ભરૂચ: ભરૂચના (Bharuch) શુકલતીર્થ ગામે સંધ્યા કાળે પ્રગટાવેલા દીવાથી આગ (Fire) ભભૂકી ઊઠતાં ગામમાં ભાગદોડ મચી ગઇ હતી. ખોલીબારા ફળિયામાં આગે એક બાદ એક 5 મકાનને ચપેટમાં લઈ લેતાં આગની વિકરાળ જ્વાળાઓથી ભયનો માહોલ ફેલાયો હતો. ત્રણ ફાયર ફાઈટર (Fire Fighter) એક કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, ત્યાં સુધીમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
પૂર્વ પટ્ટી ઉપર આવેલા ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે સોમવારે રાત્રે લાગેલી આગે આખા ગામને દોડતા કરી દીધા હતા. પ્રાથમિક અનુમાન મુજબ પ્રગટાવેલા દીવાના કારણે આગ ભભૂકી ઊઠતાં લોકોએ તેને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, આગ સામે ગ્રામજનોના પ્રયાસો વિફળ રહ્યા હતા. ખોલીબારા ફળિયામાં આગની ઘટનામાં જ્વાળાને પગલે આજુબાજુનાં અન્ય પાંચ મકાનો પણ જોતજોતામાં ચપેટમાં આવી ગયાં હતાં. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતાને પગલે નગર પાલિકાના 2 ફાયર ફાઈટર અને એન.ટી.પી.સી. ઝનોરનું મળી ત્રણ ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાંદેરમાં રસ્તા ઉપર દોડતી કારમાં આગ લાગી, લોકોએ લીધી આગ કાબૂમાં
સુરત: રાંદેરમાં મધરાત્રે રસ્તા પર દોડતી એક કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. કારચાલકને આગની જાણ થતા તુરંત જ કારને રોડ બાજુએ પાર્ક કરી ચાલક સહિત ત્રણેય જણા કારમાંથી બહાર નીકળી ગયા હતા. આ સાથે ઘટનાને નજરે જોનાર એક યુવાને તાત્કાલિક પોતાની કારમાંથી ફાયર સેફ્ટી બોટલ કાઢી આગ પર છંટકાવ કર્યો હતો. આ સાથે લોકો પણ પાણીની ડોલ લઈ દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ફાયરના જવાન આવે તે પહેલાં જ કાબૂમાં સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. કારમાં સવાર ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11:17 ની હતી. એક સેરવોલેક કંપનીની બીટ કાર માં આગ લાગી હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ફાયરની ગાડીઓ રવાના કરી દેવાય હતી. જોકે સ્થળ પર પહોંચ્યા બાદ લોકોએ જણાવ્યું હતું કે કારની આગને લોકોએ જ કાબૂમાં લઈ ત્રણેયને બચાવી લીધા હતા. જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું.