આ વખતના પરાજય પછી એમ લાગતું હતું કે કોંગ્રેસ પક્ષની અંદર શરમ, સંકોચ અને સ્વાર્થને બાજુએ રાખીને મુક્ત ચર્ચા થશે, પક્ષની વારંવારની નિષ્ફળતાનાં કારણો ઓળખી કાઢવામાં આવશે અને ભવિષ્યમાં પક્ષને કઈ રીતે બેઠો કરવો એ વિષે પણ ચર્ચા થશે પરંતુ પરમ આશ્ચર્યની વાત છે કે એવું કશું જ બન્યું નહીં. હંમેશ મુજબ પક્ષની કાર્યસમિતિની બેઠકમાં ગાંધીપરિવારે જવાબદારીનો સ્વીકાર કર્યો, સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી, એ ઓફર ઠુકરાવવામાં આવી, નિષ્ફળતા માટે સામૂહિક જવાબદારીની વાતો કરવામાં આવી અને અંતે આઠ-દસ વાક્યોનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું જેમાં એ જ વાત કહેવામાં આવી છે જે ૨૦૧૪થી કરવામાં આવી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાઓની એક ડઝન જેટલી ચૂંટણીઓમાં પરાજય પછી પણ પક્ષના નેતાઓને એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે સાચું નિદાન કરવામાં આવે અને અસરકારક ઈલાજ શોધવામાં આવે.
શા માટે કોંગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે? એવી કઈ મજબૂરી છે કે પક્ષ ખતમ થઈ રહ્યો હોવા છતાં પક્ષના નેતાઓ આત્મવંચના કરી રહ્યા છે અને ભ્રમની દુનિયામાં રહીને સમય પસાર કરી રહ્યા છે? ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વખતમાં પક્ષ ઉપર ગાંધીપરિવારનો જે પ્રભાવ હતો એ પણ હવે તો બચ્યો નથી. પક્ષના નેતાઓ ધારે ત્યારે પક્ષને ગાંધીપરિવારથી મુક્ત કરી શકે છે. સવાલ એ પણ છે કે પરિવાર શા માટે એક વાર કાયમ માટે બાજુએ હટીને પક્ષને નવા નેતૃત્વ અને નવી તાજગીની તકથી વંચિત કરી રહ્યો છે? શા માટે? જો આનો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે શા માટે વારંવારના પરાજય પછી પણ કોંગ્રેસના નેતાઓ સમીક્ષાથી ભાગે છે.
પહેલું કારણ તો એ છે કે પક્ષમાં હવે એવા બહુ ઓછા નેતાઓ બચ્યા છે જે સીધો લોકસંપર્ક ધરાવતા હોય જેને અંગ્રેજીમાં ગ્રાસરૂટ લીડર કહેવામાં આવે છે. શરદ પવાર અને મમતા બેનર્જી જેવા જનાધાર ધરાવનારા નેતાઓ એક પછી એક પક્ષ છોડીને જતા રહ્યા છે અથવા જવું પડ્યું છે. કોંગ્રસ પક્ષ જનાધાર વિનાના નેતાઓનો પક્ષ છે. ઇન્દિરા ગાંધીના સમયથી જનાધાર ધરાવનારા નેતાઓને કદ પ્રમાણે વેતરવાનું શરૂ થયું હતું કે જેથી કોઈ પરિવારના નેતૃત્વને પડકારી ન શકે. અત્યારના મોટાભાગના નેતાઓએ લોકોની વચ્ચે કામ કર્યા વિના સીધો પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને સત્તા ભોગવી હતી. કપિલ સિબ્બલ મુખરપણે ગાંધીપરિવારે ખસી જવું જોઈએ એમ કહે છે પરંતુ તેઓ પોતે કોઈ પ્રકારનો જનાધાર ધરાવતા નથી. તેઓ ઉપરથી સીધા પક્ષમાં પ્રવેશ્યા હતા અને સારા દિવસોમાં સત્તા ભોગવી હતી. તેઓ જ્યારે પક્ષમાં સત્તા ભોગવતા હતા ત્યારે તેમને એમ નહોતું લાગ્યું કે પક્ષ અંતર્ગત લોકતંત્ર હોવું જોઈએ અને નેતાઓએ નીચેથી ઉપર જવાનો માર્ગ અપનાવવો જોઈએ. નરેન્દ્ર મોદી છેક નીચેથી ઉપર સુધી પહોંચ્યા છે. કપિલ સિબ્બલ તો એક ઉદાહરણ માત્ર છે. આવા બીજા અનેક નેતાઓ છે. જે નેતા જનાધાર ન ધરાવતો હોય એ શિવધનુષ ઉઠાવવાની હિંમત ન કરી શકે.
બીજું કારણ એ છે કે ગાંધીપરિવારના સભ્યો અને પક્ષના નેતાઓ વર્તમાન શાસકો પરત્વેના લોકોના મોહભંગની રાહ જોઈ રહ્યા છે. આવું ભૂતકાળમાં બનતું હતું પણ હવે એમ બનતું નથી તો એનાં કોઈ કારણો હોવાં જોઈએ. એ કારણો શોધવાનો અને એ મુજબ રણનીતિ બદલવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યોમાં BJPની સરકારના કામકાજને જોઇને મોહભંગ થવા માટે કારણો છે, લોકોનો મોહભંગ થયો પણ છે અને એ છતાં હિંદુ મતદાતાઓ BJPને મત આપે છે તો શા માટે?
કોંગ્રેસના નેતાઓએ એ દિવસો યાદ કરવા જોઈએ જ્યારે કોંગ્રેસનો સૂર્ય જ્યારે મધ્યાહને તપતો હતો અને ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ કેવળ લોકોના મોહભંગની રાહ જોઇને બેસી નહોતા રહ્યા. તેઓ લોકમાનસમાં મોહભંગ આધારિત નહીં પણ પોતીકી જગ્યા બનાવવા પ્રયત્નો કરતા હતા. તેઓ હિંદુ માનસને કેળવતા હતા, ઘડતા હતા અને પોતાના માટે જગ્યા બનાવતા હતા. અંગ્રેજીમાં આને કાઉન્ટર નેરેટિવ કહે છે. BJPના હિંદુ સામે કોંગ્રેસે ભારતીય નાગરિકનું ઘડતર કરવું જોઈએ, તેને કેળવવો જોઈએ અને તેને માટેની ભાષા અને અભિવ્યક્તિ (નેરેટિવ) વિકસાવવાં જોઈએ. દેશના અડધોઅડધ હિંદુ ઘેટાં બનવા તૈયાર નથી.
કોંગ્રેસના કેટલાક નેતાઓને આ વાત સમજાય પણ છે. આ સિવાય સમાજવિજ્ઞાનીઓ પણ વખતોવખત કાઉન્ટર નેરેટિવ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ જ એક માત્ર ઈલાજ છે એમ પણ તેઓ કહે છે. પણ કરે કોણ એ ત્રીજી સમસ્યા છે. અત્યારે વાવો તો બે દાયકે ફળ મળે ત્યારે એવી મહેનત કરે કોણ? ખાસ કરીને એવા નેતાઓ તો કરી જ શકવાના નથી અને કરવાના નથી જેઓ નીચેથી ઉપર આવ્યા નથી અને જનાધાર ધરાવતા નથી. જે લોકોએ શોર્ટકટ દ્વારા સત્તા ભોગવી હોય એ પરસેવો પાડવાના છે? બીજી બાજુ જે નેતાઓ થોડો પણ જનાધાર ધરાવે છે તેઓ પોતાનાં રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહદમાં પડ્યા છે અને તેમને સતત અસ્થિરતાનો સામનો કરવો પડે છે. જે નેતા પોતાનાં રાજ્યમાં અસ્તિત્વની લડાઈ લડતો હોય અને સતત અસ્થિરતાનો સમાનો કરતો હોય એ રાષ્ટ્રીય સ્તરે પક્ષને બેઠો કરવા કોઈ યોગદાન આપી શકે એ શક્ય જ નથી. આવા નેતાઓએ પોતાનાં રાજ્યમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી બચવા ગાંધીપરિવારની મદદ લેવી પડે છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં રાજસ્થાનના અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનોએ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે એવી માગણી કરી હતી. આ સત્તામાં ટકી રહેવા માટેની તેમની મજબૂરી છે.
ચોથું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષ કાર્યકર્તા વિનાનો પક્ષ છે. જમીની સ્તરે ચોવીસ કલાક પ્રતિબદ્ધતા સાથે પક્ષ માટે કામ કરતો હોય એવા કાર્યકર્તા જ પક્ષ પાસે બચ્યા નથી. આનો અર્થ એ થયો કે કોંગ્રેસ પક્ષ ખરા અર્થમાં રાજકીય પક્ષ રહ્યો જ નથી, જેનો શક્તિસ્રોત નીચે કેડરના રૂપમાં હોય અને શક્તિ નીચેથી ઉપર ટ્રાન્સમીટ થતી હોય. વિચાર અને નેરેટિવ ઉપરથી નીચે જાય અને એ કાર્યકર્તાઓ દ્વારા શક્તિમાં રૂપાંતરિત થઈને નીચેથી ઉપર જાય ત્યારે રાજકીય પક્ષ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. કોંગ્રેસમાં આનો અંત દાયકાઓ પહેલાં આવી ચૂક્યો છે. ધીરે ધીરે કોંગ્રેસ પક્ષનું રૂપાંતર ચૂંટણી લડનાર અને સત્તા ભોગવનાર એક પ્રકારની વ્યવસ્થા કે યંત્રણામાં થઈ ગયું હતું. ડૉ રજની કોઠારીએ આને કોંગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવી હતી.
તો આનો અર્થ એ થયો કે કોંગ્રેસને ચેતનવંતો કરવો એ આજની ઘડીએ અઘરું કામ છે. કપરાં ચઢાણ છે. પક્ષના નેતાઓ આ જાણે છે અને માટે ચર્ચા ટાળે છે. ઈલાજથી બચવા નિદાન ટાળવામાં આવે છે અને તમને આશ્ચર્ય થશે, પણ હકીકત એ છે કે આમાં ગાંધીપરિવારનો દરેક નિષ્ફળતા વખતે જવાબદારીથી બચવા માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો સફળતા મળે તો સત્તા ભોગવવાની અને જો નિષ્ફળતા મળે તો નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવવા માટે પરિવાર હાથવગો છે. વિડંબના તો જુઓ! જે પરિવારનો એક સમયે વિજય માટે બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો એ પરિવારનો અત્યારે પરાજય વખતે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પક્ષના નેતાઓ માટે પરિવાર બલિનો બકરો છે. કહ્યું છે ને, સમય બડા બલવાન!