વલસાડ:(Valsad) સુરતની (Surat) કોર્ટમાં (Court) પ્રેક્ટિસ કરતી અને વલસાડમાં રહેતી મહિલા વકીલના (Lady Lawyer) પતિને (Husband) ઢોર માર મારવાની ઘટના વલસાડમાં બની છે. વલસાડના કાપડિયા ચાલ વિસ્તારમાં ક્રિકેટ (Cricket) રમવાના મુદ્દે ઝગડા બાદ મારામારી થઇ હતી. આ સમગ્ર ઘટના સીસી ટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વલસાડમાં જાહેરમાં મારામારીની આ ઘટનાને લઇ શહેરમાં ગુંડારાજ શરૂ થઇ રહ્યું હોવાની પ્રતિતિ થઇ હતી.
- ક્રિકેટ રમવાના મામલે વલસાડમાં બબાલ
- સુરતની મહિલા વકીલ રશ્મી મારવાડીના પતિને વલસાડમાં માર મરાયો
- ત્રણ શખ્સોએ ભેગા મળી મહિલા વકિલના પતિને માર્યો
- બિરિયાની બનાવવાના લોખંડના તલેથાથી લોકોની વચ્ચે માર માર્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ કાપડિયા ચાલમાં રહેતી અને સુરત કોર્ટમાં વકિલાત કરતી વકીલ રશ્મીબેન રવિકુમાર મારવાડી ના પતિ રવિકુમાર ગત રોજ તેમના ઘરની પાછળના રોડ પર ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન તેમનો બોલ ત્યાં આવેલા ગેરેજના પતરા પર પડ્યો હતો. જેના પગલે ગેરેજ સંચાલક સાહિદ અહેમદ ખાન (રહે. મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર પાસે, વલસાડ) સાથે તેની બોલાચાલી થઇ હતી. જેના પગલે સાહિદે તેના મહોલ્લામાંથી તેના ભાઇ ઝાહીર અહેમદ ખાન અને મિત્ર દાનીશ નિશાદ ખાનને બોલાવી મારામારી શરૂ કરી હતી. જેમાં મોગરાવાડીના બે ભાઇ મળી કુલ 3 લોકોએ કાપડિયા ચાલમાં રહેતા યુવાનને બિરિયાની બનાવવાના લોખંડના મોટા તલેથા વડે જાહેરમાં માર માર્યો હતો.
આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ બનાવ સંદર્ભે મહિલા વકીલ રશ્મીબેને વલસાડ સિટી પોલીસ મથકે સાહિદ, ઝાહીર અને નિશાદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડી પાડ્યા હતા. જેમના કોરોના ટેસ્ટ બાદ તેમની સત્તાવાર અટકાયત કરશે એવું પોલીસે જણાવ્યું હતુ.