યુદ્ધને કારણે સોનાના ભાવોમાં આગઝરતી તેજી જોઈને રોકાણકારો દંગ રહી ગયા છે. છેલ્લાં બે વર્ષમાં સોનાના ભાવોમાં આશરે 60% નો વધારો થયો છે, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ડોલરના હિસાબે પણ સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. આજની તારીખમાં એક ઔંસ સોનું 1,940 ડોલરના ભાવે વેચાઈ રહ્યું છે અને તે ગમે ત્યારે 2,000 ડોલર પર પહોંચી શકે છે. ભારતના બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52,000 રૂપિયાથી પણ આગળ નીકળી ગયો છે. સોનાના ભાવો હંમેશાં અમેરિકન ડોલર સાથે જોડાયેલા હોય છે કારણ કે તે જગતની રિઝર્વ કરન્સી છે. જ્યારે ડોલરના ભાવો ગગડે છે ત્યારે સોનાના ભાવો અચૂક વધે છે. છેલ્લા સપ્તાહમાં ડોલરના ભાવોની ઇન્ડેક્સમાં 6% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો 35 % સુધી પહોંચી શકે છે. દુનિયાના તમામ મુખ્ય ચલણોની સરખામણીએ ડોલરના ભાવો ઘટી રહ્યા છે. ડોલરના ભાવો ઘટવાનું કારણ કોરોનાનો મુકાબલો કરવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા બેફામ છાપવામાં આવેલા ડોલર છે. અમેરિકાનું ફેડરલ રિઝર્વ જેમ જેમ વધુ ને વધુ ડોલર છાપીને સરકારને આપતી જાય છે તેમ તેમ ડોલર નબળો પડી રહ્યો છે. અમેરિકામાં તો પતનના આરે આવેલા શેરબજારને પણ ઊંચું લાવવા ફેડરલ રિઝર્વે તેમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. આ કારણે અમેરિકાનું અર્થતંત્ર ડાઉન છે તો પણ શેર બજાર ફૂલી રહ્યું છે. ઇ.સ. 2000ની સાલમાં દુનિયાની સેન્ટ્રલ બેન્કો દ્વારા તેમની 70% અનામત ડોલરના રૂપમાં રાખવામાં આવતી હતી. આજની તારીખમાં તે પ્રમાણ ઘટીને 60% પર પહોંચી ગયું છે. ચીનની યોજના રિઝર્વ કરન્સી તરીકે ડોલરને ઉથલાવી નાખીને યુઆનની સ્થાપના કરવાની છે. તાજેતરમાં ચીન અનેક દેશો સાથે તેની રિઝર્વ કરન્સીમાં જ વેપાર કરવાના કરારો કરી રહ્યું છે.
ડોલરના ભાવો ઘટી રહ્યા છે તેમ સોનાના ભાવો કેમ વધી રહ્યા છે? તે સમજવા માટે આપણે ડોલરના ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરવો જોઈએ. 1914માં ફેડરલ રિઝર્વને ડોલર છાપવાની ઇજારાશાહી મળી ત્યારે 1 ઔંસ સોનું માત્ર 1 ડોલરમાં મળતું હતું. અમેરિકાનો કોઈ પણ નાગરિક ફેડરલ રિઝર્વમાં 1 ડોલર આપીને 1 ઔંસ સોનું મેળવી શકતો હતો. 1968માં અમેરિકાની સરકારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડી દીધું હતું. તેણે ડોલર સામે સોનું આપવાનું બંધ કર્યું હતું. જો કે તે સમયે સોનાનો ભાવ વધીને 20 ડોલર પર પહોંચી ગયો હતો. ત્યારે ડોલર તેટલો સસ્તો થયો હતો. 1968માં અમેરિકાની સરકારે કાયદો કાઢ્યો હતો, જે મુજબ કોઈ નાગરિક પોતાની પાસે સોનું રાખી શકતો નહોતો. તેણે ઔંસના 20 ડોલરના ભાવે સોનું સરકારને વેચી દેવું પડ્યું હતું. અમેરિકાના નાગરિકોએ સરકારને 20 ડોલરના ભાવે પોતાનું સોનું વેચી દીધું કે તરત સરકારે સોનાનો ભાવ વધારીને 35 ડોલર કરી નાખ્યો હતો.
ત્યાર બાદ સોનું સતત વધતું રહ્યું છે અને ડોલર સતત ઘસાતો રહ્યો છે. જો સોનું 2,000 ડોલર પર પહોંચી જાય તો તેનો અર્થ એટલો જ થાય કે ડોલરના ભાવમાં 2,000 ગણો ઘટાડો થયો છે. જેટલું સોનું 1 ડોલરમાં ખરીદી શકાતું હતું તેટલું સોનું ખરીદવા માટે આજે 2,000 ડોલરની જરૂર પડે છે. જાણકારો કહે છે કે જો ડોલરનું ધોવાણ ચાલુ રહ્યું તો સોનું 5,000 ડોલર પર પણ પહોંચી શકે છે. ડોલરના ભાવો ટકી રહેવાનું મુખ્ય કારણ એ છે કે દુનિયાના તમામ દેશોને આયાત-નિકાસ કરવા ડોલરની જરૂર પડે છે. જો આવતી કાલે ચીન પાવરફુલ થઈ જાય અને તેનો યુઆન રિઝર્વ કરન્સી બની જાય તો ડોલર ભાંગી જાય તેમ છે. વર્તમાનમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી ટ્રેડ વોરને કારણે મોટી ઊથલપાથલ થઈ શકે છે. અમેરિકાની સરકાર પોતાની ખાધ દૂર કરવા ફેડરલ રિઝર્વના માધ્યમથી ડોલર છાપી રહી છે. બજારમાં ડોલરનો પુરવઠો જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તેના ભાવો ઘટતા જાય છે. 1933માં અમેરિકામાં 19. 9 અબજ ડોલરની નોટો ચલણમાં હતી. 1940 સુધીમાં તે ડબલ થઈને 39.7 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. 1944માં ડોલરનો સ્વીકાર રિઝર્વ કરન્સી તરીકે કરવામાં આવ્યો તે પછી તેનો પુરવઠો ઝડપથી વધવા લાગ્યો હતો. 1946માં ડોલરની સંખ્યા 100 અબજ પર અને 1969માં 200 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી.
આજે લગભગ 1,200 અબજ ડોલર ચલણમાં છે. 1933ની સરખામણીમાં 60 ગણા ડોલર ચલણમાં છે. વિશ્વના દેશો પોતાની અનામત ડોલરના સ્વરૂપમાં રાખવા ઉપરાંત અમેરિકી સરકારના ટ્રેઝરી બોન્ડના સ્વરૂપમાં પણ રાખે છે કારણ કે સરકાર તેના પર વ્યાજ આપે છે. અમેરિકાની સરકાર દ્વારા વ્યાજના દરમાં સતત ઘટાડો થતો હોવાથી દુનિયાની ઘણી સેન્ટ્રલ બેન્કો પોતાની પાસેના ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું ખરીદી રહી છે, જેને કારણે પણ સોનાનો ભાવ વધી રહ્યો છે. છેલ્લાં 2 વર્ષમાં સોનાના ભાવોમાં ઉછાળો આવવાનું મુખ્ય કારણ છે જગતની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની કરવામાં આવેલી ધૂમ ખરીદી. ચીન, રશિયા, તુર્કી, કઝાકસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશો વધુ સોનું ખરીદી રહ્યા છે. દુનિયાના ઘણા દેશો પોતાનું સોનું સાચવવા લંડન અને અમેરિકામાં રાખતા હતા. તેમણે પણ હવે સોનું પોતાના દેશમાં લાવવાનું શરૂ કર્યું છે. તેમાં જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા વગેરેનો સમાવેશ થાય છે. વેનેઝુએલાએ તેનું 160 ટન સોનું ન્યૂયોર્કથી મંગાવી લીધું પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે તેનું સોનું આપવાનો ઇનકાર કર્યો છે. કોઈ પણ દેશની ખરી તાકાત તેણે કેટલી નોટો છાપી છે તેના પરથી નક્કી નથી થતી પણ તેની પાસે કેટલું સોનું છે તેના પરથી નક્કી થાય છે. ભારતની પ્રજા પાસે જેટલું સોનું છે તેટલું દુનિયાની કોઈ પ્રજા પાસે નથી માટે જ ભારત વિશ્વનું આર્થિક નેતા બની શકે તેમ છે.