ચકલે હોળી રચાતી. બાલાજીના ચકલે તો ઈંટોની ચણેલી, સાત છ પાંચ એમ ચઢ-ઉતરની પગથીની, યજ્ઞકુંડ જેવી મોટી હોળી બનાવાતી. અબીલ ગુલાલે શણગારાતી અને પરાંના લોક તેને જોવા આવતા.

સેતાન ફળિયાની હોળી પણ મોટી અને હોળીના ત્રણચાર દિવસ પહેલાં નાચણવેડા શરૂ થઈ જાય. ‘કાકા હોળીની પૈ, કાકાની પાઘડી ઉથલે’’ ગૈ.  શોરબકોર મચી જાય પણ ધૂળી પડવાનો આનંદ-ઉન્માદ જુદો. ચં.ચી. મહેતા લખે છે કે ‘ભલભલા ચમરબંધનો મિજાજ ઉતારી નાંખવામાં આવતો. ભલભલા એંટાવની ઓકાત બગાડી નાખવામાં આવતી. મોટા મંદિર આગળ તો ગુલાલની જાણે જાજમ પથરાતી, રંગની છોળ અને આનંદની લહેરો ઉછળતી. એ વખતે તો સુરત આખાને ઘરઘરને ઓટલે નગારાં-વાગતાં- ઢોલક, ડફ, ખંજરી, ડબતુ, ડમકું, લોખંડનું ત્રિશૂળ ઘીસમાં વળી ટોળીના વરના બાપ થવાનો ય પ્રથાનુસાર હક્ક. રાત્રે નવ વાગે ઘીસ નીકળે અને મળસ્કે ચાર, પાંચ વાગ્યે ઊતરે. ઓટલે શેઠિયાઓ ગાદીતકિયે ઠાઠથી બેસી બધું માણે ને આગતા-સ્વાગતા કરે. હવેલીઓના પહેલે માળે હાંડી ઝુમ્મરોમાં દીવા ઝળકતા હોય.

ને આમાં સ્ત્રીઓ તો શામિલ હોય પણ હિન્દુ-મુસ્લિમ ભેદ પણ ન હોય. મહમદ ભામ, નૂરા ડોસા, પીપરડી શેઠ, ભભકાબંધ કપડાં પહેરી મંડળીને શોભાવતા. બેઠક જામી હોય તેમાં નકશીદાર હુક્કો ફરતો. પાન-સોપારીનો ખૂમતો ફરતો. મોરમુખી ગુલાબદાનીમાંથી ગુલાબજળના છંટકાવ થતા. આ દરમ્યાન જુદા જુદા વેશ પણ કઢાતા- મારવાડીના પસ્તાગિયાના, સાધુ-ફકીરના, વકીલનાને વેપારીના વેશ. આજે આ બધા રંગોની જ્યાફત ઓછી થઈ છે પણ રંગો તો રહ્યા છે.‘દાળીયા શેરી પ્રગતિ મંડળ’ આજે પણ વરઘોડાની પ્રથાને લોક વચ્ચે રાખે છે. આ વખતે મહિધરપુરાની દશેક શેરીમાં આ ઘીસનો વરઘોડો ઢોલ-ત્રાંસા સાથે ગાજ્યા-નાચવાનો છે. સુરતના અસ્સલ લોકોએ પોતાના રંગથી તેના રૂપ ઘડેલા છે. તેમાં સંગીત છે, નૃત્ય છે, આનંદનું સહિયારું ઉજવણું છે, ખાણી-પીણી છે ને બસ એવું એવું છે. (આ લખાણ દાળીયા શેરી પ્રગતિ મંડળ અને ચં.ચી. મહેતાના લેખના આધારે લખાયું છે)

Most Popular

To Top