Business

સિયા અને દિયા

હેય દિયા! ડુ યુ હેવ અ મિનિટ? ‘ દિયા ઓફિસમાંથી બહાર નીકળતી હતી, એણે પાછળ ફરીને જોયું. ચિરાગ હતો. ચિરાગને એ ઓળખતી હતી. એ ઓફિસનો હ્મુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો. મોટાભાગે કામ પૂરતી એની સાથે વાતચીત થતી કે પછી ઓફિસ આવતાંજતાં કદીક લિફટમાં તો કદીક કેન્ટિનમાં જોયો હતો. ‘યસ…બોલ શું છે?’ ચિરાગ જરા નજીક આવ્યો. પછી બોલ્યો, ‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ…તારી કઝિન છે ને સિયા…એને ત્યાંથી મારા માટે લગ્નની વાત આવી છે. વાતચીતમાં ખબર પડી કે એ તારી કઝિન છે…એટલે મને…એમ કે તને પૂછી લઉં!’ ‘હમમમ…’ દિયાને સમજ ન પડી કે શું જવાબ આપવો. દિયા અને સિયા નાનાં હતાં ત્યારથી બન્ને વચ્ચે બહુ સારું બનતું હતું પણ છેલ્લાં બેચાર વર્ષથી બન્નેનાં પેરેન્ટસ વચ્ચે ફેમિલીને લઈને થોડી માથાકૂટ ચાલતી હતી તેથી બન્નેના સંબંધોને પણ અસર થઈ હતી.  ચિરાગ જવાબની અપેક્ષા સાથે એની સામે જોઇ રહ્યો હતો એટલે દિયાએ જરા ગળું ખંખાર્યું, ‘યુ નો…સિયા મારી બહેન છે એટલે પછી હું શું કહું?’ એણે મોઘમ જવાબ આપ્યો અને સહેજ હસી એટલે ચિરાગ પણ હસ્યો. ‘યુ આર રાઈટ…તું તારી બહેન વિશે સારું જ બોલે ને!’ ચિરાગ હવે હસી પડયો એટલે દિયા પણ હસી પડી.

દિયા ઘરે પહોંચી પણ મન એનું સિયા પાસે પહોંચી ગયું હતું. બાળપણમાં બન્નેએ કેટલી મજા કરી હતી. ત્યારે દિયા અને સિયાની મમ્મીઓ વચ્ચે સારાં બહેનપણાં હતાં એટલે બન્નેની દીકરીઓનાં નામ પણ મળતાં રાખ્યાં હતાં. સિયા અને દિયાની ઉંમરમાં માત્ર બે–ત્રણ મહિનાનો જ ફરક હતો. બન્ને સાથે સ્કૂલ ગયાં હતાં પણ જેમ જેમ બન્ને મોટાં થતાં ગયાં તેમ તેમ બન્ને દેરાણી- જેઠાણી વચ્ચે સંબંધો વણસવા લાગ્યા. એમાં ને એમાં સિયા અને દિયાની ફ્રેન્ડશીપને પણ અસર થઈ. શરૂઆતના સમયમાં સિયા અને દિયા બન્નેની મમ્મી વચ્ચે વધતી જતી ખારાશથી પોતાની જાતને બચાવતાં રહ્યાં પણ સિયાની મમ્મીને પોતાના રૂપનું બહુ અભિમાન હતું પણ એની દીકરી સિયા એના જેટલી રૂપાળી ન હતી.

તો બીજી બાજુ દિયાની મમ્મીનો દેખાવ સામાન્ય હતો પણ દિયા બહુ રૂપાળી હતી એટલે જેમ જેમ સિયા અને દિયા મોટાં થતાં ગયાં તેમ તેમ સિયા કરતાં દિયા વધુ ખૂબસૂરત દેખાવા લાગી તેથી સિયાની મમ્મી ઇર્ષાથી સળગી ગઈ એટલે પછી દિયાની મમ્મી સાથે જાત જાતના વાંધા પડવા લાગ્યા. એક સમય બધા તહેવાર સાથે ઊજવતો પરિવાર હવે તહેવારોમાં એકબીજાને મળવા જવાનું ટાળવા લાગ્યો. એના કારણે દિયા અને સિયા વચ્ચેની ફ્રેન્ડશીપનું ગળું ટુંપાઇ ગયું. બન્નેની કોલેજ જુદી હતી તેથી મળવાનું પણ બંધ થઈ ગયું પણ બન્ને જણા ઇન્સ્ટાગ્રામ પર એકબીજાની પોસ્ટ લાઈક કરતાં પણ કદી ફોન પર પણ વાત કરતાં ન હતાં. બન્ને બહેનો હાયર એજ્યુકેશન લઇને સારી જોબ કરતી હતી. કદીક નાતમાં મળવાનું થાય ત્યારે દિયા અને સિયા એકબીજા સાથે સ્માઈલની આપલે કરી લેતા. તો ય બન્નેની મમ્મીઓના ચહેરા ગુસ્સાથી લાલ થઈ જતાં. એટલે પછી દિયા અને સિયા વાત કરવાની હિંમત તો ક્યાંથી કરે?

‘મમ્મા….મારી ઓફિસના એક કલીગ સાથે સિયાના લગ્નની વાત ચાલી રહી છે.’ દિયાએ જમતાં સમયે એની મમ્મીને સમાચાર આપ્યા. થોડી વાર માટે તો એની મમ્મી કશું બોલી નહીં. પછી રહેવાયું નહીં એટલે એ બોલી, ‘છોકરો કેવો છે તે કહે તો!’ મમ્મીના ચહેરા પર ઉત્સુકતા જોઈને દિયાને આનંદ થયો. દેરાણીજેઠાણીના સંબંધોની કડવાશ જરા જેટલી તો ઓછી થઈ. કમસેકમ મમ્મીએ સિયાના લગ્ન થાય તે માટે રસ તો  દેખાડયો. બે–ચાર દિવસ એમ જ પસાર થઈ ગયા પણ દિયાએ સિયાના લગ્નની વાત કેટલી આગળ વધી તે વિશે કશું કહ્યું નહીં એટલે દિયાની મમ્મી જાગૃતિને ચટપટી થવા લાગી.  દિયા ઓફિસથી આવી એવું જ પૂછી લીધું. ‘પછી સિયાની વાત કેટલી આગળ વધી?’ ‘મમ્મા…હું ચિરાગને પૂછું તો  એને કેવું લાગે? બન્ને કિઝન છીએ તો પણ મને ખબર નથી? આપણા પરિવારની ખરાબ ઈમ્પ્રેશન પડે.’ જાગૃતિ આ વાત પર સહમત હતી એટલે પછી કશું બોલી નહીં. થોડા દિવસ એમ જ પસાર થઈ ગયા. દિયાએ એક વાત નોટિસ કરી કે તે દિવસ પછી ચિરાગ એની સાથે વાત કરવા આવવા લાગ્યો. કેન્ટિન, લિફટમાં માત્ર સ્માઇલને બદલે વાતો થવા લાગી.  ત્યાં એક દિવસ સિયાનો મેસેજ દિયા પર આવ્યો, ‘તું ફ્રી હોય તો આજે સાંજે ઓફિસ અવર્સ પછી સાથે કોફી પીએ?’

‘યસ….સી યુ એટ સિક્સ નિયર કોફી શોપ…!’ દસેક વર્ષ બાદ બન્ને મળી રહ્યાં હતાં એટલે ઓફિસથી નીકળતાં સમયે દિયા કન્ફયુઝડ હતી પણ દિલમાં ઉત્સાહ પણ હતો. દિયા પહોંચી ત્યારે સિયા કોફી શોપની બહાર ઊભી હતી. ‘હેય…દિયા…!’ સિયા સહેજ દોડીને એને વળગી પડી. આવા ઉષ્માભર્યા સિયાના વર્તનથી દિયા ઉત્સાહથી ભેટી પડી. ‘યુ લુક બ્યૂટીફૂલ…’ દિયાએ વખાણ કર્યા એટલે સિયા હસી પડી. ‘તારી જેટલી નહીં હોં…મને તો નવાઈ લાગે છે કે ચિરાગને તારા બદલે મારામાં કેમ રસ પડયો?’ આ વાત પર બન્ને હસી પડયાં. કોફી સાથે સેન્ડવિચનો દિયાએ ઓર્ડર આપ્યો, બન્ને જાણે રોજ મળતાં હોય તેમ વાતો કરવા લાગ્યાં. ઓફિસ, ફ્રેન્ડ , કલીગ, બોસ, ફેશન ફિલ્મ પર બન્નેએ કલાક વાત કરી. પણ દિયાના મનમાં સવાલ હતો તે હવે હોઠ પર આવ્યો. ‘સિયા… આટલાં  વર્ષે  અચાનક  કેમ  તે મને  મળવા  બોલાવી? સિયાએ સહેજ ગળું ખોંખાર્યું, ‘યુ નો..હું ને ચિરાગ બે–ત્રણ વાર મળ્યાં. અમને એકબીજા સાથે ફાવે છે પણ એઝ અ ફ્રેન્ડ….ચિરાગ અને મને લાગે છે કે તું એના માટે વધુ ફીટ છે. વળી તું મારાથી મોટી છે એટલે પહેલાં તારા લગ્ન થવા જોઇએ.’ સિયાની વાત સાંભળી દિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. ચિરાગ હમણાંથી એની સાથે બહુ વાત કરતો હતો પણ આ કારણથી કરે છે તેનો કેમ અહેસાસ ન થયો?

‘બોલ શું કહે છે તું?’ સિયાએ પૂછયું એટલે દિયા બોલી, ‘અરે મેં કદી એ રીતે ચિરાગને જોયો જ નથી…અને હું તારાથી બે મહિના મોટી છું. બે વર્ષ નહીં.  મને એ તારા માટે જ યોગ્ય લાગે છે..!’ દિયાના જવાબથી સિયા હસી પડી. દિયા પણ હસી પડી. આ તો લખનૌ સ્ટેશન પર ટ્રેન આવે અને અંદર ચડવા માટે નવાબો પહેલે આપ, પહેલે આપ કહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. એકાદ મહિના બાદ સિયા અને દિયા બન્નેએ ચિરાગ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી કારણ કે બન્ને જણાની ઈચ્છા હતી કે એ નહીં એની બહેન લગ્ન કરે. દિયા અને સિયાના લગ્ન ન થયા પણ એક વાત બની, બન્ને બહેનોનો એકબીજા માટે પ્રમે જોઈને બન્નેની મમ્મીઓ વચ્ચે ફરી સંબંધો બંધાયા. બસ એ જોઈને સિયા અને દિયા ખુશખુશાલ.

Most Popular

To Top