સુરત: (Surat) શહેરમાં આજે ગરમીનો (Heat) પારો 38 ડિગ્રીને પાર કરતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. સામાન્ય રીતે હોળી (Holi) પછી ગરમીમાં વધારો નોંધાય છે. પરંતુ હજી હોળીને અઠવાડિયુ બાકી છે ત્યારે કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે.
હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા મુજબ આગામી ચાર-પાંચ દિવસ તાપમાન (Temperature ) બેથી ચાર ડિગ્રી (Degree) વધી જશે. સૌરાષ્ટ્ર સહિતના દરિયા કિનારાના સ્થળો પર હિટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રવિવારે શહેરમાં તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાતા પારો 39 ડિગ્રી નોંધાયો હતો.
હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર વીતેલા ત્રણ દિવસમાં તાપમાનમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. હવામાન ખાતાએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં સુરત સહિત દ.ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે ત્યારે રવિવારે સુરતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી ઉપર પહોંચી જતા કાળઝાળ ગરમીનો શહેરીજનોએ સામનો કર્યો હતો. ન્યુનત્તમ તાપમાનનો પારો 20.6 ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 21 ટકા અને હવાનું દબાણ 1009.2 મિલીબાર નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ઓછુ રહેતા સુકા પવનો ફુંકાયા હતા. દિવસ દરમિયાન પ્રતિ કલાક 6 કિ.મીની ઝડપે ઉત્તર દિશામાંથી ગરમ પવનો ફુંકાયા હતા.
વીતેલા ત્રણ દિવસનું મહત્તમ તાપમાન
- 11 માર્ચ – 37 ડિગ્રી
- 12 માર્ચ – 38.2 ડિગ્રી
- 13 માર્ચ – 39 ડિગ્રી
તમને જણાવી દઈએ કે, શહેરમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહીછે. જેના કારણે આગામી ચાર પાંચ દિવસ સુધી ગરમીનો પારો ધીમે ધીમે વધી શકે છે. આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી સુધી વધી શકે છે.
દમણ-દીવમાં પાંચ દિવસ હિટવેવની આગાહી
ગુજરાત હવામાન વિભાગે આગાહી કરે છે રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ ગરમીનો પારો વધી શકે છે. સૌરોષ્ટ્રના દરિયા કિનારે કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે હવામાન વિભાગે પાંચ દિવસ હિટવેવની આગાહી આપી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ભલે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે, જ્યારે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવન સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થશે.