Business

ભાજપ સર્વવ્યાપી પક્ષ બની રહ્યો છે?

દેશભરમાં ભાજપનું વર્ચસ્વ વધી રહ્યું છે. હાલમાં આવેલાં ચૂંટણી પરિણામથી ફરી એક વાર તે સાબિત થયું છે કે ભાજપ સર્વવ્યાપી બની રહ્યો છે. સભ્યસંખ્યાની રીતે ભાજપ અત્યારે વિશ્વભરમાં સૌથી મોટી પાર્ટી છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી કરતાં પણ મોટી! સભ્યસંખ્યા ઉપરાંત વિશ્વના સૌથી સંપત્તિવાન પક્ષ તરીકે પણ ભાજપનું નામ આવે છે. ભારત જેવા વિવિધતાભર્યા દેશમાં કોઈ એક પક્ષ દબદબો બનાવે તે અદ્વિતીય ઘટના છે પણ ભાજપ એવું કરી શક્યું છે. ભાજપની નીતિ-રીતિ અત્યારે મતદારોને પસંદ પડી રહી છે અને મતદારો ખોબે-ખોબે ભાજપને વોટ આપી રહ્યા છે. ભાજપનો આ તપતો સૂરજ ભાજપના જ કરોડો કાર્યકર્તાઓને આભારી છે પણ તેનું શ્રેય અત્યારે બે ભાજપીય આગેવાનોને નરેન્દ્ર મોદી અને અમિત શાહને સૌથી વધુ મળી રહ્યું છે. માત્ર ચાર દાયકા જૂનો આ પક્ષ હવે દેશના ખૂણે-ખૂણે પહોંચી ચૂક્યો છે. પૂર્વીય રાજ્યોમાં તો તેની પકડ ખૂબ મજબૂત બની રહી છે. ભાજપની આ કહાની નવી ન હોવા છતાં જે રીતે અત્યારે ભાજપ પક્ષ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે તે જોતાં તેનું આકલન હવે વારેવારે કરવાની જરૂર રહેશે.

આશ્ચર્ય થાય પણ જ્યારે ભારત આઝાદીની લડત લડી રહ્યું હતું ત્યારે ભાજપનું નામ ક્યાંય હતું નહીં. ભાજપની રાજકીય સફર આલેખવી હોય તો તેમાં સૌથી પહેલાં ‘ભારતીય જનસંઘ’નું નામ લેવું રહ્યું. 1951માં શ્યામાપ્રસાદ મુખરજીએ ‘જનસંઘ’ની સ્થાપના કરી હતી અને ત્યારે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો મેળવી હતી. ‘જનસંઘ’ ત્રણ દાયકામાં પ્રજા પર ઝાઝી અસર ન પાડી શક્યું અને તે પછી પૂર્વેના જનસંઘી સભ્યો દ્વારા 1980માં ભાજપનો પાયો નંખાયો. ‘ભારતીય જનતા પાર્ટી’ની વેબસાઈટ પર પક્ષની સફર આ જ દર્શાવવામાં આવી છે પરંતુ તે પૂર્વે શ્યામાપ્રસાદનું શરૂઆતી જોડાણ કૉંગ્રેસ પાર્ટી સાથેનું રહ્યું અને પછી ‘હિંદુ મહાસભા’ સાથેનું. ‘હિંદુ મહાસભા’ એટલે જેમના પર મહાત્મા ગાંધીની હત્યાનું તહોમતનામું ઘડાયું હતું તે પક્ષ. તે પછી વૈચારિક મતભેદે તેમને ‘હિંદુ મહાસભા’થી અલગ કર્યા. તે અગાઉ તેઓ દેશના પ્રથમ મંત્રીમંડળમાં પણ સમાવિષ્ટ થયા હતા. ભાજપના મૂળિયા આ રીતે નંખાયા. ‘હિંદુ મહાસભા’માંથી જ્યારે ‘જનસંઘ’ પક્ષ બન્યો ત્યારે શ્યામાપ્રસાદ મુખરજીએ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ની મદદ લીધી હતી અને તે રીતે ‘RSS’ની ભૂમિકા પણ ભાજપ સાથે અગત્યની બનતી ગઈ અને હવે તો ‘RSS’ની ગંગોત્રીમાંથી જ ભાજપની રાજકીય ગંગા વહે છે. ઇવન, નરેન્દ્ર મોદી સહિત ટોચના ભાજપના નેતાઓ ‘RSS’ની પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છે.

1980માં ભાજપનો પાયો અટલ બિહારી વાજપેયીએ નાંખ્યો અને તેમની આગેવાનીમાં 1984માં લોકસભાની ચૂંટણી લડવાની આવી ત્યારે ભાજપને માત્ર દેશભરમાંથી બે જ બેઠકોથી સંતોષ માનવો પડ્યો. ઇન્દિરા ગાંધીની હત્યા પછી કૉંગ્રેસતરફી વલણે ભાજપ અને અન્ય પક્ષો નોંધપાત્ર દેખાવ કરી શક્યા નહીં. અહીં સુધી કૉંગ્રેસ ભારતમાં સર્વવ્યાપી કહેવાય તેવી પાર્ટી હતી. વાજપેયી સાથે અડવાણી પછીથી ભાજપના મુખ્ય ચહેરો બનતા ગયા. તે પછી બોફોર્સ ભ્રષ્ટાચારથી તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની છબિ ખરડાઈ. 1989ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનું કદ વધ્યું અને તેની બેઠકો દેશભરમાં 85એ પહોંચી. ‘જનતા દલ’ની સરકારમાં વી.પી. સિંઘ વડાપ્રધાન બન્યા તેમાં ભાજપે પણ સપોર્ટ કર્યો હતો. 1990 આવતાં-આવતાં તો ચિત્ર પૂર્ણપણે બદલાયું અને અયોધ્યામાં મંદિર નિર્માણ માટે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા જે યાત્રા કાઢી તે ગેમચેન્જર બની. આ યાત્રાથી ભાજપે હિંદુત્વ કાર્ડ ખેલ્યું અને યાત્રામાં મળેલા પ્રતિસાદથી જ ભાજપના આગેવાનોમાં એ ઠસી ગયું કે આ કાર્ડનો આક્રમક રીતે ઉપયોગ કરીએ તો સત્તા સુધી પહોંચવામાં મોડું નહીં થાય.

ભાજપના આ તમામ આગેવાનો મીડિયામાં પોતાની વાત રજૂ કરવામાં પાવરધા હતા. ઊભરી રહેલાં મીડિયામાં બોલવાથી જે છબિ નિર્માણ કરવાની હતી તે ભાજપ સારી રીતે કરી શક્યું અને 1996ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌ પ્રથમ વાર કેન્દ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈને આવી. અટલ બિહારી વાજપેયીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા પરંતુ લોકસભામાં બહુમતી સાબિત ન કરી શકવાના કારણે વાજપેયીને વડા પ્રધાનના પદેથી તેર દિવસમાં જ રાજીનામું આપવું પડ્યું! આ દરમિયાન ‘જનતા દળ’ની સરકાર આવી અને એચ. ડી. દેવગૌડા અને તે પછી આઈ. કે. ગુજરાલ વડા પ્રધાન બન્યા. આ સરકાર ઝાઝી ન ચાલી અને 1998માં ફરી લોકસભાની ચૂંટણી યોજાઈ. ભાજપ ફરી વાર બળવાન પુરવાર થયો અને તે વખતે ભાજપને 182 બેઠકો મળી. જો કે તેમ છતાં એકલે પંડે ભાજપ સરકાર રચી શકે એમ ન હતી એટલે ‘નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ’ બનાવ્યું. આ ગઠબંધનમાં પશ્ચિમ બંગાળનો ‘તૃણમૂલ કૉંગ્રેસ’, ‘AIDMK’, ‘શિવસેના’, ‘બીજુ જનતા દળ’, ‘શિરોમણી અકાલી દળ’, ‘NTR તેલુગુ દેશમ’ જેવા પક્ષો સામેલ હતા. આ તમામ પક્ષો ગઠબંધનમાં સામેલ થયા અને સરકાર રચાઈ. જો કે આ ગઠબંધનમાં શરૂઆતથી જ ડખા થવા માંડ્યા અને તેર મહિનાના અંતે તો જયલલિથાએ સરકારને આપેલો સપોર્ટ પાછો ખેંચી લીધો અને ફરી વાર લોકસભાની ચૂંટણી યોજવાની નોબત આવી પડી.

ભાજપ અત્યારે પોતાનું શાસન વધુમાં વધુ કેવી રીતે ટકી શકે તેનું આયોજન કરી રહી છે અને તે માટે બધા જ પ્રકારની રણનીતિ તેણે અપનાવી છે. તેનું કામ મજબૂત છે તે તેમની વેબસાઈટ જોઈને પણ ખ્યાલ આવી શકે. તેમની પાસે સમાજના દરેક વર્ગ માટે મોરચો છે. ઉપરાંત ઓર્ગેનાઇઝેશનમાં અલગ-અલગ સ્તર તેઓએ બનાવી રાખ્યા છે. કોઈ કહી શકે કે મોટાં ઓર્ગેનાઈઝેશનમાં આ રીતે આયોજન થયેલું જ હોય છે પરંતુ અત્યારે ભાજપનું આયોજન વધુ સઘન દેખાઈ રહ્યું છે. તેઓ દરેક પાસાં પર કામ કરી રહ્યા છે અને બંધારણીય દરેક સંસ્થા પર તેમની પકડ કેવી રીતે મજબૂત બને તે માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે. સ્પોર્ટસ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તદ્ઉપરાંત બિઝનેસ ફ્રેટર્નીટી પણ કેવી રીતે તેમની પાસે જોડાઈને રહી શકે તે માટે અથાગ પ્રયાસ ભાજપ સતત કરતું દેખાય છે.

મીડિયાનું તેમનું તંત્ર પાવરફુલ છે તે જ રીતે પોતાના લાભનું રિસર્ચ કરવામાં પણ ભાજપે મજબૂત ટીમ બનાવી રાખી છે. આ બધું જ વ્યવસ્થિત રીતે અને વિચારધારા મુજબ લોકો પાસે પહોંચાડવામાં તેઓએ ટેક્નોલોજીનો તો સહારો લીધો જ છે પણ આ કામ સારી રીતે પાર પડે તે માટે આગેવાનોને કાર્યની વહેંચણી કરી છે. ભાજપની આ સફરમાં હિંદુત્વ, કટ્ટર રાષ્ટ્રવાદ અને મુસ્લિમદ્વેષ છે પણ સાથે સાથે તેઓએ લોકોને દેખાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ કર્યું છે જેથી લોકોને તે વિકાસ બતાવીને વોટ પોતાની તરફેણમાં લાવી શક્યા છે. એક પાર્ટીના ચાર દાયકાની સફરની આ તો માત્ર ઝલક છે. તેની સફર પર અસંખ્ય પુસ્તકો લખાયાં છે અને તેના નાના-મોટા અસંખ્ય પડાવ છે. જો કે ભાજપનો આ વિજય પ્રજાના ખરા વિકાસ કરતાં ઉજવણીઓથી મેળવેલો વધુ લાગે છે અને જો પાર્ટીએ ટકવું હશે તો ગ્રાઉન્ડ વર્કનું જ કાર્ય તેને બચાવી શકશે. બાકી તો આજે એક સમયની સર્વવ્યાપી કૉંગ્રેસ પણ તેનું નામ ટકાવી રાખવા ઝૂઝી રહી છે અને ભાજપનું તેમ થાય તો તેમાં નવાઈ જેવું કશું જ નથી.

Most Popular

To Top