વલસાડ: વલસાડ (Valsad) જનસેવા કેન્દ્ર અને મામલતદાર પાસેથી ત્રણ બાઇકની (Bike) ચોરી અંગેનો ભેદ વલસાડ સિટી પોલીસની (City Police) ટીમે વલસાડ શહેરના ૧૫૦ જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરીને ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ બાઇક ચોરનાર ખેરગામના ચોર અને બાઇક ખરીદનાર ભંગારના ગોડાઉનના માલિકને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ બાઈક જપ્ત કરી છે. બાઇક ચોરનારની નોકરી છુટી જતા તે બાઈક ચોરીના રવાડે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ભાગલ દાંડી જોગણી માતા ના મંદિર ફળિયામાં રહેતા પ્રવિણભાઇ હરિભાઈ ટંડેલે ગત તારીખ ૫-૩-૨૨ ના રોજ પોતાની બાઇક ( નં. ડી એન ૦૯ બી ૭૨૨૬) લઇને સવારે ઘરથી નીકળી ગયો હતો. વલસાડ જન સેવા કેન્દ્ર એસબીઆઇ એટીએમ પાસે તેણે બાઈક પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ બસમાં બેસીને વાપી નોકરી પર ગયા હતા. સાંજે પરત આવતા પોતાની બાઈક જ્યાં મૂકી હતી ત્યાં બાઇક ન હતી. જેથી તેઓને બાઈક ચોરી થઇ ગઇ હોવાનું જણાયું હતું. તેમણે આ અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવતા સિટી પોલીસ મથકના સંજયભાઇ, ઇશ્વરભાઇ, રાજકુમાર ઉપાધ્યાય વગેરેએ પીઆઇ મોરીની સૂચના મુજબ તપાસ હાથ ધરી હતી.
પોલીસે બાઇક ચોરને શોધવા વલસાડ શહેરના ૧૫૦ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા આ સાથે અનેક વાહનોનું પણ ચેકિંગ પણ હાથ ધર્યું હતુ. દરમિયાન મામલતદાર પાસેથી એક પેશન પ્રો બાઇક (નં. જીજે-15-એએ-8335) લઈને જતા પોલીસે ખેરગામ મેન બજાર ઉંચાબેડા ફળિયામાં રહેતા વ્રજલાલ દેવજી રાણોલીયાને પોલીસે અટકાવી એની પાસે બાઈક ના કાગળિયા ની માંગણી કરી હતી. કાગળિયા ના હોય વધુ પૂછપરછ કરતા તેણે આ બાઈક જન સેવા કેન્દ્ર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ બાઇક કોસંબાના હેમાબેન બિપીનભાઇ ટંડેલની હોવાનું જાણવા મળ્યું હતુ. જેનો સાચો (નં. જીજે-15-બીઇ-1830) હતો.
બાઈક ચોરે આ બાઈકનો નંબર બદલી ચલાવી રહ્યો હોવાનું માલૂમ પડયું હતું. આ સિવાય પણ તેણે જનસેવા કેન્દ્ર પાસેથી બે બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતુ. જેમાં તેણે પ્રવિણભાઇ ટંડેલની બોક્સર બાઇક પણ ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તે આ બાઇક તે તોડી ને ખેરગામ ઝંડા ચોક પાસે રહેતો અયુબ ખુરર્શીદ ખાનના ભંગારનાં ગોડાઉનમાં વેચી દેતા હતા.જેના કારણે તેઓ પોલીસના હાથે લાગતા ન હતા. જોકે, વલસાડ સિટી પોલીસની ચપળતાથી આ બાઈક ચોર પકડાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી બે બાઇક કબજે લીધી હતી અને બંનેની ધરપકડ કરી હતી.