Business

રસોડું… ગૃહિણીનું રજવાડું

એક જમાનામાં ભારતમાં 500 થી પણ વધુ રજવાડાં હતાં જે સરદાર વલ્લભભાઈએ દેશહિતમાં વિલીનીકરણથી એક અખંડ ભારતમાં ફેરવી દીધાં. જો કે હજુ ભારતના લગભગ દરેક ઘર ઘરમાં રજવાડાં ટકી રહ્યાં છે અને તે દરેક ગૃહિણીનું ગૌરવ એટલે ઘરના એક ખૂણે આવેલું તેમનું એક કિચન કિંગડમ, અમારા જમાનાની પત્નીશ્રીઓ કિચન ક્વીન કે રસોડાની રાણીના હુલામણા નામથી ઓળખાતી હતી. આજના જમાનાની મોટાભાગની નવોઢાઓ “બેબી, જાનુ, સોનુ અને બકુ’, ‘સ્વીગી સુંદરી’ અને ‘ઝોમેટો-ઝાંસીની રાણી’ તરીકે ઓળખાય છે. તેમને હાથ કરતાં તેમની આંગળીઓ ઉપર વધુ ભરોસો છે. તે આંગળીની એક ક્લિકના ઇશારે જો ટાઈમ હોય તે ‘યુ ટ્યુબ’ના કૂકના ઈશારે ઉપમા કે પાસ્તા બનાવી દે છે અથવા ટાઈમ ના હોય તો તેમના સ્માર્ટ ફોન ઉપર એ જ આંગળીઓના ઘસારે ‘સ્વીગી’, ‘ઝોમેટો’ કે ‘ઉબર ઇટ્સ’ ઉપર તેમની મનગમતી ડીશો વીસ મિનિટમાં ઘરે મંગાવે છે.

સાસુ કે મા પ્રજાતિની છઠ્ઠી ઇન્દ્રિય એટલી પાવરફુલ હોય છે કે અડધી રાતે પાણી પીવા ઊઠેલા પતિદેવ કે સાસરે આવેલા જમાઈજી ફ્રિજમાંથી આઈસ્ક્રીમ કે નાસ્તાના ડબ્બામાંથી કંઈ ચગળી આવ્યા હોય તો તેની દરેક હોમ્સની ‘શેર’લોકને બીજી સવારે ખબર પડી જ જાય છે. સવારે ચા બનાવતા દૂધ લેવા ફ્રિજનું બારણું ખોલે ત્યારે આઈસ્ક્રીમનું ખોખું ડીપ ફ્રિજમાં હોવાના બદલે ફ્રિજમાં ઉપલી અટારીએ અડધું ખુલ્લું દેખાય છે. આ આઈસ્ક્રીમ પીગળીને ઉપલી રેકથી નીચેના રેક્સમાં ‘ચીલ્લ’ કરી રહેલા વધેલા શાકના કન્ટેનર ઉપર, અથાણાંની જાર ઉપર કે દહીંની હાંડી ઉપર ‘મિલ્ક શેક’ તરીકે ચરકયા હોય છે. અંધારામાં અને ઉતાવળમાં જમાઈજીએ નાસ્તાના ડબ્બામાંથી જે ખાખરાના ચાર કટકા ખાધા હશે તો તેની કતરણ ફર્શમાં ફૂટપ્રિન્ટ તરીકે તેમના પગમાં ખૂંચવાથી જમાઈજીની સ્લીપવોકની પ્રૂફપ્રિન્ટ પકડી પાડે છે.

રસોડું ઘરનો એક મહત્ત્વનો કોર્નર છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે કઈ દિશામાં હોવું જોઈએ તે ચર્ચાનો ટોપિક છે પણ રસોડાની કઈ વસ્તુઓ ક્યાં હોવી જોઈએ તેમાં ગૃહિણીની સ્માર્ટ સૂઝબૂઝ હોય છે. તમારો આર્કિટેકટ પણ ઘૂંટણો ટેકે. સ્ટેન્ડિંગ કિચનના પુલઓવર ડ્રોઅરની તેમની સ્પેસ મેનેજમેન્ટ કાબિલે તારીફ હોય છે. ગૃહશાંતિની વિધિ બની રહેલા મકાનના બની રહેલા રસોડાના ઊભા થઈ રહેલા પ્લેટફોર્મ ઉપર જ નાનું માટલું મૂકીને કરાય છે. વાસ્તુપૂજન તરીકે એ જ નવા રસોડાના ગ્રેનાઈટ મઢેલા નવા પ્લેટફોર્મ ઉપર નવા ગેસની સગડી ઉપર ઘરની મહિલા મોભ તરીકે નવી જ તાવડીમાં કંસાર રાંધે છે. રસોડાના પ્લેટફોર્મની સામે જ એક મોટી વિન્ડો રખાય છે જે કિચનમાં હવા, પ્રકાશ લાવવા અને પુરીઓ તળતા નીકળતા તેલના ધુમાડા કાઢવા માટે હોય છે, તેમની પાડોશણની બારી પણ આવી રીતે સામે જ હોય છે. તે બંને માત્ર એકબીજાના ઘરમાં શું રંધાઈ રહ્યું છે તેને CCTVના કેમેરાની જેમ સ્કેન કરતા કરતા એકબીજાની પૂરેપૂરી રસોઈ ના થાય ત્યાં સુધી એકબીજાની નવી રેસીપીના બદલે ત્રીજાની ગોસિપીનું આદાનપ્રદાન વધુ કરે છે.

રસોડાની બાજુમાં જ એંઠાં વાસણ માંજવાની ચોકડી હોય છે. એક ખૂણામાં વોશિંગ મશીન હોય છે અને છત બાજુ કપડાં સૂકવવાના તાર કે પ્લાસ્ટિકની દોરી. કોઈ દેશના એઈટ લેન હાઈવેની જેમ સમાંતર બાંધેલા હોય છે. કામવાળાના સફાઈકામથી મોટાભાગની ઘરવાળીને ક્યારેય સંતોષ થતો નથી. રસોડામાં પોતાની સુપ્રીમ રાણીતા બતાવવા તે એકાંતરે દિવસે પેલા ધુળજી કે રમેશને કડક શબ્દોમાં ઠપકો આપતી રહે છે. રસોડાની ડાબી બાજુ એક નાનો સ્ટોર રૂમ હોય છે જ્યાં એક જમાનામાં બારમાસી ધાન્ય અને કરિયાણું રખાતું હતું. આજે તે પ્રથા લુપ્ત થઈ ગઈ છે અને તે જગ્યામાં ઓનલાઈન મંગાવેલા એકમાસી ધાન્યના લોટ, કરિયાણા અને ચાર પગથિયાં વાળી સીડી રખાય છે. રસોડાની જમણી બાજુમાં જ બે ચાર કે છ  ખુરશીઓવાળું ડાઈનીંગ ટેબલ હોય છે. હવેના રસોડામાં ડોર હોતા નથી એટલે કિચન અને ડાઈનીંગ એરિયા એકબીજાની મોકળાશ વધારે છે. ડાઈનીંગ ટેબલની આજુબાજુની દીવાલો ઉપર ગૃહિણીના ટેસ્ટ મુજબ જોતા જ આંખવગી થાય તેવી રીતે ગોઠવેલી ગ્લાસ ક્રોકરી  બતાવવા માટેના ગ્લાસ ડોરવાળા કબાટો હોય છે.  જે મહેમાનો આવે અથવા દિવાળી સાફસફાઈ વખતે જ બહાર કઢાય છે.

આજકાલના મોડર્ન રસોડામાં કિચન ક્વિનને રસોઈ કરતી વખતે ‘કૂલ’ રહેવા માટે એકઝોસ્ટ, સીલીંગ ફેન અને સ્પ્લીટ AC મસ્ટ થઇ ગયું છે. ઉચ્ચ મધ્યમ વર્ગ અને વર્કિંગ કપલ્સના ઘરમાં એક કુક પણ અનિવાર્ય હોય છે. લોકવાયકા છે કે પતિના હૃદય સુધી જતો રસ્તો પેટથી શરૂ થાય છે. ભાઈના હૃદય સુધી પહોંચવા ભાભીજીએ નજરથી કે શબ્દોથી નહિ પણ પેટમાં તેમની બનાવેલી ‘કૂલ’ વાનગીઓ અન્નનળીથી બાયપાસ થઈને હૃદયમાં પહોંચે છે. આજની વર્કિંગ દીકરી-વહુઓને રોટલી, દાળભાત, શાક જેવા ગુજરાતી ભોજનને બદલે પિઝા-પાસ્તા અને ટાકોસ-નાચોઝ અને રેવીઓલીમાં રસ વધુ હોય છે. આજકાલના દીકરા-જમાઈઓ પણ માસ્ટર શેફ સ્પર્ધાઓ અને સંજીવ કપૂરને ફોલો કરીને કિચન પ્રિન્સ થવા માંડ્યા છે. દેશમાં કે પરદેશમાં તેમના સુખી લગ્નજીવન માટે કિચન શેરીંગ એક જરૂરિયાત છે. ભલે મોટા મોટા જમણ પ્રસંગોના રસોડા રિટેલમાં પુરુષો સંભાળતા હશે પણ નાનાં નાનાં ભોજનો તો ડીટેલમાં સ્ત્રી જ સંભાળી શકે. ધન્ય છે આ ઘર ઘરની આ દેવીશક્તિને જે ઘરના કુટુંબીજનોને એક સ્વાદે બાંધી રાખવાનું કામ અન્નપૂર્ણા તરીકે કરે છે. આજે રસોડામાં જો કાંઈ ખોવાઈ ગયું હોય તો તે પાણિયારું છે.

Most Popular

To Top