નવી દિલ્હી: ચીનમાં કોરોના સંક્રમણનાં કારણે ફરી એકવાર સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ચીનમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટવા લાગ્યા છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારથી રોગચાળો શરૂ થયો છે ત્યારથી, ચીનમાં એક જ દિવસમાં આટલા કેસ ક્યારેય નોંધાયા નથી. કોરોના વેવને કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
5 કરોડથી વધુ લોકો તેમના ઘરોમાં કેદ છે. સૌથી વધુ 24 મિલિયન લોકો જિલિન પ્રાંતના છે. આ પછી, શેનઝેનના 1.75 કરોડ લોકો અને ડોંગગુઆનના 1 કરોડ લોકો લોકડાઉનમાં છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાની ઘણી લહેર સામે આવી ચુકી છે, પરંતુ ફેબ્રુઆરી 2020 પછી ક્યારેય આટલા કેસ સામે આવ્યા નથી. જો કે, આ નવી લહેરમાં હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી.
કોરોનાની નવી લહેરમાં જિલિન પ્રાંત સૌથી વધુ પ્રભાવિત : NHC
ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ સૌથી વધુ એક દિવસનો વધારો છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 નવા સંક્રમિત મળી આવ્યા છે. જિલિન પ્રાંત કોરોનાની નવી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત થયો છે. કોરોના કેસમાં વધારાને કારણે ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટીઓ લોકડાઉન હેઠળ છે. તેમાં શેંગેનનું ટેક હબ શામેલ છે, જ્યાં 1.70 મિલિયન લોકો રહે છે. દેશમાં 2021 ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ કેસ નોંધાયા છે. વર્ષ 2021 માં, ચીનમાં 8,378 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં વધીને 14,000 થી વધુ થઈ ગયા છે. ચીનના વુહાનથી 2019માં શરૂ થયેલો કોરોના સંક્રમણ ફરી એકવાર ચીનને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં, બેઇજિંગ, શાંઘાઈ સહિત ગુઆંગડોંગ, જિઆંગસુ, શાનડોંગ અને ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડના નવા કેસ નોંધાયા છે.
વાઈરોલોજિસ્ટની ચેતવણી, જૂઠું બોલવાનો સમય નથી
ચીનના ટોચના ચાઇનીઝ ચેપી રોગ નિષ્ણાત ઝાંગ વેનહોંગે સોમવારે કહ્યું હતું કે આ સમય જૂઠું બોલવાનો નથી પણ રોગચાળા સામે વ્યૂહરચના બનાવવાનો છે. ચીનમાં વધી રહેલા કોરોના વચ્ચે ચીન માટે આ સમય ઘણો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ચીન માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બે વર્ષ પહેલા આવો જ રોગચાળો ફેલાયો હતો. આપણે શૂન્ય-કોવિડ નીતિ પર ચર્ચા કરવાને બદલે તાત્કાલિક સંપૂર્ણ અને ટકાઉ રોગચાળાની વ્યૂહરચનાઓનો અમલ કરવો જોઈએ. વેનહોંગે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને નીચા સ્તરે રાખવા માટે શૂન્ય-કોવિડ નીતિ ચાલુ રાખવી જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે લોકડાઉન લાદવાનું ચાલુ રાખીએ અને મોટા પાયે પરીક્ષણ કરીએ. તેના બદલે, આપણે રોગચાળા સામે મજબૂત અને ટકાઉ વ્યૂહરચના બનાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું.
ચીનમાં છેલ્લા 24 કલાકમાં 5,280 નવા કેસ
ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિના વેઇબો પર એક પોસ્ટમાં આ અંગે ટિપ્પણી કરતા વેનહોંગે કહ્યું, “2020માં કોરોના મહામારી પછી ચીન માટે આ સૌથી મુશ્કેલ સમય છે.” ઝેંગ વેનહોંગ કહે છે કે તેમની ટીમે જોયું કે ફેબ્રુઆરીમાં ચીન રોગચાળાને નીચા સ્તરે રાખવામાં સક્ષમ હતું, પરંતુ માર્ચમાં સ્થિતિ વધુ વણસી ગઈ. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં દરરોજ 200થી ઓછા કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ 1 થી 12 માર્ચની વચ્ચે દૈનિક કેસ 119 થી વધીને 3 હજારથી વધુ થઈ ગયા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,280 નવા કેસ નોંધાયા છે. આના એક દિવસ પહેલા, ત્યાં 1,337 કેસ હતા.
કોરોના ટેસ્ટીંગ વધારાયું
જ્યારે પણ ચીનમાં કોરોનાની નવી લહેર આવે છે, ત્યારે તે કડક લોકડાઉન લાદી દે છે અને ત્યાંના દરેક વ્યક્તિની કોરોના તપાસ કરે છે. આ વખતે ચીનમાં પણ એવું જ થઈ રહ્યું છે. ચીનના બેઈજિંગ, શાંઘાઈ, જિલિન, શેનઝેન જેવા પ્રાંતોમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બસ અને મેટ્રો સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ કોરોનાના કેસને ડિટેકટ કરવા માટે એન્ટિજેન ટેસ્ટ કરી રહી છે. આ ટેસ્ટિંગ રસ્તા પર પણ કરવામાં આવી રહ્યું છે. અહીં બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, તમામ લોકોનો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે, એક પણ ઘર નહીં, એક પણ વ્યક્તિ પાછળ ન રહે.
વધતા કેસોનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ
ચીનમાં કોરોનાના વધતા કેસોનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, Omicron ના સબ-વેરિયન્ટ Steelth Omicron (BA.2) ના કારણે ચીનમાં ચેપ ઝડપથી વધી રહ્યો છે. ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના કારણે ચેપ ઝડપથી વધી ગયો હતો, પરંતુ તે સમયે પણ ચીનમાં સ્થિતિ નિયંત્રણમાં હતી. ચીનમાં કોરોના સંક્રમણની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસ એક દિવસમાં બમણા કરતા પણ વધુ. મંગળવારે, ચીનમાં 5280 નવા કોરોના કેસ જોવા મળ્યા, જે કોરોના રોગચાળાના દિવસો પછી દેશમાં સૌથી ઝડપી ચેપ માનવામાં આવે છે. બીજી તરફ, WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટને જોડીને વિકસાવવામાં આવી રહેલું નવું વેરિઅન્ટ ચોથી વેવ લાવી શકે છે.